શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 જુલાઈ 2021 (11:03 IST)

Weather Forecast Gujarat - રાજ્યમાં વરસાદના રોકાઈ જવાથી વાતાવરણમાં ઉકળાટ વધ્યો, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયાં ઝાપટાની આગાહી

આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન નવસારી ચિખલી એક મી.મી. જ્યારે છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણાના સતલાસણા તાલુકામાં 3 મી.મી તથા નર્મદા જિલ્લાના તિલકવાડામાં 2 મી.મી. વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. જેના કારણે વાતાવરણમાં બફારો વધ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ થવાના કોઈ સંકેતો નથી. જ્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા થવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કચ્છ ઝોનમાં 12.62, ઉત્તર ગુજરાતમાં 12.82, દક્ષિણ ગુજરાતમાં 16.87, મધ્ય ગુજરાતમાં 14.85 અને સૌરાષ્ટ્રમાં 12.17 ટકા અત્યાર સુધીનો વરસાદ થયો છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીનો 122.16 મીમી એટલે કે 4.80 ઈંચ વરસાદ થયો છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 92.8 મીમી વરસાદ વરસ્યો છે. જે છેલ્લા 7 વર્ષમાં બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. છેલ્લા 7 વર્ષમાં 2015 માં સૌથી વધુ સરેરાશ 115.2 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો સરેરાશ 28 મીમી વરસાદ 2016 માં રહ્યો હતો. ઉપરાંત વર્ષ 2017 માં સરેરાશ 86.4 મીમી, વર્ષ 2018 માં સરેરાશ 65.2 મીમી, વર્ષ 2019 માં સેરાશ 89.6 મીમી અને વર્ષ 2020 માં સરેરાશ 73.2 મીમી વરસાદ નોંધાયો હતો. વેધર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, ચાલુ સાલે ઉત્તર ગુજરાતમાં ચોમાસુ તેના નિયત સમય કરતાં 8 દિવસ વહેલું શરૂ થયું હતું. તેમજ ચોમાસાની એન્ટ્રીના પ્રથમ 6 દિવસ સતત સાર્વત્રિક વરસાદ સારો વરસાદ મળ્યો હતો.