શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (12:34 IST)

અમિત શાહે નેતાઓ સાથે મીટિંગ ન કરી પણ ફોન પર સૂચનાઓ આપી

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુરુવારે આખો દિવસ તેઓએ પરિવાર સાથે વિતાવ્યો હતો. ભાજપનાં પ્રદેશ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા સાથે જ તેઓએ પોતાના બંગલે મીટીંગ કરી હતી. એ સિવાય અન્ય કોઇ નેતાઓ સાથે મુલાકાત કરી નહોતી. ગુરુવારે રાત્રે જ માણસા જઈને પોતાના કુળદેવી માતાના દર્શન કર્યા હતા તથા પૂજા-આરતી કરી હતી. અમિત શાહ શુક્રવારે સવારે અમદાવાદથી નીકળી જશે.
સામાન્ય રીતે અમિત શાહ પારિવારીક મુલાકાતે આવે તો પણ સરકારનાં મંત્રીઓ-નેતાઓને પોતાના થલતેજ સ્થિત નિવાસસ્થાને બોલાવતા હોય છે. ધારાસભ્યો, સાંસદો કે પ્રદેશ-સંગઠનના આગેવાનો સાથે પણ આખો દિવસ અને મોડી રાત્રી સુધી મીટીંગોનો ધમધમાટ કરતા હોય છે. મુલાકાત પણ પારિવારીક જ છે. પરંતુ આ વખતે તેઓ માત્ર ભાજપ પ્રદેશના મંત્રી પ્રદિપસિંહ વાઘેલાને મળ્યા હતા. આસામમાં યુવા સંમેલનના સંદર્ભમાં વાઘેલાને ચોક્કસ જવાબદારી સોંપાયેલી છે. સૂત્રો જણાવે છે કે છેલ્લા બે અઠવાડીયાથી ગુજરાતનું રાજકારણ ગરમ છે. તેમાં પરપ્રાંતીઓ પરના હૂમલા અને સામૂહિક હિજરતે આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ભાજપ-કોંગ્રેસનાં મોટા ગજાના નેતાઓ એકબીજા પર કોઈ સંકોચ-શરમ વગર બેફામ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે.
આવી સ્થિતિમાં અમિત શાહ પોતે પણ મીડિયા સમક્ષ જવાનું પસંદ કરતા નથી. આથી તેઓએ આખો દિવસ નિવાસસ્થાનેથી જ કામ કર્યું હતું. તેઓ બહાર પણ નિકળ્યા નહોતા. જાહેરમાં આવવાનું ટાળ્યું હતું. પ્રાંતવાદના નામે થઈ રહેલા રાજકારણ અને તેને લીધે ગુજરાતની આબરૃનું દેશ-દુનિયામાં થઇ રહેલા ધોવાણના સંદર્ભમાં મીડિયા દ્વારા પૂછાનારા સવાલોના જવાબો આપવાનું ભારે થઇ પડવાનું હોવાથી અમિત શાહે મીડિયાથી પણ અંતર બનાવી રાખ્યું હતું. પરંતુ તેઓએ મુખ્યમંત્રી રૃપાણી, ગૃહમંત્રી જાડેજા જેવા ટોચના મંત્રીઓ તથા પ્રદેશનાં મોટા નેતાઓ સાથે ટેલીફોન પર વાતચીત કરીને ગુજરાતની છેલ્લામાં છેલ્લી સ્થિતિની માહિતી લીધી હતી તેમજ જરૃરી સૂચનાઓ પણ આપી હતી.