શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (15:21 IST)

રાજકોટમાં મોટામવાના પુલ પર બાઇકસવાર યુવક તણાયો,બેઠાપુલ પર ખાડામાં છકડોરિક્ષા ડૂબી

હાલ રાજકોટમાં મેઘરાજાના મંડાણ થઈ ગયાં છે ત્યારે તંત્રના પ્રી-મોન્સૂન પ્લાનની ખામી દર્શાવતી બે ઘટના સામે આવી છે, જેમાં મોટામવાના પુલ પર એક બાઇકસવાર યુવક તણાયો હતો તો બીજી તરફ લાલપરીના બેઠાપુલ પર ખાડામાં છકડોરિક્ષા ડૂબી ગઈ હતી. આ બન્ને ઘટનામાં સ્થાનિકો દ્વારા ડૂબેલા નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ બન્ને ઘટનાનાં LIVE દૃશ્યો મોબાઇલમાં કેદ થયાં છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ અનરાધાર વરસાદ પડતાં રસ્તાઓ નદી બની ગયા હતા અને નાળાં પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં, જોકે શહેરનું સૌથી વધારે જોખમી નાળું હોય તો એ પોપટપરાનું નાળું છે. પહેલા સ્કૂલ-બસ ફસાઇ હતી, જેમાં ડ્રાઇવર, મહિલા સહિત 3 વ્યક્તિ સવાર હતી, જેને સ્થાનિક યુવકોએ બચાવી લીધાં હતાં. બાદમાં એક યુવક પાણીના ધસમસતા પ્રવાહમાં નાળું પાર કરવા સાઇકલ સાથે પાણીમાં ઊતર્યો હતો, જોકે પાણીના પ્રચંડ પ્રવાહ સામે તે સાઇકલ સાથે જ પડી ગયો હતો. આ યુવાન સામેની બાજુ માંડ માંડ જીવ બચાવીને નીકળ્યો હતો. આમ, પોપટપરાના નાળામાં ફસાતી અને તણાતી ચાર જિંદગીને જીવનદાન મળ્યું હતું.રાજકોટમાં ભારે વરસાદને કારણે જયભીમનગરથી મોટામવા જવાના રસ્તે બેઠા પુલ પર કેડ સમું પાણી ફરી વળ્યું હતું. મોટામવા ગામ જવા માટે આ એક જ પુલ છે, આથી લોકો દર વર્ષે પરેશાન થાય છે. ત્યારે આજે આ પુલ પરથી એક યુવક બાઇક સાથે પસાર થઇ રહ્યો હતો ત્યારે અચાનક ધસમસતા પ્રવાહમાં તે બાઇક સાથે તણાયો હતો, આથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તેને બચાવી લીધો હતો. જ્યારે બાઇકને બહાર કાઢવા માટે લોકોએ રેસ્કયૂ- ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ હજી સુધી બાઇક હાથ લાગ્યું નથી. આ બેઠાપુલ પર મોટો પુલ બનાવવા લોકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે છતાં વર્ષોથી આ પ્રશ્ન એમને એમ જ લટકી રહ્યો છે. યુવકે બાઇક ગુમ થયાની અરજી મોટામવા પોલીસ સ્ટેશનમાં કરી છે. એનો સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર GJ-03-JB-1928 છે.