પ્રેમ તણી પ્રતિમાનો તરસ્યો પ્રેમી
નવદૂર્ગાની મૂર્તિઓમાં શ્રદ્ધાના રંગ ભરતો બંગાળનો ઘડવૈયો
પાંચુ ગોપાલ પાલ, કોલકાતાનો એક એવો મૂર્તિકાર જેણે આજથી 30 વર્ષ પૂર્વે ધંધા-રોજગાર માટે મધ્યપ્રદેશનાં ઈંદૌર શહેરની રાહ પકડી. કોઈકે એને કહેલું કે, ભાઈ કોલકાતામાં મૂર્તિ બનાવવા કરતા અહીં ઈંદૌર આવીને માતાજીની મૂર્તિઓ બનાવશો તો નાણાની સાથોસાથ નામના પણ મળશે. બસ એ જ દિવસ અને એ ઘડીએ બગાળના આ મૂર્તિકારે પોતાનું વતન છોડ્યું અને ઈંદૌર આવીને અહીંના બંગાલી ચૌરાહા (બગાળી ચોક) વિસ્તાર પાસે જ નાનકડો એક તંબૂ નાખીને મૂર્તિ બનાવાનું શરૂ કર્યું. શરૂઆતમાં મૂર્તિઓને ખરીદનારા ગ્રાહકો ખુબ જ ઓછા મળતાં કારણ કે, એ સમયે ઈંદૌરમાં દૂર્ગાપૂજાનું કોઈ ખાસ એવું ચલણ ન હતું. ધીરે ધીરે સમય બદલાયો અને પાંચુ ગોપાલનું નસીબ પણ. ઈંદૌરી લોકો ગણેશોત્સવની સાથોસાથ દૂર્ગાપૂજાની પણ ઉજવણી કરતા થયાં. આદ્યશક્તિની ભકિતમાં ડૂબવા લાગ્યાં. એક સમયે પૂરા નવરાત્રિ મહોત્સવમાં માત્ર 10 થી 12 મૂર્તિઓ વેંચીને પોતાનું ગુજરાન ચલાવનાર પાંચુ ગોપાલ હવે 100-150 મૂર્તિઓ બનાવવા લાગ્યાં છે. આજે સ્થિતિ એવી છે કે, પાંચુ ગોપાલ આ કામમાં એકલા પહોંચી શકતા નથી તેમણે મૂર્તિ બનવવા માટે અન્ય છ કારીગરોને કામ પર રાખ્યાં છે. ઈંદૌરમાં રોજી-રોટી મળી રહેતા બગાળના અન્ય મૂર્તિકારો પણ અહીં આવીને વસ્યાં છે. પૂરા શહેરમાં આવા આઠ-દસ પરિવાર છે જે નવરાત્રિ અથવા તો ગણેશોત્સવમાં મૂર્તિઓનું નિર્માણ કરીને સમગ્ર વર્ષની કમાણી કરી લે છે. તેમની પાસે 10 રૂપિયાથી માંડીને પાંચ હજાર સુધીની મૂર્તિઓ છે. પાંચુ ગોપાલ કહે છે કે, ' આજથી 20-30 વર્ષ પહેલાની તુલનાએ હાલ સારી સ્થિતિ છે. હવે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. ઈંદૌરની જનતા ધાર્મિક છે. તેઓ મૂર્તિ ખરીદવામાં કદી પણ પૈસા સામે જોતા નથી. આજથી 20-30 વર્ષ પૂર્વે અમે પીઓપીમાંથી મૂર્તિઓ બનાવતા હતાં પરંતુ હાલ બંગાળમાંથી આવતી પીળી માટી વડે જ તેનું નિર્માણ કરવામાં આવે છે. અન્ય કોઈ કેમિકલનો ઉપયોગ ન કરીને માત્ર વોટર કલરથી બનતી આ મૂર્તિઓ પર્યાવરણ અને નદીના પાણીને પણ નુકસાન પહોંચાડતી નથી.'મૂર્તિઓ માટે સાજ શણગાર પણ બંગાળથી મંગાવામાં આવે છે. પાંચુજી કહે છે કે, ' એક મૂર્તિ બનાવામાં ઓછામાં ઓછુ એક અઠવાડિયું વિતી જાય છે. અમે લોકો નવરાત્રિ મહોત્સવના ત્રણ-ચાર માસ પહેલા જ મૂર્તિઓ બનાવાનું શરૂ કરી દઈ છે. જો કે, ઈંદૌર અને બગાળમાં દૂર્ગાપૂર્જામાં થોડી ભિન્નતા જરૂર છે તેમ છતાં પણ માતાજી પ્રત્યેની લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ જોઈને ખુબ જ ખુશી થાય છે. '
પાંચુજીએ બગાળના 'કુમારતોલી'માં પાંચુએ મૂર્તિ ઘડવાનું કામ શિખ્યું. જ્યાં આજે પણ આશરે 200 જેટલા મૂર્તિ બનાવાના લઘુ ઉદ્યોગોમાં 50000 જેટલા કારિગરો કામ કરે છે.
કોલકાતાના નોદિયા જિલ્લાના બેથુઆડોગરી નામના નાનકડા ગામમાં જન્મેલા અને પોતાના જીવનના 60 દશકા વિતાવી ચૂકેલા બંગાળના આ મૂર્તિકારનો પુત્ર રાજીવ પણ આ વ્યવસાય સાથે જોડાઈ ચૂક્યો છે. હાલ પાંચુજીના નાનકડા એવા તંબૂમાં માઁ દૂર્ગાના નવે નવ અવતારની મૂર્તિઓ વિવિધ મુદ્વા અને આસનમાં બિરાજમાન છે. પ્રથમ દૃષ્ટિએ જોનારાને એવું જ લાગે કે, આ કોઈ તંબૂ નહીં પરંતુ નવદૂર્ગાનું પવિત્ર આદ્યસ્થાન છે.