શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By

ગાય તુલસી વ્રત કથા

gay tulsi vrat katha
Gay tulsi vrat katha-  ગાય તુલસી વ્રત કથા - એક બ્રાહ્મણને એક છોકરી હતી. એણે ગાય-તુલસી વ્રત કરવા માંડ્યું, પણ વ્રત પૂરું થાય તે પહેલાં તે મરી ગઈ અને કોળીને પેટ પડી ! છોકરીને જોઈ કોળીલોકો કહેવા લાગ્યા : આવી રૂપાળી છોકરી ક્યાંથી ? ઢાંકણીમાં ધાણી આલો. રાંકને ઘેર રતન ક્યાંથી ? કુલડીમાં પાણી આલો.
 
છોકરી તો ધાણી ખાય છે, પાણી પીએ છે અને મોટીપોટી થાય છે.
 
એકવાર એક રાજાનો કુંવર મૃગયા રમતાં રમતાં અહીં આવી ચઢ્યો. એણે છોકરીને જોઈ અને કહ્યું: ‘છોડી રે છોડી ! તું કોણ છે ? ભૂત છે ? પ્રેત છે ? ડાકણ છે ?’
 
‘ના, રે ના હું ભૂત નથી, પ્રેત નથી, ડાકણ નથી.’ કુંવરે કહ્યું : તારા જેવી છોડી મેં ક્યાંય ન દીઠી !’
 
 
‘તું મને ગમે છે. હું તને ગમું તો તું મને વર !’ છોકરી કહે, ‘તમે મને ગમો છો પણ હું ‘વરુ’ શી રીતે ? તેમે તો રાજાલોક ને અમે તો કોળીલોક,’
 
વરાય તો યે વર ને ન વરાય તો યે વર !’ રાજકુંવરે હઠ લીધી. છોકરીએ કહ્યું : ‘આજથી આઠમે દહાડે આવજો.’ મંગળ માટલી લાવજો, મંગળ ઘાટડી લાવજો.
 
કંકુનો પડો લાવજો, નાડાનો છડો લાવજો.
 
લીલુડા વાંસ વઢાવજો, નવરંગી ચોરી ચીતરાવજો.
 
પીળું પાનેતર લાવજો, સાત સોપારી લાવજો. વાગતે ઢોલે આવજો.
 
આઠ દહાડા વીત્યા ને રાજકુંવર ધામધૂમથી વાજતે ગાજતે આવી પહોંચ્યો.
 
‘આઠમે દહાડે આવ્યો. કંકુનો પડો લાવ્યો, મંગળ ઘાટડી લાવ્યો, મંગળ માટલી લાવ્યો; નાડાનો છડો લાવ્યો, પીળું પાનેતર લાવ્યો, સાત સોપારી લાવ્યો, વાગતે ઢોલે આવ્યો.’
 
પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ, ચોથું મંગળ વરતાયું અને એતો પાંચમાં મંગળે પરણી ઊઠ્યાં.
 
રાજા કહે : ‘રાણી રે રાણી ! ચાલો, કાલે પરદેશ જઈએ.
 
ખવાય તેટલું ખાઈ લેજો. પીવાય તેટલું પી લેજો.’ રાણી કહે : ‘આજનાં ખાધાં તે કાલ પહોંચતા હશે ?’
 
રાજા કહે : ‘પહોંચે તો ય ને ન પહોંચે તો ય.’ બીજે દહાડે તો રાજારાણી વનમાં આવ્યાં. રાણીને ભૂખ લાગી, તરસ લાગી.
 
રાજા તો ઝાડ ઉપર ચઢ્યો. ચારેકોર જોયું તો છેટે એક સરોવર દીઠું.
 
રાજા કહે : ‘જાઓ, ઉગમણું સરોવર છે એક પોસ પીજો, બે પોસ પીજો, ત્રીજી પોસ પીશો નહિ. આડા અવળી જોશો નહિ.’ રાણી તો પાણી પીવા ગયાં. એક પોસ પીધી, બે પોસ પીધી, ત્રીજી પોસ પીધી અને આડા અવળી જોયું, તો સરખી સહિયરો નાહતી દીઠી, ધોતી દીઠી, ગાય-તુલસીને પૂજતી દીઠી.
 
રાણીએ પૂછ્યું : ‘બહેન તમે શાનાં વ્રત કરો છો ?’
 
છોકરીઓ કહે : ‘ગાયમાનાં, તુલસીમાનાં વ્રત કરીએ છીએ.’ રાણી કહે : ‘એ વ્રત મને શીખવો, તો હું કરું.’
 
છોકરીઓ કહે : ‘તમે રાજાલોક, એ વ્રત તમારાથી થાય નહિ.’ રાણી કહે : ‘થશે, પાળીશ ને કરીશ.’
 
છોકરીઓ કહે : ‘દોરાની ત્રીસ સેરે ત્રીસ ગાંઠો વાળવી, પીળા પસ્તે દોરો બાંધવો અને ગાય-તુલસીની વાત કહેવી. સાંભળનાર ન હોય તો :ગાયમાને ગાળે કહેવી,
 
તુલસીમાને ક્યારે કહેવી, પીપળાને પાને કહેવી,
 
સૂરજદેવની સાખે કહેવી, ધરતીમાને ધ્યાને કહેવી,
 
લીલું ઝાડ તોડવું નહિ, લીલું વસ્ત્ર પહેરવું નહિ, લીલું અન્ન ખાવું નહિ. એ પ્રમાણે વ્રત કરવું.’
 
રાણીએ તો વ્રત લીધું અને ચાલવા માંડ્યું. ચાલતાં ચાલતાં ગામ આવ્યું. રાજારાણી ગામને ઝાંપે આવ્યા. વાજતે ગાજતે ઘરે ગયા.
 
બીજો દહાડો થયો. ડોશી બોલ્યાં : ઊઠો રાણીજી ! દાતણ કરો.’ રાણીએ દાતણ કર્યું.
 
ઊઠો રાણીજી ! નાવણ કરો.’ ‘મારે નાવણ કરવું નથી.’ ‘એવું શું છે ?’ ‘ગાય-તુલસીનાં વ્રત છે.
 
ડોશીને ક્રોધ ચડ્યો : ‘આવી ત્યારથી વ્રત લાવી, વરતુલાં લાવી, ખૈયાને છંછેડતી આવી, ભાઈને ભંભેરતી આવી.’ રાણી બોલી : ‘ગાળો દેશો નહિ, વ્રત થશે, પાળીશ ને કરીશ.’
 
એમ કહી રાણી નદીએ ના’વા નીકળી. ડોશીએ તેને લીલાં રંગના કપડાં આપ્યાં. નાહીને એણે લીલાં કપડાં પહેર્યાં નહિ અને ભીને લુગડે ઘરે આવી,ના’તી આવી, ધોતી આવી, જળની ઝારી ભરતી આવી, ગાય-તુલસી પૂજતી આવી ! ઘેર આવીને જમવા બેઠી.
 
ડોશીએ તો રોટલો અને દૂધીનું શાક મૂક્યું. રાણીએ શાક શાક ભોંયમાં ભંડાર્યું અને રોટલો-રોટલો ખાઈને ઊઠી. ‘જે તુલસીમા ! જે ગાયમા !’ કહીને ઊઠી.
 
ડોશીએ તો બીજે દહાડે ભીંડાનું શાક, ત્રીજા દહાડે કારેલાંનું શાક અને ચોથે દહાડે તુરિયાંનું શાક કર્યું. રાણીએ ચારે દહાડા શાક શાક ભોંયમાં ભંડાર્યું અને રોટલો-રોટલો ખાધો !
 
રાણીને ગાય-તુલસીનાં વ્રત ફળ્યાં. રાણીને મહિના રહ્યા.
 
એક માસ,
 
બે માસ, ત્રણ માસ, ચાર માસ અને પાંચ માસ થયા.
 
રાણી કહે : પાંચ માસે પંચમાસી-રાખડી બાંધોને ?’
 
ડોશી કહે : ‘કોળીની છોકરીને રાખડી શી ને આખડી શી ?’ રાણી કહે : ‘બંધાય તો ય બાંધો ને ના બંધાય તો ય બાંધો.’
 
ડોશી કહે : ચાર વાટોની રેત લાવો. હનુમાનની મળી લાવો, એક કાળી ચીંદળી લાવો.’ એમ કરીને રાખડી બાંધી.
 
છ માસ થયા, સાત માસ થયા. રાણી કહે : ‘બા, ખોળો ભરાવોને ?’
 
ડોશી કહે : કોળીની છોકરીને ખોળા શા ને ઓળા શા ?’ ચાર દાણા ચોખાના, એક લીલું નાળિયેર એમ કરીને ખોળો ભરાવ્યો. આઠ માસ વીત્યા ને પૂરા નવ માસે રાણીને છોકરો અવતર્યો. રાજા તો ભરી સભામાં બેઠા હતા, ત્યાં ફૂલનો દડો પડ્યો.
 
છોકરો જન્મ્યાની વધાઈ મળી, રાજાનું મોઢું મલકાણું.
 
ડોશી કહે : ‘કોળીની છોકરી છોકરો શું જણે ? સાવરણી ને સૂંથિયું જ તો !’ સાસુ ઝેરીલી હતી. છ વહુઓને છોકરો નહિ ને કોળીની છોકરીને જન્મ્યો ? તેણે ભોયમાંથી ભાલા ઉગાડવા માંડ્યા. છોકરો મારી નાખવાનો ઉપાય કર્યો, છોકરાને ઉકરડાની ટોચે નાખી દેવડાવ્યો, છોકરો ત્યાંથી ગબડતો ગબડતો…
 
ગાયમાના ગાળે ગયો, તુલસીમાને ક્યારે ગયો,
 
પીપળાંને પાને ગયો, સૂરજદેવની સાખે ગયો,
 
ધરતીમાને ખોળે ગયો, ગાયમા ધવરાવે છે,
 
પીપળો પાળે છે, ધરતીમાતા રખાવાળું કરે છે.
 
એવામાં એક સુતારની છોકરી ગાય-તુલસીનાં વ્રત કરતી હતી, તે ગાયમાને પૂજવા આવી. એણે કુંવરને રમતો જોયો, ને બોલી :
 
‘ગાયમા રે ! તુલસીમા રે ! આ ભાઈ કોનો ?’ ‘તને ગમે તો તું લઈ જા !!
 
‘ના રે ! ના, કોનો હોય ને કોનો નહિ !’
 
‘હું આપું છું, તું લઈ જા ને !’ છોકરી તો ભાઈને લઈને ઘરે ગઈ.
 
‘મા ! મા ! ભાઈ લાવી.’
 
‘કોનો હોય ને કોનો નહિ ? ભૂતનો હોય, પ્રેતનો હોય,
 
ડાકણનો હોય !’
 
છોકરી કહે: ‘ના રે ! ના.’
 
ગાયમાએ આપ્યો ને લાવી. તુલસીમાએ આપ્યો ને લાવી.
 
પીપળાએ આપ્યો ને લાવી. સૂરજદેવે આપ્યો ને લાવી.’
 
ભાઈને પારણામાં સૂવાડ્યો. બહેન તો હાલરડાં ગાય છે: હાલો રે, હાલો, મારો ભાઈ છે રે વા’લો… છોકરો તો મોટો થયો. કાકા-બાપા કહેવા લાગ્યો.
 
‘બાપા બાપા ! મને લાકડાનો ઘોડો ને કાચનું પલાણ કરી આપોને !’
 
સુતારે તો લાકડાનો ઘોડો ને કાચનું પલાણ કરી આપ્યું. બીજે દહાડે છોકરો ઘોડાને પાણી પીવડાવવા લઈ ગયો.
 
લાકડાનો ઘોડો અને કાચનું પલાણ.
 
પી રે પાણી….પો…પો.’
 
એટલામાં રાજાની છએ રાણીઓ પાણી ભરવા આવી.
 
તેમણે કહ્યું :‘ગાંડા છૈયા ! ઘેલા છૈયા ! લાકડાના ઘોડા તે પાણી પીતા હશે ?’ લાગ જોઈને છોકરો બોલ્યો :‘ગાંડી રાણી ! ઘેલી રાણી ! રાજાની રાણી તે કંઈ સાવરણી ને સૂંથિયું જણતી હશે ?’ રાણીઓને ખોટું લાગ્યું.
 
ઘેર જઈને રાજાને વાત કહી :‘સુતારના છોકરાએ મે’ણા દીધાં.’
 
રાજાએ તો છોકરાને બોલાવ્યો. કાળો ઘોડો, કાળાં કપડાં અને કાળું અન્ન આપી, અંધારી રાતે તેને નગરમાંથી કાઢી મૂક્યો.
 
છોકરો ત્યાંથી ચાલી નીકળ્યો !
 
બીજા ગામનો રાજા યજ્ઞ કરતો હતો. તેણે છોકરાને જતાં જોયો. રાજાએ છોકરાને પાસે બોલાવી કહ્યું : ‘ભાઈ ! તું અહીં રહે, આજે મારે ત્યાં જમણ છે.
 
તું પીરસ જે.’ ‘ના રે ના, હું સુતાર છું. મારાથી કેમ પીરસાય ? પીરસાય તો યે રહે અને ના પીરસાય તો યે રહે.’
 
સાતે રાણીઓને ત્યાં જમવાનું હતું. કોળણરાણી કહે : ‘મા ! મા ! શું પહેરું ?’ ‘ઝાડે ફરવાનો સાડલો અને ઝાડે ફરવાનું કાપડું જ તો.’ ફરી પૂછ્યું : ‘મા ! મા ! શું લઉ ?’ ‘ઝાડે ફરવાનો ચવડો જ તો.’
 
સાતે રાણીઓ જમવા આવી. કોળણરાણી ઉકરડે બેઠી.
 
છોકરો પીરસતો પીરસતો મા પાસે આવ્યો. ત્યાં તો કપડાની કસ તૂટી, ધાવણની સેર છૂટી !
 
‘આ મા, ને આ જ એનો બેટો !’ આખું ગામ બોલી ઊઠ્યું. રાજા રાજી થઈ ગયા. સુતારની છોકરીને બોલાવીને પૂછ્યું : ‘આ ભાઈ ક્યાંથી લાવી ?’
 
છોકરીએ કહ્યું: ‘આ ભાઈ મને ગાયમાએ આપ્યો, તુલસીમાએ આપ્યો.’
 
રાજાએ બધી વાત સાંભળી અને રાજી થઈ ગયા. છએ રાણીઓએ વ્રત કરવાનો વિચાર કર્યો. છોડીઓ પાસેથી વ્રત લીધું, પણ વ્રત કાણું-કૂબડું કર્યું. છયેને કાણી-કૂબડી છોકરીઓ અવતરી ! ફરીથી વ્રત કર્યું. એક મને, એક ચિત્તે ને એક ધ્યાને. છયેને મોતીના દાણા જેવાં કુંવર અવતર્યા.
 
રાજમાં બધે આનંદ વરતાયો. બધાં રાજાને ત્યાં વધાવવા ગયાં. રાજા કહે : ‘મને શું વધાવો છો ? વધાવો રૂડાં ગાયમાં, તુલસીમા.’
 
ઊંચી ખડકી નીચી ખડકી, માંહી વાવ્યા તલ ને તુલસી, લાલ, બાળ, જયગોપાળ.
 
રામબાઈ, શામબાઈ, પાનબાઈ, અમરબાઈ,
 
સૌએ પહેર્યાં અમરપાન. હિંડોળાખાટે હીંચે છે. પાનનાં બીડાં ચાવે છે. લાલને ધવરાવે છે.
 
લાલ હીડે તો કુંકુમનાં પગલાં પડે, હસે તો હીરા ખરે !
 
જય ! રૂડાં ગાયમા, જય રૂડાં તુલસીમા ! સૌને ફળ્યાં એવાં અમને ફળજો.