રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: જયપુર: , સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (10:54 IST)

પ્રો કબડ્ડી લિગ સિઝન-7: યુ મુમ્બાનો ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ સામે 31-25થી વિજય

અભિષેક સિંહ અને સુરિન્દર સિંહની જોરદાર લડાયક રમતની મદદથી જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પરની પ્રો કબડ્ડી લિગ સિઝન-7ની એક મેચમાં યુ મુમ્બા સામેની મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો 31-25થી પરાજય થયો હતો. આ વિજય સાથે મુમ્બાની સ્પર્ધામાં સ્થિતિ મજબૂત બનશે જ્યારે ગુજરાતનો સ્પર્ધામાં નબળો દેખાવ યથાવત રહ્યો હતો. અભિષેકે 22 રેઈડમાં 11 જ્યારે સુરિન્દરે પાંચ ટેકલમાં ચાર પોઈન્ટ મેળવ્યા હતા. આ મેચ છેવટ સુધી અત્યંત રોમાંચક રહી હતી પણ અંતે ગુજરાતની ટીમનો પરાજય થયો હતો.
યુ મુમ્બાની ટીમે ટોસ જીતીને કોર્ટ પસંદ કર્યા બાદ ગુજરાતની ટીમે રોહિત ગુલિયાની સફળ રેઈડના જોરે પ્રથમ પોઈન્ટ સાથે શરૂઆત કરી હતી અને ટીમે મુમ્બાની ટીમને શરૂઆતના તબક્કે સારી એવી હંફાવી હતી. પહેલાં પાંચ પોઈન્ટ સુધી તો બન્ને ટીમો સાથે રહી હતી પરંતુ એ પછી ગુજરાતના ખેલાડીઓએ રમત પરનું નિયંત્રણ ગુમાવતાં મુમ્બાની ટીમ પ્રતિસ્પર્ધી ટીમ પર હાવી થઈ હતી અને ગુજરાતને આગળ નિકળવાની તક આપી નહતી. જોકે ગુજરાતે ફરી વળતી લડત આપી મેચ પર કાબૂ મેળવ્યો પણ હાફ ટાઈમે સ્કોર 16-16થી બરોબર રહ્યો હતો.
આ મેચ પહેલાં યુ મુમ્બા છઠ્ઠા અને ગુજરાત દસમા ક્રમે હતું. ગુજરાતના 17 મેચમાં પાંચ વિજય દસ પરાજય અને બે ટાઈ સાથે 38 પોઈન્ટ હતા જ્યારે મુમ્બાના 16 મેચમાં આઠ વિજય, સાત પરાજય અને એક ટાઈ સાથે 48 પોઈન્ટ હતા. આ જોતા મુમ્બા માટે સ્પર્ધામાં તેની સ્થિતિને મજબૂત કરવાની સારી તક હતી જ્યારે ગુજરાત માટે હવે સ્પર્ધામાં ટકવું મુશ્કેલ લાગી રહ્યું છે. આ મેચ પહેલાં ટેકલ પોઈન્ટમાં જોડીની દ્રષ્ટીએ ફઝલ એટ્રાચલી અને સુરિન્દર સિંહના 32 પોઈન્ટ, મહેન્દ્ર સિંહ અને સૌરભ નાંદલના 30 અને જયદીપ અને નિરજ કુમારના 29 પોઈન્ટ હતા.