શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હીઃ , સોમવાર, 17 ડિસેમ્બર 2018 (10:25 IST)

સિદ્ધુ વર્લ્ડ ટૂર ફાઈનલ્સ જીતનારી પ્રથમ ભારતીય બની.. ફાઈનલમાં ઓકુહારાને હરાવી

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ જાપાનની નોજોમી ઓકુહારાને હરાવીને વર્લ્ડ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ પોતાના નામે કરી લીધું છે. રવિવારે રમાયેલી મહિલા સિંગલ ફાઇનલ મેચમાં સિંધુનો સામનો ઓકુહારા સામે થયો હતો. સિંધુએ ઓકુહારાને 21-19, 21-17થી હરાવીને પ્રથમવાર આ ટુનામેન્ટનું ટાઇટલ જીત્યુ છે. નોંધનીય છે કે ગયા વર્ષે રમાયેલી વર્લ્ડ ટૂર ફાઇનલ્સની ફાઇનલમાં સિંધુ અને ઓકુહારા વચ્ચે મુકાબલો થયો હતો જેમાં ઓકુહારાએ સિંધુને હાર આપી હતી. 2018માં આ ટાઇટલને જીતવાની સાથે સિંધુ બીડબલ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ જીતનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની ગઇ છે. સિંધુના કરિયરનું 14મું અને સીઝનનું પ્રથમ ટાઇટલ હતું. સિંધુએ ફાઇનલ મેચમાં શરૂઆતથી આક્રમક રમત બતાવી હતી.
 
 
પ્રથમ સેટની શરૂઆતમાં સિંધુએ ૫-૧ની લીડ મેળવી પોતાના ઇરાદા જાહેર કરી દીધા હતા. ઓકુહારાએ લીડ ઘટાડવાનો પ્રયાસ કર્યો પરંતુ સિંધુએ ૧૩-૬ની મજબૂત લીડ મેળવી લીધી હતી બીજા સેટમાં સિંધુએ બ્રેક સુધી સિંધુએ ૧૧-૯ની લીડ મેળવી હતી. ઓકુહારએ તે પછી ૧૬-૧૭નો સ્કોર કરી સિંધુ પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો હતો. સિંધુ ત્યારબાદ ૧૮-૧૬થી આગળ હતી અને તે ઐતિહાસિક જીતથી માત્ર ત્રણ પોઇન્ટ દૂર હતી. સિંધુએ અંતિમ સમયમાં જોર લગાવ્યું હતું અને એક પોઇન્ટ ગુમાવવાની સાથે ત્રણ પોઇન્ટ મેળવતાં મેચ અને ટાઇટલ જીત્યું હતું.
 
સિંધુએ વર્લ્ડ ટૂર ફાઇનલ્સનું ટાઇટલ જીત્યા પહેલાં છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૭માં કોરિયા ઓપનનું ટાઇટલ જીત્યું હતું. તે વખતે સિંધુએ ઓકુહારાને હરાવી હતી. તે પછી સિંધુનો ગત વર્ષે હોંગકોંગ ઓપનની ફાઇનલમાં તાઇ ઝુ યિંગ સામે, બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સમાં અકાને યામાગુચી સામે હાર મળી હતી. ઈન્ડિયા ઓપનમાં બેઇવેન ઝેંગ સામે, આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં સાઇના નેહવાલ સામે, થાઇલેન્ડ ઓપનમાં નોઝોમી ઓકુહારા સામે, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કેરોલિના મારિન સામે અને એશિયન ગેમ્સની ફાઇનલમાં નંબર વન ખેલાડી તાઇ ઝુ યિંગ સામે પરાજય થયો હતો.