ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 7 એપ્રિલ 2018 (11:48 IST)

વાસ્તુ ટિપ્સ - સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ગરમ મસાલો ફાયદાકારક

આપણા રોજબરોજના જીવનની ઘટમાળમાં ચડતી પડતી આવ્યા જ કરતી હોય છે. મહિલાઓને સૌથી મોટી મુશ્કેલી તેનું બાળક નાનું હોય ત્યારે પડતી હોય છે. તેનું શિશુ રૂપાળું હોય અને અચાનક દૂધ પીવાનું બંધ કરી દે તો માતા તેને કોઈની ખરાબ નજર લાગી ગઈ હોવાનું માની લઈને તેના માથા પરથી સાતવાર આખું મીઠું રાઈ, લાલ ચટાક મરચાં ઓવારીને ધૂણીમાં નાખી દે છે. થોડા સમય પછી શિશુ પોતાનો પ્રવાહી ખોરાક લેવા માંડે છે. ખેર આતો થઈ એક આડવાત.

આમ જોઈએ તો સ્વાદરસિયાઓને રોજ નિતનવી વાનગીઓ આરોગવાનો શોખ હોય છે. વાનગીને સ્વાદિષ્ટ બનાવવા મીઠું, આદું, મરચાંની પેસ્ટ, હળદર, ધાણાજીરું ઉપરાંત ચપટી ગરમ મસાલો નાખવામાં આવે છે. રસોડામાં રાખવામાં આવતા મસાલાનો માત્ર સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટેના ઉપયોગ ઉપરાંત અન્ય ઉપયોગ કરવામાં આવે તો જીવન ખુશખુશાલ રહે છે. પૌરાણિક ગ્રંથમાં સૂચવેલા મસાલાના પ્રયોગ જીવનમાં ધાર્યું પરિણામ મેળવવા કરવામાં આવે તો તેથી કોઈ નુકસાન થતું નથી બલ્કે પ્રગતિ થાય છે.

એક જ્યોતિષાચાર્ય કહે છે કે ‘આપણા સમાજમાં કોઈ કુટુંબમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ખરીદીના મુહૂર્તના શ્રીગણેશ પહેલાં મીઠું અને મગની ખરીદીથી કરવા જોઈએ. ત્યાર પછી વરઘોડિયા માટેની ચીજવસ્તુની ખરીદી કરવી જોઈએ. તેઓ હળદરના ગાંઠિયાના ગુણધર્મ જણાવતાં કહે છે કે હળદરનો ઉપયોગ ગુરુ ગ્રહની કૃપા મેળવવા માટે છે. શુભ ગૃહ ગુરુના આશીર્વાદ મળે તો ભાગ્યોદય થાય છે. લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત પુત્ર પ્રાપ્તિ માટે હળદરના ગાંઠિયાને ગુરુની પહેલી હોરામાં પૉકેટ્માં રાખવાથી ગુરુની કૃપા મેળવી શકાય છે. લવિંગનો ઉપયોગ પાનના બીડાંમાં કરવામાં આવે છે.’

અન્ય એક જ્યોતિષ હળદરના ઉપયોગની બાબતે કહે છે કે શનિની મહાદશા ચાલી રહી હોય ત્યારે પૉકેટમાં હળદરનો ગાંઠિયો રાખવાથી જાતકને પોખરાજ જેવું ફળ મળે છે. રાઈના ઉપયોગની બાબતે તેઓ કહે છે કે ઘરના સભ્યો વચ્ચે ખટરાગ રહેતો હોય, રોજ કચકચ ચાલતી રહેતી હોય તો ઘરનાં ચાર ખૂણામાં રાઈનાં પડીકાં બનાવીને રાખવાથી શાંતિ રહે છે. બધાં હળીમળીને રહે છે.

તેઓ વધુ માહિતી આપતાં કહે છે કે ઔષધિય વનસ્પતિ અને જ્યોતિષ સાથે સંબંધ છે. જાતક જે નક્ષત્રમાં જન્મ્યો હોય એ નક્ષત્રના છોડવાનું આરોપણ કરીને ઉછેરે તો તેનો ભાગ્યોદય થાય છે. જીવનમાં નવી તક મળે છે.

અન્ય એક ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ ગરમ મસાલો ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવાથી નસીબ યારી આપે છે. મોંઘવારીના જમાનામાં પૈસાની ડગલે ને પગલે જરૂર પડે છે. જિપ પાઉચમાં થોડો ગરમ મસાલો રાખો. ઘરના ચાર ખૂણે નાનાં પાઉચ રાખો પછી જુઓ કે એની અસર કેવી થાય છે. તમને કાર્યસફળતા મળશે.

તજ

આ તેજાનો આધ્યાત્મિક વલય ધરાવતો હોવાથી વાનગીમાં તેનો ઉપયોગ કરવાનું ગુણકારી છે. ગ્લેમરસ વ્યવસાયમાં કાર્યરત વ્યક્તિઓએ પાઉચમાં તજનો ટુકડો રાખવો જોઈએ. એના શુભ ગુણની અસર અનુભવી શકાશે.

લવિંગ

લવિંગનો નોખો ગુણ છે. પાઉચમાં થોડા લવિંગ રાખી જુઓ. કાર્યસફળતા મળી શકે છે.

લક્ષ્મીજીની કૃપા મેળવવા સંતરા સાથે રીબનથી લવિંગ બાંધીને કિચનમાં લટકાવવાથી ઘરમાં ધનધાન્યની ક્યારેય તંગી નહીં પડે,એવો નિષ્ણાતોનો મત છે

આદું

પ્રાચીન પુસ્તક કામસૂત્રમાં આદૂંનો ઉલ્લેખ દાંપત્ય પ્રેમ વધારવા શક્તિ અને સફળતા પ્રાપ્તિ માટે કરવામાં આવ્યો છે. આદૂં નાખેલી ચા રોજ પીવાથી શક્તિનો સંચાર અનુભવી શકશો. તાજા રહી શકશો.

ફુદીનો

આ એક ઊર્જાસભર વનસ્પતિ છે. મૂડી રોકાણને સલામત રાખવું હોય તો ફુદીનાના પાન ચૅકબુકવાળા પાઉચમાં રાખી જોજો. એની અસર અનુભવી શકશો.

પૌરાણિક માન્યતા પ્રમાણે ફુદીનાના તાજાં પાન પર્સમાં એક પાઉચમાં રાખી જુઓ.

અફીણના દાણા

દરેક શોખીન આની અસર જાણે છે. આની એક અસર એવી છે કે તે આવું સેવન કરનારના મનમાં ગૂંચવણ ઊભી કરે છે, પણ કોઈ અગત્યનું પેપરવર્ક કરવાનું હોય તો તેમાં વિલંબ કરાવે છે. હવે એ તો વ્યક્તિએ પોતે જોવાનું છે કે કયા પેપરવર્કને ડિલે કરવાથી કેટલો લાભ મેળવી શકાય.