ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. અક્ષય તૃતીયા
Written By
Last Modified: બુધવાર, 18 એપ્રિલ 2018 (14:32 IST)

આજે અખાત્રીજ વણજોયા મુહુર્તનો દિવસ...

તા.18મી એપ્રિલના રોજ અક્ષય તૃતીયા-અખાત્રીજ, પરશુરામ જયંતી, વર્ષી તપનાં પારણાનો દિવસ છે. સામાન્ય રીતે આ દિવસ લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ ગણવામાં આવે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે અખાત્રીજના દિવસે લગ્નાદિ માંગલિક કાર્યો માટેનું શુભ-શુદ્ધ મુહૂર્ત નથી.
 
આ દિવસે થતાં વર્ષી તપનાં પારણાનું મહત્ત્વ સમજાવતા જૈન સાધુ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે આદિનાથ ભગવાને દીક્ષા ગ્રહણ કર્યા પછી ૧૩ માસ અને ૧૦ દિવસ સુધી અખંડ તપની આરાધના કરી તેની સ્મૃતિમાં આજપર્યંત વર્ષી તપની આરાધના કરવામાં આવે છે. આ તપ સૌથી જૂનું અને મોટામાં મોટું તપ છે. જૈન સમાજનાં આરાધકો અત્યંત શ્રદ્ધાથી આ તપની આરાધના કરે છે અને શેરડીના રસથી પારણું કરે છે. જે જૈન દેરાસરોમાં આદિનાથ પ્રભુની સ્થાપના થઇ હશે ત્યાં આજે શેરડીનાં રસનો પ્રક્ષાલ કરવામાં આવશે.
 
જૈન તીર્થ-પાલિતાણા ખાતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ૯૨૪ વર્ષી તપનાં આરાધકોનાં પારણા થશે. જ્યારે અમદાવાદમાં આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., આચાર્ય જગતચંદ્રસૂરીશ્વરજી મ.સા., આચાર્ય અભયચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ભગવાનનગરનાં ટેકરા ખાતે વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે ૧૪૨ વર્ષીતપનાં આરાધકોનાં પારણા થશે. હઠીસિંહની વાડી ખાતે ૯૨ વર્ષીતપનાં તપસ્વીઓના પારણા અને ઉસ્માનપુરા જૈન સંઘ દ્વારા બત્રીસી હોલ ખાતે ૪૦થી વધુ પારણા થશે.
 
સ્વામિનારાયણ મંદિર-રામબાગ-કાંકરિયા ખાતે પણ આજથી ૨૧ દિવસ સુધી ભગવાનને ચંદનનાં વાઘા થશે. કેમકે આ સમયગાળા દરમિયાન ગરમીનો પ્રકોપ વધુ હોવાથી ચંદનનાં વાઘાનો શણગાર થશે, એમ મંદિરનાં આનંદપ્રસાદ સ્વામીએ જણાવ્યું છે. ઇસ્કોન મંદિર ખાતે પણ આ રીતે ભગવાનને ચંદનનાં વાઘાનાં શણગારનાં દર્શન થશે.
 
કુમકુમ મંદિરે ભગવાનને સોનાનાં પુષ્પ ચઢાવાશે...
અક્ષય-તૃતીયાનાં દિવસે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ ખાતે ભગવાનને ચંદનનાં વાઘાની સાથે સોનાનાં પુષ્પ પણ ચઢાવવામાં આવશે, એમ કહી મંદિરના મહંત આનંદપ્રિયદાસજીએ જણાવ્યું કે આ દિવસે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું હતું. દ્વાપર યુગનું સમાપન થયું હતું. વૃંદાવનમાં બાંકેબિહારીનાં ચરણાર્વિંદનાં દર્શન આ જ દિવસે થાય છે. નાથદ્વારામાં શ્રીનાથજી પ્રભુનું વલ્લભાચાર્યજીએ આ જ દિવસે પધરાવ્યું હતું.
 
જગન્નાથજી મંદિરે ભગવાનનાં રથનું કાર્ય આજથી...
અક્ષય-તૃતીયાનાં દિવસે જગન્નાથજી મંદિર-જમાલપુર-અમદાવાદ ખાતે પરંપરાગત રીતે રથયાત્રાનાં દિવસે નીકળનારા ભગવાનનાં સમાર-નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ થશે. વર્ષોની પરંપરા અનુસાર આ દિવસે તેનો પ્રારંભ કરવામાં આવશે, એમ જગન્નાથજી મંદિરના મહંત  જણાવ્યું છે.