બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 એપ્રિલ 2019 (10:41 IST)

શ્રીલંકા : શ્રીલંકા : આત્મઘાતી હુમલામાં મૃત્યુઆંક વધીને 290 થયો

શ્રીલંકામાં અત્યાર સુધી થયેલા આઠ બૉમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 290 લોકોનાં મોત થયાં છે અને લગભગ 450 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 27 વિદેશી નાગરિકો પણ સામેલ છે.
 
અત્યાર સુધી આઠ બૉમ્બ બ્લાસ્ટ થયા
બ્લાસ્ટમાં હોટલ અને ચર્ચને નિશાન બનાવાયાં
290 લોકોનાં મોત, 450 ઘાયલ
8 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ
ત્રણ ચર્ચમાં ઇસ્ટરની પ્રાર્થના દરમિયાન બ્લાસ્ટ
કોલંબોમાં ચાર હોટલ અને એક પ્રાણીસંગ્રહાલય પાસે બ્લાસ્ટ
કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી
સરકારે કહ્યું કે આત્મઘાતી હુમલો, વિદેશમાં રચવામાં આવ્યું કાવતરું
સમગ્ર દેશમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો
 
શ્રીલંકાના વડા પ્રધાન રનિલ વિક્રમાસિંધના જણાવ્યા પ્રમાણે બૉમ્બ બ્લાસ્ટ બાદ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ શ્રીલંકાના નાગરિકો છે. આ લોકોના કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે સંપર્કો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. હુમલા બાદ સમગ્ર શ્રીલંકામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
શ્રીલંકાના સંરક્ષણમંત્રી આર. વિજયવર્ધનનું કહેવું છે, "આ આત્મઘાતી હુમલો છે. ગુપ્તચર સંસ્થાઓએ હુમલા વિશે સૂચિત કર્યા હતા. જોકે, તેને રોકી શકીએ તે પહેલાં જ બ્લાસ્ટ થઈ ગયા હતા."
 
કોણ છે હુમલાખોર?
 
આ હુમલો કોણે કર્યો છે તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી સામે આવી નથી. ધરપકડ કરાયેલા લોકો વિશે પણ કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી.  શ્રીલંકાના દૂરસંચારમંત્રી હરિન ફર્નાન્ડોએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સરકાર પાસે આજે થયેલા હુમલાઓ અંગે ગુપ્તમાહિતી હતી. 
 
તેમણે કહ્યું, "આ ગુપ્તમાહિતી અંગે વડા પ્રધાનને જાણ કરવામાં આવી ન હતી. કૅબિનેટમાં એવા સવાલો પણ ઊઠ્યા હતા કે આ રિપોર્ટને કેમ ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો."
 
તેમણે કહ્યું, "ગુપ્તચર સંસ્થાઓના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચાર પ્રકારના હુમલાઓ થઈ શકે છે."
 
"આત્મઘાતી બૉમ્બ વિસ્ફોટ થઈ શકે છે, હથિયારો દ્વારા હુમલો થઈ શકે છે, ચાકુ દ્વારા હુમલો થઈ શકે છે અથવા વિસ્ફોટકોથી ભરેલા ટ્રક દ્વારા હુમલો થઈ શકે છે."
"આ રિપોર્ટમાં કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓનાં નામોનો પણ ઉલ્લેખ છે. તેમના ટેલિફોન નંબર પણ રિપોર્ટમાં આપવામાં આવ્યા છે."
 
"એ નવાઈ પમાડે તેવી વાત છે કે ગુપ્તચર સંસ્થાઓ પાસે આ રિપોર્ટ હતો પરંતુ કૅબિનેટ કે વડા પ્રધાનને જાણ ન હતી."
 
ફર્નાન્ડોએ કહ્યું, "આ રિપોર્ટ એક દસ્તાવેજ છે અને આ દસ્તાવેજ હવે અમારી પાસે છે. આ રિપોર્ટમાં કેટલાંક નામોનો પણ ઉલ્લેખ છે. તેમાં કેટલાંક સંગઠનોનાં નામો પણ છે."
 
"હાલ તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને અમે એ લોકો સુધી પહોંચી જઈશું જે લોકો આ હુમલામાં સામેલ છે."
 
 
લોકોમાં એ વાતનો ડર છે કે આવનારા દિવસોમાં પણ આવા હુમલાઓ થઈ શકે છે.  શ્રીલંકામાં અત્યાર સુધી કુલ આઠ બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. ઇસ્ટર સન્ડેના રોજ ચર્ચ અને હોટલોને નિશાન બનાવાયાં હતાં. આઠમા વિસ્ફોટમાં ત્રણ પોલીસ અધિકારીઓ પણ માર્યા ગયા હતા. આ વિસ્ફોટ ત્યારે થયો હતો જ્યારે પોલીસ અધિકારીઓ કોલંબોના એક ઘરની તલાશી લઈ રહ્યા હતા. અત્યાર સુધી એ વાતની જાણકારી મળી શકી નથી કે આ વિસ્ફોટ બૉમ્બ નિષ્ક્રિય કરવાની કોશિશ દરમિયાન થયો હતો કે નહીં.
 
27 વિદેશી નાગરિકોનાં મોત
I
વિસ્ફોટોમાં 27 વિદેશી નાગરિકો માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે. ઇસ્ટર સન્ડે ખ્રિસ્તીઓમાં એક મોટા તહેવાર તરીકે મનાવાય છે. આ દિવસે ચર્ચમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના માટે આવે છે. સૅન્ટ એન્ટોની અને અન્ય ચર્ચોમાં હજારો લોકો ઇસ્ટરની પ્રાર્થના માટે એકત્રિત થયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ બીબીસી સિંહાલાને જણાવ્યું કે વિસ્ફોટ બાદ તેમણે ઘણા મૃતદેહોને એકબીજા પર પડેલા જોયા હતા.
 
'ટાયર ફાટવા જેવો અવાજ આવ્યો'
 
ઘટનાના એક પ્રત્યક્ષદર્શી રોશને બીબીસી તામિલ સેવાને જણાવ્યું, "હું મારા ઘરમાં હતો ત્યારે મેં ટાયર ફાટવા જેવો અવાજ સાંભળ્યો. ઘરની બહાર નીકળ્યો તો મેં ધુમાડો જોયો." 
 
તેમણે કહ્યું, "અમે બે ત્રણ જીવતા બચેલા લોકોને હૉસ્પિટલ મોકલ્યા હતા. હું ગયો હતો અને ત્યાં અંદાજે 100 જેટલા મૃતદેહો પડ્યા હતા."
 
શ્રીલંકામાં જ્યારથી ગૃહયુદ્ધ સમાપ્ત થયું છે, નાની-મોટી હિંસાઓની ઘટનાઓ ઘટતી રહે છે.
 
સિંહલા બૌદ્ધ મસ્જિદો અને મુસલમાનોની સંપત્તિને બહુમતી ધરાવતો વર્ગ નિશાન બનાવતા રહે છે. જેના કારણે માર્ચ 2018માં અહીં ઇમર્જન્સીની જાહેરાત કરવી પડી હતી.