રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 માર્ચ 2019 (16:54 IST)

લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતમાંથી અમિત શાહની ઉમેદવારી સ્પેશિયલ 26નું વલય રચી શકશે?

ભાજપને આશા છે કે ગાંધીનગરની બેઠક ઉપરથી અધ્યક્ષ અમિત શાહની ઉમેદવારીથી ગુજરાત ભાજપમાં ઉત્સાહનો સંચાર થશે અને ગત વખતના 26માંથી 26 બેઠકોના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકશે. પાર્ટી ઉપર હિંદી બેલ્ટના મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને પૂર્વાંચલમાં પણ ગત વખત જેવું પ્રદર્શન કરવાનું દબાણ છે. આ માટે ભાજપ શાહ-મોદીની ઉમેદવારીથી 'રિપલ ઇફેક્ટ'ની ઉપર આધાર રાખી રહ્યો છે. 
 
ગત ગુરૂવારે ભાજપે 184 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં શાહ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસી (યૂપી)ની બેઠક ઉપરથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. 2014ના ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ રેકર્ડ 5,70,128 મતની લીડ સાથે વડોદરાની બેઠક જીતી હતી, પરંતુ તેમણે બેઠક ઉપરથી રાજીનામું આપી દીધું હતું અને વારાણસીની બેઠક જાળવી રાખી હતી.
 
આ વખતે પણ તેઓ વારાણસીની બેઠક ઉપરથી જ ઉમેદવારી કરી રહ્યા છે. 
 
વરિષ્ઠ પત્રકાર પ્રદીપસિંહ કહે છે કે 'મોદીની ગેરહાજરીમાં ગુજરાતીઓમાં એવો સંદેશ ગયો હોત કે ભાજપ અને મોદી માટે ગુજરાતનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે.' મોદીએ ગત ચૂંટણી વખતે દેશના અન્ય રાજ્યોમાં 'ગુજરાત મૉડલ'નો પ્રચાર કર્યો હતો.
 
શાહ ગાંધીનગરની બેઠક ઉપરથી ચૂંટણી લડે એટલે ગુજરાતીઓ એ વાતે આશ્વસ્ત રહેશે કે ભાજપના અધ્યક્ષ સંસદમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયાનું કહેવું છે :
 
"અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે એનાથી ભાજપના ગુજરાતના કાર્યકરોમાં ચેતનાનું વાતવરણ જોવા મળે એવી શક્યતા છે."
 
"છેલ્લા ઘણા સમયથી ભાજપ ગુજરાતમાં પડકાર અનુભવી રહ્યો છે અને એ સ્થિતિમાં ગુજરાતમાંથી અમિત શાહની ઉમેદવારી ફાયદો કરાવશે."
 
તેઓ ઉમેરે છે, "26 બેઠકો જાળવી રાખવાના પ્રયત્ન આ વખત ભાજપ કરે છે અને જે મુશ્કેલ બાબત પણ છે."
 
જો રિપલ ઇફેક્ટને સરળ શબ્દોમાં સમજવામાં આવે તો જ્યારે પાણીમાં પથ્થર ફેંકવામાં આવે, ત્યારે પથ્થર વચ્ચે પડે છે, પરંતુ તે કેન્દ્રની ફરતે વલય ઊભા થાય છે.
 
આવી જ રીતે જ્યારે કોઈ દિગ્ગજ કે લોકપ્રિય નેતા કોઈ એક બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઝંપલાવે એટલે તેની સકારાત્મક અસર આજુબાજુની બેઠકો ઉપર જોવા મળે.
 
નેતાનું કદ, નેતા કે પક્ષ તરફી લોકજુવાળ, ઉમેદવારની વ્યક્તિગત લોકપ્રિયતા, સંગઠન ઉપર ઉમેદવારની પકડ વગેરે જેવી બાબતો નક્કી કરે છે કે આજુબાજુની કેટલી બેઠક ઉપર અસર પડશે.
 
રાજકીય વિશ્લેષક હેમંત શાહનું માનવું છે કે એ વાતમાં કોઈ બેમત નથી કે ગાંધીનગર મતવિસ્તારમાં કૉંગ્રેસની સામે ભાજપનો દબદબો વધારે છે.
 
તેઓ કહે છે, "આ મતવિસ્તાર સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓનો ગઢ રહ્યો છે. તેનાથી સમગ્ર રાજ્યના મતદારો સહેલાઈથી પ્રભાવિત થઈ શકે છે."
 
અગાઉ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી આ બેઠક ઉપરથી સંસદમાં પહોંચ્યા છે.
 
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા કહે છે કે 'ગાંધીનગર મતવિસ્તારમાં પ્રતિયોગિતા જેવું કંઈ છે જ નહીં.'
 
તેમનું માનવું છે કે 'અમિત શાહ ચૂંટણીની વ્યૂહરચના સારી રીતે જાણે છે અને જ્યારે તેઓ ગાંધીનગરથી લડશે, ત્યારે કાર્યકર્તાઓ તેમજ નેતાઓની શક્તિ બમણી થઈ જશે.'
 
ગત લોકસભા ચૂંટણી વખતે મોદીએ ગુજરાતની વડોદરાની બેઠક ઉપરથી ચૂંટણી લડી હતી, જેના સકારાત્મક પરિણામ ભાજપને મળ્યા હતા. વડોદરાની આજુબાજુની આણંદ, ખેડા અને દાહોદ જેવી બેઠકો પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ ગણાતી, પરંતુ રિપલ ઇફેક્ટને કારણે અહીં પણ ભાજપનો વિજય થયો હતો. ગુજરાતમાં 26માંથી 26 બેઠક મળી હતી
 
પાડોશી રાજ્ય હિંદી બૅલ્ટ રાજસ્થાનમાં 25માંથી 25 બેઠક ઉપર વિજય મળ્યો હતો. મધ્ય પ્રદેશમાં ભાજપને 29માંથી 27 બેઠક મળી હતી.
 
કૉંગ્રેસને કમલનાથ (છિંદવાડા) અને જ્યોતિરાદિત્ય સિંધિયાના (ગુના)ના સ્વરૂપમાં બે બેઠક મળી હતી.
 
હાલમાં કમલનાથ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન હોવાથી સ્વાભાવિક રીતે તેમને ટિકિટ નહીં આપવામાં આવે.
 
એક અહેવાલ પ્રમાણે, વિધાનસભાના ચૂંટણી પરિણામોને લોકસભાની ચૂંટણી સાથે સરખાવવામાં આવે તો ભાજપને 16 બેઠક મળશે અને ગત વખતની સરખામણીએ 11 બેઠકનું નુકસાન થશે.
 
મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક ઉપરથી પણ ચૂંટણી લડ્યા હતા, જ્યાં પાર્ટીને આપબળે 80માં 71 બેઠક મળી હતી, જ્યારે બે બેઠક ઉપર એનડીએના સાથી પક્ષ અપના દળનો વિજય થયો હતો. મોદી ફરીથી વારાણસીની બેઠક ઉપરથી લડી રહ્યા છે અને ભાજપ ગત ચૂંટણી પર્ફૉમન્સનું પુનરાવર્તન કરવા ધારે છે.
 
પૂર્વ ઉત્તર પ્રદેશમાં 41 બેઠક છે. કૉંગ્રેસે મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને આ પ્રાંતના પ્રભારી બનાવ્યા છે. ભાજપ ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલી બિહારની બેઠક (સારણ, બક્સર, આરા, પશ્ચિમ ચંપારણ,) ઉપર સમાન પ્રકારની અસર ઊભી કરવા ધારે છે.
 
ગત ચૂંટણી વખતે નીતિશ કુમારની જનતાદળ (યુનાઇટેડ) સાથે ભાજપનું ગઠબંધન ન હતું, છતાંય પાર્ટીએ લોજપ અને રાલોસપ સાથે મળીને 40માંથી 31 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.
 
ગાંધીનગરમાં તા. 23મી એપ્રિલે મતદાન થશે, જ્યારે વારાણસીમાં તા. 19મી મેના દિવસે આખરી તબક્કામાં મતદાન થશે.
 
તા. 23મી મેના દિવસે ચૂંટણી પરિણામ જાહેર થશે, ત્યારે સ્પષ્ટ થશે કે દિગ્ગજ નેતાઓ ગત વખત જેવી અસર ઊભી કરી શક્યા છે કે નહીં.