ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ભાર્ગવ પરીખ|
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (11:45 IST)

બનાસકાંઠા : પુત્રના પ્રેમલગ્નની સજા માતાને મળી, બહિષ્કાર કરાયો અને 'દુષ્કર્મ' આચરવામાં આવ્યું

ગુજરાતના બનાસકાંઠામાં એક મહિલાના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યા બાદ તેમની સાથે તેમના જ સમુદાયના આગેવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
 
ફરિયાદ અનુસાર, બન્ને આરોપી દ્વારા મહિલાને સામાજિક બહિષ્કારમાંથી બચાવવાની લાલચ આપીને શોષણ કરવામાં આવ્યું હતું.
 
હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને બન્ને આરોપીને ભાગેડુ જાહેર કરાયા છે.
 
દરમિયાન પીડિતાના મેડિકલ ચેક-અપ સહિતની જરૂરી પ્રક્રિયા હાથ ધરાઈ છે.
 
ઘટના શું છે?
 
ફરિયાદ અનુસાર બનાસકાંઠાના એક ગામમાં રહેતા પરિવારના દીકરાનાં માતાપિતાએ સમુદાય (સમાજ)ના જ અન્ય પરિવારની દીકરી સાથે તેમના દીકરાનું લગ્ન કરવા માટે વચન આપ્યું હતું. પરંતુ અન્ય શહેરમાં રહેતા દીકરાએ અન્ય યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધું હતું, જેથી સમગ્ર વિવાદનાં બીજ રોપાયાં હતાં. બીબીસી ગુજરાતીએ પીડિત પરિવાર સાથે વાતચીત કરી વિગતો જાણી.
 
ફરિયાદી મહિલાએ કહ્યું, "પહેલાંથી જ પરિવારની આર્થિક સ્થિતિ કફોળી હતી." 
 
"ઉપરથી સામાજિક બહિષ્કારને પગલે મારા પતિને કામ મળવામાં પણ મુશ્કેલી થતી હતી, તેમ છતાં જેમ-તેમ કરી ગુજરાન ચલાવી રહ્યાં હતાં."
 
"દરમિયાન સમાજ (સમુદાય)ના બે આગેવાનોએ સામાજિક બહિષ્કારમાંથી બહાર લાવી રૂપિયા પાંચ લાખનો દંડ માફ કરાવી દેવાની વાત કહી હતી."
 
"તેમણે બ્લૅકમેલ કરીને મારું શારીરિક શોષણ કર્યું. મેં તમામ વાત પતિને કરી એટલે તેમણે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવાનું નક્કી કર્યું."
 
"આરોપીઓએ એકથી વધુ વખત શારીરિક શોષણ કર્યું અને મને વારંવાર બ્લૅકમેલ કરીને તાબે થવા મજબૂર કરી હતી."
 
"એટલું જ નહીં તેમણે મારી સાથે મારી કોઈ સખીને પણ સામેલ કરવા કહ્યું હતું."
 
"સમુદાયમાં પણ અમને સામાજિક અને આર્થિક રીતે પરેશાન કરવામાં આવ્યાં છે."
 
 
પોલીસનું શું કહેવું છે?
 
સામાજિક બહિષ્કાર ગેરકાનૂની છે. ગામ (સમુદાય)ની પંચાયતો દ્વારા દંડ ફટકારવામાં આવ્યા બાદ દુષ્કર્મની ફરિયાદ વિશે પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે.
 
કેસની તપાસ કરી રહેલા બનાસકાંઠાના થરાના પોલીસ અધિકારી એન. એચ. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું:
 
"પોલીસે ફરિયાદ દાખલ કરી છે. પરિવાર છેલ્લા કેટલાક મહિનાથી બનાસકાંઠાના ગામમાં રહેવા આવ્યો હતો."
 
"તેમણે સામાજિક બહિષ્કારની ફરિયાદ ભૂતકાળમાં નહોતી કરી. પીડિતાનું મેડિકલ ચેકઅપ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે."
 
"પ્રાપ્ત પુરાવા ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. આરોપીએને પકડવા માટે પણ કાર્યવાહી ચાલુ છે."
 
"અમે દુષ્કર્મ તથા સામાજિક બહિષ્કાર અંગેનો કેસ દાખલ કર્યો છે."
 
 
'મામલો ગંભીર'
 
 
બનાસકાંઠાના કલેક્ટર સંદીપ સાંગલેએ પણ આ મામલાની નોંધ લીધી છે.
 
સાંગલેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "આ મામલો ગંભીર છે. અમે કાર્યવાહી કરીશું અને સામાજિક બહિષ્કારની પ્રથાને દૂર કરવા માટે પણ પગલાં ભરીશું."
 
"અમને જાણ થઈ છે કે વિસ્તારમાં કેટલાક સમુદાયમાં આવી પ્રથા ચાલે છે, આથી તેને દૂર કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવીશું."
 
"ઉપરાંત આ કેસમાં આરોપીને જલદી પકડવા માટે પોલીસતંત્ર સાથે ચર્ચા થઈ છે."
 
"આ કેસમાં ટેકનૉલૉજી અને હ્યુમન ઇન્ટલિજન્સનો ઉપયોગ કરીને દાખલો બેસાડવામાં આવશે."
 
અત્રે નોંધવું કે પોલીસે આઈપીસી (ઇન્ડિયન પિનલ કૉડ) 376-ડી હેઠળ ગુનો દાખલ કર્યો છે.