શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 19 એપ્રિલ 2019 (18:21 IST)

મારા શ્રાપથી મર્યા હેમંત કરકરે : સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

ભોપાલથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ મહારાષ્ટ્ર એટીએસના દિવંગત પ્રમુખ હેમંત કરકરે અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. એક ચૂંટણીસભા દરમિયાન સાધ્વીએ કહ્યું કે તેમના શાપથી હેમંત કરકરેનું મૃત્યુ થયું છે.
 
હેમંત કરકરે મહારાષ્ટ્ર એટીએસના પ્રમખ હતા અને વર્ષ 2008માં મુંબઈ પર કરાયેલા હુમલામાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. વીરતા માટે તેમને વર્ષ 2009માં અશોક ચક્ર એનાયત થયું હતું. કરકરેએ વર્ષ 2006માં માલેગાંવમાં થયેલા બૉમ્બ વિસ્ફોટની તપાસ કરી હતી અને આ મામલે સાધ્વી પ્રજ્ઞા સિંહની પૂછપરછ પણ કરી હતી.
 
માંલેગાવ વિસ્ફોટનાં આરોપી પ્રજ્ઞા સિંહ હાલમાં જમાનત પર જેલમુક્ત છે અને ભાજપે તેમને ભોપાલની લોકસભા બેઠક પરથી ઉમેદવાદર જાહેર કર્યાં છે.
 
માલેગાંવ બ્લાસ્ટ
 
પ્રજ્ઞા સિંહે કહ્યું, "મારી પૂછપરછ કરવા માટે હેમંત કરકરેને મુંબઈ બોલાવાયા હતા. એ વખતે હું મુંબઈની જેલમાં બંધ હતી."
 
સાધ્વીએ કહ્યું, "હેમંત કરકરેને કહેવાયું હતું કે જો પુરાવા ન હોય તો સાધ્વીને છોડી દો. એ વ્યક્તિ કહેતી હતી કે હું પુરાવા લઈને આવીશ અને આ સાધ્વીને નહીં છોડું."
 
હેમંત કરકરે અંગે સાધ્વીએ કહ્યું, "એમની એ કુટિલતા હતી, આ દેશદ્રોહ હતો, આ ધર્મ વિરુદ્ધ હતું. એ મને પ્રશ્ન પૂછતો હતો. આવું કેમ થયું, તેવું કેમ થયું. તો હું કહી દેતી કે મને શું ખબર? ભગવાન જાણે!"
 
"તો શું આ બધું જાણવા માટે મારે ભગવાન પાસે જવું પડશે? મેં કહી દીધું કે તમારે જરૂર હોય તો ચોક્કસથી જાઓ."
 
સાધ્વીએ ઉમેર્યું, "મને એટલું કષ્ટ અપાયું. એટલી ગાળો ભાંડવામાં આવી કે મારાંથી સહન ન કરી શકાય. મેં કહ્યું કે તારો સર્વનાશ થશે અને ઠીક સવા મહિનામાં, સૂતક લાગે છે, જ્યારે કોઈને ત્યાં મૃત્યુ કે જન્મ થાય તો સૂતક લાગે છે."
 
"જે દિવસે હું ગઈ હતી એ દિવસ આનું સૂતક લાગી ગયું હતું અને ઠીક સવા મહિને જે દિવસ એને આતંકવાદીઓએ માર્યો એ દિવસ એ સૂતક પૂરું થઈ ગયું."
 
સાધ્વીએ કહ્યું, "ભગવાન રામના કાળમાં રાવણ થયો તો સંન્યાસીઓ દ્વારા એનો અંત લવાયો. જ્યારે દ્વાપરયુગમાં કંસ થયો તો સંન્યાસીઓ ફરી આવ્યા અને તેનો અંત કરાવ્યો. જે સંતો-સંન્યાસીઓને તેણે જેલમાં પૂર્યા હતા, એનો શ્રાપ લાગ્યો અને કંસનો અંત થયો."
 
સાધ્વીએ કહ્યું, "2008માં દેશ વિરુદ્ધ આ ષડયંત્ર રચવામાં આવ્યું અને સંન્યાસીઓને અંદર ધકેલી દેવાયા. એ દિવસે મેં કહ્યું હું કે આ શાસનનો અંત આવશે. સર્વનાશ થઈ જશે અને આજે આ પ્રત્યક્ષ ઉદાહરણ તમારી સામે છે."
 
મહારાષ્ટ્રના માલેગાંવમાં અંજુમન ચોક તથા ભીકુ ચોક વચ્ચે શકીલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ સામે 29 સપ્ટેમ્બર, 2008ની રાત 9.35 વાગ્યે બૉમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં છ લોકોનાં મોત થયાં હતાં અને 101 લોકો ઘાયલ થયા હતા.