શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2019 (11:50 IST)

ધોની ફિટ, ચેન્નઈ હિટ, દિલ્હી પર દમદાર જીત

બુધવારના રોજ રમાયેલી આઈપીએલમાં મૅચમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હીને 80 રનથી હરાવ્યું. દિલ્હી સામે 180 રનનો ટાર્ગેટ હતો. ઉલ્લેખનીય છે કે ચેન્નઈની વિકેટ પર બૅટિંગ કરવી મુશ્કેલ છે એ પરથી આ ટાર્ગેટ મુશ્કેલ માનવામાં આવી રહ્યો હતો. પરિણામો પણ આ પ્રમાણે જ આવ્યાં. દિલ્હી ટાર્ગેટનો પીછો કરતાં 16.2 ઓવરમાં માત્ર 99 રન બનાવી શકી.
 
આ મૅચમાં કૅપ્ટન શ્રેયસ અય્યરે 44 અને શિખર ધવને 19 બનાવ્યા. આ બન્ને સિવાય કોઈ બૅટ્સમૅન વિકેટ પર ટકી ન શક્યા. બૉલિંગની વાત કરવામાં આવે તો ચેન્નઈના ઇમરાન તાહિરે 12 રન આપી ચાર વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ માત્ર નવ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી.
 
સુપર કિંગ્સનો સુપર શો
 
દિલ્હીના કૅપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની તબિયત ખરાબ હોવાને કારણે શરૂઆતમાં મેદાનમાં ન ઊતરી શક્યા. જોકે, અંતે તેઓ ટીમની નવી આશા બનીને મેદાનમાં ઊતર્યા. તેમણે અણનમ 44, સુરેશ રૈનાએ 59 અને ડૂ પ્લેસીએ 39 રન બનાવ્યા. જાડેજાએ 25 રનનું યોગદાન આપી ટીમનો સ્કોર વધારવામાં મદદ કરી. જ્યારે રવિન્દ્ર જાડેજા, ક્રિસ મોરિસના બૉલ પર કૅચ આપી બેઠા ત્યારે ચેન્નઈનો સ્કોર 18.3 ઓવરમાં 145 હતો.
 
ધોનીએ ધમાકેદાર બૅટિંગ
 
ધોની સામે મોરિસ બૉલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમનાથી એક બીમર બૉલ પડી ગયો. પરંતુ ધોનીની કમાલની ટાઇમિંગને કારણે સ્ક્વેર લેગ દિશામાં તે બાઉન્ડરી બહાર સિક્સ ગયો. ત્યારબાદ મોરિસ, ધોની પાસે પહોંચ્યા અને તેમની માફી માગી. ક્રિકેટમાં બીમર એક એવો બૉલ છે જેનાથી બૅટ્સમૅનને ઇજા થઈ શકે છે. મૅચ ખતમ થયા બાદ મેદાનામાં હળવાશનો માહોલ ઊભો થયો જ્યારે કૉમેન્ટેટર ડેરેન ગંગાએ રવિન્દ્ર જાડેજાને માઇક પર બોલાવ્યા પરંતુ તેમનું નામ જ ભૂલી ગયા.
 
ગંગાએ કહ્યું, "હવે વાત કરી રહ્યા છે આ.....રવિચંદ્રન અશ્વિન સાથે." પરંતુ જાડેજાએ હસીને મોઢું ફેરવી લીધું તો ગંગા સમજી ગયા કે તેમનાથી કંઈક ગડબડ થઈ છે.
બાદમાં તેમણે માફી માગતા જાડેજાને પૂછ્યું, "ધોની અંગે શું કહેશો?"
જાડેજાએ સાદગીથી જવાબ આપ્યો, "માત્ર એક શબ્દ જિનિયસ."
બુધવારના રોજ ધોનીએ 22 બૉલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 44 રન બનાવ્યા.
સુરેશ રૈનાએ 37 બૉલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા.
આખરે 'ધોની-ધોની'ના નારા સાથે તેમને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયા.
 
એ ધોનીની જ કમાલ હતી કે ચેન્નઈનો સ્કોર 13.3 ઑવર બાદ બે વિકેટના નુકસાન પર 87 રન હતા પરંતુ જ્યારે 20 ઓવર સમાપ્ત થઈ ત્યારે સ્કોરબૉર્ડ 179 રન હતા.
આ મૅચ બાદ ચેન્નઈ 13 મૅચમાંથી નવ જીત્યું છે અને ચાર હાર્યું છે. આ સાથે તેઓ 18 અંકો સાથે અવ્વલ સ્થાને છે. ધોનીની હાજરી ટીમ માટે કેટલી જરૂરી છે તે આ મૅચ પરથી સામે આવ્યું.
 
મૅચ બાદ ધોનીએ ટીમ સાથે મેદાનનો રાઉન્ડ લગાવી દર્શકોનું અભિવાદન કર્યું. એટલું જ નહીં તેમણે દર્શકો તરફ ટેનિસ બૉલ પણ ફેંક્યો હતો.