મોદી ફરી વડા પ્રધાન બને એવું ઇમરાન ખાન શા માટે ઇચ્છે છે?

Last Modified બુધવાર, 10 એપ્રિલ 2019 (17:58 IST)

પાકિસ્તાનના ઇમરાન ખાને બીબીસીને કહ્યું કે કાશ્મીરના વિવાદિત વિસ્તારને લઈને ભારત સાથે શાંતિ એ સમગ્ર વિસ્તાર માટે એક મહત્ત્વપૂર્ણ બાબત હશે.

ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા આઠ મહિના પહેલાં વડા પ્રધાન બન્યા છે.

તેમણે કહ્યું કે પરમાણુ શક્તિ ધરાવતાં રાષ્ટ્રો એકબીજા સાથે વાતચીત દ્વારા જ પોતાના મતભેદોનો ઉકેલ લાવી શકે છે.

ઇમરાન ખાનનું આ નિવેદન એ સમયે આવ્યું છે, જ્યારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં હિંસાની ઘટનાઓના કેટલાંક સપ્તાહો બાદ ભારતમાં લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે.

પુલવામામાં ભારતીય સુરક્ષાદળો પર એક આત્મઘાતી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એક કથિત ઉગ્રવાદી કૅમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો.

ભારતના વડા પ્રધાન અને તેમના દેશને શું સંદેશ આપવા માગશો, આ સવાલ પર ઇમરાન ખાને બીબીસીના જ્હૉન સિમ્પસનને કહ્યું, "કાશ્મીરનો મુદ્દો ઉકેલવો પડશે અને તેને લાંબા સમય સુધી આ રીતે સળગતો ના રાખી શકાય."

તેમણે કહ્યું, "બંને સરકારોનું પ્રથમ કામ એ છે કે ગરીબીને કેવી રીતે ઘટાડી શકે. ગરીબી ઓછી કરવાનો એક રસ્તો એ છે કે અમે એકબીજા સાથેના મતભેદો વાતચીત દ્વારા ઉકેલીએ અને અમારા વચ્ચે કાશ્મીર એક જ મતભેદ છે."


કાશ્મીરને લઈને તણાવ શા માટે?
ભારત અને પાકિસ્તાન બન્ને સમગ્ર કાશ્મીર પર દાવો કરી રહ્યા છે. ભૂતકાળ પર નજર કરીએ તો બન્ને દેશ વચ્ચે યુદ્ધ પણ થઈ ચૂક્યાં છે. વર્ષ 2003માં બન્ને દેશ નિયંત્રણ રેખા (એલઓસી) પર યુદ્ધવિરામ મુદ્દે સહમત થયા હતા પરંતુ આંતરિક અશાંતિ હંમેશાં રહી. ભારત પ્રશાસિત કાશ્મીરમાં રહેતા ઘણા લોકોમાં ભારતીય શાસનને લઈને અસંતોષ છે. દિલ્હી ઘણા સમયથી આરોપ લગાવી રહી છે પાકિસ્તાન ઉગ્રવાદીઓને સમર્થન આપી રહ્યું છે.
મોટા પ્રમાણમાં બેરોજગારી અને સુરક્ષાદળો દ્વારા માનવાધિકાર ભંગની ફરિયાદોને કારણે પણ આંતરિક તણાવ વધ્યો છે અને વિદ્રોહને હવા મળી છે.

ઇમરાન ખાને શું કહ્યું?

ગત ફેબ્રુઆરીમાં ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આની પાછળ પાકિસ્તાનમાં આસરો લેતા ઉગ્રવાદીઓનો હાથ છે. ભારતે એવું પણ કહ્યું હતું કે આ હુમલા પાછળ પાકિસ્તાની સરકારનો હાથ છે. ઇમરાન ખાને મંગળવારે સમાચાર એજન્સી રોઇટર્સ સાથે વાતચતી કરી હતી જેમાં તેમણે બન્ને દેશ વચ્ચે સારા સંબંધની સંભાવના માટે મોદી ફરી ચૂંટાય તેવી વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, "કદાચ દક્ષિણપંથી પાર્ટી ભાજપ જીતે તો કાશ્મીર મુદ્દે સમજૂતી થઈ શકે છે." તેમનું કહેવું હતું કે અન્ય પક્ષો દક્ષિણપંથીઓની આલોચનાના ડરથી કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા અચકાઈ રહ્યા છે. બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં ઇમરાને ખાને આસિયા બીબીના મામલે પણ પોતાનો પક્ષ મૂક્યો હતો.

આ એક હાઇ-પ્રોફાઇલ મામલો છે જેમાં એક ઈસાઈ મહિલા પર ઈશનિંદાનો મામલો ચાલી રહ્યો છે. જાન્યુઆરી માસમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આસિયા બીબીની મૃત્યુદંડની સજાને રદ કરી નાખી હતી.

આ પણ વાંચો :