શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ડૉ. ધીમંત પુરોહિત|
Last Modified: શનિવાર, 20 એપ્રિલ 2019 (00:08 IST)

રાહુલ રાષ્ટ્રીય નેતા કમ અને બાજુમાં રહેતા રાજુભાઈ જેવા કેમ વધુ લાગે છે?

ડૉ. ધીમંત પુરોહિત
હનુમાન જયંતીએ આ વખતે અનેક ચમત્કારો જોવા મળ્યા. ઉત્તર પ્રદેશમાં એકબીજાનાં કટ્ટર વિરોધીઓ મુલાયમ સિંહ અને માયાવતી 24 વર્ષ બાદ એકસાથે એક મંચ પર જોવાં મળ્યાં. કૉંગ્રેસથી નારાજ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી કૉંગ્રેસ છોડીને તરત જ શિવસેનામાં જોડાઈ ગયાં. હિંસક દુર્ઘટનાઓ પણ જોવા મળી. સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને ચાલુ ભાષણે થપ્પડ મરાઈ, જેની ગુંજ દેશ આખામાં સંભળાઈ. એનસીપીનાં ઉમેદવાર રેશમા પટેલ પર પણ હુમલો થયો. રેશમા પટેલે આરોપ લગાવ્યો છે કે એમની છેડતી પણ થઈ.
આ અગાઉ ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હારાવ પર દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન જૂતું ફેંકાયું. પશ્ચિમ બંગાળ અને કેરળ જેવાં રાજ્યોમાં રાજકીય કાર્યકર્તાઓની હત્યા અને હુમલાઓનો સિલસિલો તો ચાલુ જ છે.
 
દેશના રાજકારણમાં અસહિષ્ણુતાનો આ દૌર દરેક માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. એ દરમિયાન રાહુલ ગાંધી ફરી એક વાર બે દિવસ માટે ગુજરાતમાં પ્રચાર પર આવી ગયા.
 
ગુરુવારે સાંજે સૌરાષ્ટ્રના વંથલી-જૂનાગઢ ખાતે સભા સંબોધી. રાહુલનો મુદ્દો કૉંગ્રેસનો મૅનિફેસ્ટો અને મોદીનું શાસન છે. લોકસભાની પાછલી ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી પોતે એક મુદ્દો હતા અને ગુજરાતના દીકરાને વડા પ્રધાન બનાવવા ગુજરાતીઓએ 26માંથી 26 બેઠકો મોદીની ઝોળીમાં આપી દીધી. આ વખતે પરિસ્થિતિ અલગ છે. ગુજરાતમાં આ વખતે 26 બેઠકો મળશે એવું ભાજપવાળા પણ નથી માનતા. એમની તમામ તાકાત બને એટલી બેઠકો બચાવવાની છે. સામે પક્ષે ગુજરાતમાં કૉંગ્રેસ માટે વકરો એટલો નફો છે.
 
રાહુલ પાસે મોદી જેવા તામઝામ નથી. નથી જાતજાતનાં કપડાં - ફેંટા - પાઘડીઓ. નથી આંજી નાખતી ભાષણકળા કે શબ્દરમતો. રાહુલ આપણને રાષ્ટ્રીય નેતા કમ અને આપણી બાજુમાં રહેતા રાજુભાઈ જેવા વધુ લાગે છે.
એમનું ભાષણ ભાષણ ઓછું અને સોસાયટીના કૉમન-પ્લૉટમાં ઊભાઊભા થતી વાતો જેવું વધુ લાગે છે. જોકે, ટીવીનાં રિપીટ ઑડિયન્સ માટે રાહુલ પાસે કોઈ નવા મુદ્દા નથી. હા, સ્થાનિક ખેડૂતો અને યુવાનોને એમની સરળતાથી કહેવાયેલી વાતો સ્પર્શે છે.
 
રાહુલનો હુમલો સીધો મોદી પર છે. એ કહે છે, મોદી બે ભારત બનાવવા માગે છે. એક ભારત અંબાણી - અદાણીનું, તો બીજું નોટબંધી અને ગબ્બરસિંઘ ટૅક્સથી પીડાતા સામાન્ય લોકોનું ભારત. મોદીના સંબોધનમાં આવતા 'મિત્રો'નો ઉલ્લેખ કરી રાહુલ કહે છે કે મોદી તમને મિત્રો કહે છે અને અનિલ અંબાણી, મેહુલ ચોકસી અને નીરવ મોદીને 'ભાઈ' કહે છે.
 
સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધીનું ટાર્ગેટ ઑડિયન્સ ખેડૂતો અને માછીમારો છે. ખેડૂતો માટે સ્પેશિયલ કિસાન બજેટ છે, તો માછીમારો માટે ખાસ મંત્રાલય અને યુવાનો માટે રોજગાર. રાહુલ સભામાં લોકોને સીધો સવાલ કરે છે, અંબાણીની સરકાર બનાવવી છે કે ગરીબ ખેડૂતોની?
 
ગુરુવારે સાંજે અહમદ પટેલ સાથે ભુજ પહોંચેલા રાહુલનો મૂળ કાર્યક્રમ ત્યાંના સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરીને પ્રચાર શરૂ કરવાનો હતો, પણ છેલ્લી ઘડીએ સુરક્ષાનું કારણ આપી મંદિરની મુલાકાત રદ કરાઈ.
 
અહમદ પટેલે પોતાના ભાષણમાં મોદી અને શાહ પર સીધો હુમલો કર્યો.
 
રાહુલ ગાંધીમાં ભાગ્યે જ દેખાતી આક્રમકતા ભુજમાં દેખાઈ. એમના ભાષણમાં હવે ચોર જેવા શબ્દો વારંવાર આવે છે. ખેડૂતોનું મહત્ત્વ હવે બંને પક્ષો સમજ્યા છે. રાહુલ ગાંધીએ ભુજમાં કહ્યું કે કૉંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોની જમીન કોઈ છીનવી ન શકે એ માટે જમીન-અધિકારનો કાયદો દેશભરમાં ફરી લાગુ કરાશે.
 
શુક્રવારે બપોરે રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં બાજીપુરામાં હતા.
 
એમની વાતોના કેન્દ્રમાં એમની 'ન્યાય' યોજના જ છે. પ્રિયંકા ગાંધી એ કૉંગ્રેસ વર્કિંગ કમિટી વખતે જાહેરસભા સંબોધી, પણ એ પછી ગુજરાતમાં પ્રચારમાં ક્યાંય દેખાયાં નથી.
 
21મીએ સાંજે પાંચ વાગે ગુજરાતમાં પ્રચારના પડઘમ શાંત થશે. ત્યારે હવે બંને પક્ષના મહારથીઓ, રથીઓ અને ઉમેદવારો માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે.