મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 7 જુલાઈ 2019 (07:55 IST)

રોહિત શર્મા : કયા મિશન પર છે આ હિટમૅન? એક મૅચ અને આટલા રેકૉર્ડ

રોહિત શર્માની વિક્રમી સદી અને લોકેશ રાહુલે પણ સદી ફટકારતાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની અંતિમ લીગમાં ભારતે શનિવારે શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને સાત વિકેટથી કચડી નાખ્યું હતું.
આ સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં મોખરે આવી ગયું હતું.
ઑસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા સામે હારી ગયા બાદ હવે ભારત ન્યૂઝીલૅન્ડ સામે સેમિફાઇનલ રમશે.
હેડિંગ્લે ખાતે રમાયેલી મૅચમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં શ્રીલંકાએ એંજેલો મેથ્યુઝની સદીની મદદથી 50 ઓવરમાં સાત વિકેટે 264 રન નોંધાવ્યા હતા.
ભારતે 43.3 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 265 રન કરીને ટાર્ગેટ વટાવી દીધો હતો.
ભારતે આવી રીતે જીત્યો હતો 1983નો વર્લ્ડ કપ
 
રોહિત શર્માની સદી પર સદી
રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં સતત ત્રણ સદી ફટકારી છે
રોહિત શર્માએ તેમના અસામાન્ય ફૉર્મને આગળ ધપાવીને વર્તમાન વર્લ્ડ કપની પોતાની પાંચમી સદી તથા સળંગ ત્રીજી મૅચમાં 100નો આંક પાર કર્યો હતો.
સદીની હેટ્રિકની સાથે-સાથે તેમણે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સદીના વર્લ્ડ રેકૉર્ડની પણ બરાબરી કરી હતી.
આ ઉપરાંત તેમણે એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારવાનો નવો વિક્રમ સર્જ્યો હતો.
રોહિત શર્માએ તેમની કારકિર્દીની 27મી સદી નોંધાવતાં 94 બૉલમાં 14 બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 103 રન ફટકાર્યા હતા.
આ સાથે જ લોકેશ રાહુલે તેમની વન-ડે કારકિર્દીની બીજી સદીની સાથે વર્લ્ડ કપમાં પહેલી વાર સદી નોંધાવી હતી.
તેમણે 118 બૉલમાં એક સિક્સર અને 11 બાઉન્ડ્રી સાથે 111 રન ફટકાર્યા હતા.
વર્લ્ડ કપ 2019 : આ એક બૅટથી બદલાઈ ગયા ક્રિકેટના નિયમ
એક વર્લ્ડ કપમાં 600 રન કરનારા રોહિત ચોથા બૅટ્સમૅન
 
રોહિતે આ વર્લ્ડ કપમાં એક સાથે અનેક રેકૉર્ડ બનાવ્યા છે
આ વર્લ્ડ કપમાં રોહિત શર્મા રેકૉર્ડની જાણે વણજાર સર્જી રહ્યા છે. તેમના નામે એક બાદ એક રેકૉર્ડ બની રહ્યા છે.
રોહિત શર્માએ શ્રીલંકા સામેની આ મૅચ દરમિયાન વર્તમાન વર્લ્ડ કપમાં પૉતાના 600 રન પૂરા કર્યા હતા.
આમ કરનારા તે વર્લ્ડ કપ ઇતિહાસના ચોથા બૅટ્સમૅન બન્યા હતા. તેઓ 56 રનના સ્કોરે પહોંચ્યો ત્યારે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી.
અગાઉ સચિન તેંડુલકર (673 રન, 2003માં), મેથ્યુ હેડન (659, 2007માં) અને સાકીબ હસન (606, 2019માં)એ આ સિદ્ધિ નોંધાવી હતી.