ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 5 મે 2019 (10:00 IST)

થાઇલૅન્ડના રાજાએ ચોથી વખત કર્યાં લગ્ન બૉડીગાર્ડને બનાવ્યાં રાણી

થાઇલૅન્ડના રાજા મહા વાજિરાલોંગકોર્ન પોતાનાં નવા પત્નીનાં માથા પર પવિત્ર જળ છાંટી રહ્યા છે
થાઇલૅન્ડના રાજા મહા વાજિરાલોંગકોર્ન ફરી સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા રાજાના રાજ્યાભિષેકના કારણે નહીં, પણ તેમના લગ્નના કારણે થઈ રહી છે.
રાજા વાજિરાલોંગકોર્ન ચોથી વખત લગ્નના બંધનમાં બંધાયા છે.
આશરે ત્રણ વર્ષ પહેલા થાઇલૅન્ડની રાજગાદી સંભાળવા વાળા રાજા વાજિરાલોંગકોર્નનાં નવા પત્ની કોણ છે તે જાણીને તમને વધારે આશ્ચર્ય થશે. રાજાનાં નવા પત્ની તેમના ખાનગી સુરક્ષાદળના નાયબ પ્રમુખ છે.
લગ્ન બાદ તેમને રાણીની ઉપાધિ આપવામાં આવી છે.
રાજા વાજિરાલોંગકોર્નનો રાજ્યાભિષેક સમારોહ શનિવારથી શરૂ થઈ રહ્યો છે અને તેના પહેલા એક ઘટનાક્રમમાં રાજમહેલ તરફથી તેમના લગ્નની જાણકારી સામે આવી હતી.
લગ્નને લઈને જાહેર નિવેદનમાં જાણકારી આપવામાં આવી હતી, "રાજા વાજિરાલોંગકોર્ને પોતાનાં શાહી સહયોગી સુતિદા વાચિરાલોંગકોનને રાણી સુતિદાની ઉપાધિ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ પરિવારના સભ્ય તરીકે તેમને શાહી પદનામ અને સન્માન પ્રાપ્ત થશે."
રાણી સુતિદા રાજા વાજિરાલોંગકોર્નના લાંબા સમયથી સહયોગી છે અને ઘણા વર્ષોથી સાર્વજનિક કાર્યક્રમોમાં તેમની સાથે નજર આવતા રહ્યાં છે.
જોકે, પહેલા ક્યારેય તેમનાં સંબંધોને ઔપચારિક માન્યતા આપવામાં આવી ન હતી.
લાઇન
 
ફ્લાઇટ અટેન્ડન્ટથી રાજમહેલ સુધીની સફર
રાજા વાજિરાલોંગકોર્ન 66 વર્ષના છે. વર્ષ 2016માં પોતાના પિતા પૂમીપોન અદૂન્યાદેતના મૃત્યુ બાદ તેઓ થાઇલૅન્ડના બંધારણીય સમ્રાટ બન્યા.
પૂમીપોન અદૂન્યાદેતે આશરે 70 વર્ષ સુધી શાસન કર્યું હતું અને તેઓ દુનિયામાં લાંબા સમય સુધી ગાદી સંભાળનારા રાજા હતા. તેઓ થાઇલૅન્ડમાં ખૂબ લોકપ્રિય હતા.
રાજા વાજિરાલોંગકોર્નના પહેલા પણ ત્રણ વખત લગ્ન થઈ ગયા છે અને તલાક પણ. તેમના સાત બાળકો છે.
શાહી લગ્ન સમારોહની તસવીરો થાઈ ટીવી ચેનલો પર બતાવવામાં આવી હતી. સમારોહમાં શાહી પરિવારના સભ્યો અને રાજમહેલના સલાહકારોએ ભાગ લીધો હતો.
આ તસવીરોમાં રાજા વાજિરાલોંગકોર્ન રાણી સુતિદાના માથા પર પવિત્ર જળ છાંટતા જોવા મળ્યા હતા. ત્યારબાદ બન્નેએ લગ્નના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.
થાઇલૅન્ડની પરંપરા પ્રમાણે રાણી સુતિદા અને બીજા લોકોએ સમ્રાટ સામે સાષ્ટાંગ પ્રણામ કર્યું.
રાણીનો દરજ્જો પ્રાપ્ત કરવાવાળા સુતિદા તિજાઈ પહેલા થાઈ એરવેઝમાં ફ્લાઇટ અટેન્ડન્ટ હતાં. વર્ષ 2014માં વાજિરાલોંગકોર્ને તેમને પોતાના બૉડીગાર્ડના દળમાં નાયબ કમાન્ડર બનાવ્યાં હતાં.
ડિસેમ્બર 2016માં તેમણે સુતિદાને સેનામાં જનરલનો હોદ્દો આપ્યો હતો.