બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (12:52 IST)

રાજકોટમાં સલમાનની ‘ટાઇગર જિંદા હૈ’ ફિલ્મનો વાલ્મિકી સમાજ દ્વારા વિરોધ

સલમાનખાન અભિનીત ‘ટાઇગર જિંદા હૈ’ ફિલ્મ શુક્રવારે રિલીઝ થાય તે પૂર્વે જ સલમાનખાને વાલ્મીકિ સમાજ માટે કરેલી ટિપ્પણીનો વિરોધ કરી રાજકોટમાં વાલ્મીકિ યુવકોએ શહેરના બે સિનેમાઘરો સામે દેખાવ કરી ફિલ્મના પોસ્ટર ઉતરાવ્યા હતા તેમજ ફિલ્મ પ્રસારિત થવા નહીં દેવાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. શહેરના વાલ્મીકિ સમાજના યુવા આગેવાન ધર્મેશ વાઘેલાની આગેવાની હેઠળ યુવાનો મોટી સંખ્યામાં આરવર્લ્ડ સિનેમાએ ધસી ગયા હતા યુવાનોએ શુક્રવારે રિલીઝ થનાર ફિલ્મ ‘ટાઇગર જીન્દા હૈ’નો વિરોધ કરી ફિલ્મના પોસ્ટર ઉતારી દેવા માગ કરી હતી.

ધર્મેશ વાઘેલાએ જણાવ્યું હતું કે, રિલીઝ થનારી ફિલ્મની પ્રસિધ્ધિ મેળવવા માટે ફિલ્મના પ્રોમોમાં સલમાનખાને વાલ્મીકિ સમાજની અશોભનીય ટિપ્પણી કરી છે. વાલ્મીકિ સમાજ સામે કરવામાં આવેલું આ કૃત્ય સાંખી લેવાશે નહીં અને સમગ્ર ગુજરાતમાં આ ફિલ્મ પ્રસારિત થવા દેવાશે નહીં. વાલ્મીકિ યુવકોએ સિનેમાઘરની સામે ઉગ્ર દેખાવ કરતાં મામલો તંગ થઇ ગયો હતો. ટોકીઝના સંચાલકોએ જાણ કરતાં પોલીસ દોડી ગઇ હતી અને ટોળાંને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યાં સુધી સિનેમાઘર પરથી ફિલ્મનું પોસ્ટર દૂર નહીં થાય ત્યાં સુધી દેખાવ ચાલુ રહેશે તેવી ચીમકી અપાતાં જ સિનેમા સંચાલકોએ પોસ્ટર ઉતરાવી લીધા હતા.