શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2017 (13:00 IST)

મોદી પર બંગડી ફેંકનાર ચંદ્રિકા સોલંકીનું ચૂંટણી ચિન્હ પણ બંગડી!

સરકાર સામે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહેલી આશા વર્કર બહેનોના આગેવાન ચંદ્રિકા સોલંકીએ ચૂંટણી લડવા તાજેતરમાં જ સરકારી નોકરી છોડી દીધી હતી.ચંદ્રિકા સોલંકી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે તેવી અટકળો હતી. તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી, અને રાહુલે ટ્વીટ કરી ઉલ્લેખ પણ કર્યો હતો. જોકે, તેઓ કોંગ્રેસને બદલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

પીએમ મોદીના કાફલા પર બંગડીઓ ફેંકી સમાચારોમાં ચમકેલા ચંદ્રિકા સોલંકીને ચૂંટણી ચિન્હ તરીકે બંગડીઓનું નિશાન ફાળવવામાં આવી છે. અપક્ષ ચૂંટણી લડતાં ઉમેદવારોને ચૂંટણી પંચ વિવિધ પ્રકારના ચૂંટણી ચિન્હ ફાળવતું હોય છે, બંગડીને કારણે ચર્ચામાં આવેલા ચંદ્રિકા સોલંકીને ચૂંટણી ચિન્હ તરીકે બંગડી જ મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રિકા સોલંકીએ પોતે જ આ ચૂંટણી ચિન્હની માંગ કરી હતી.પોતાને મળેલા ચૂંટણી ચિન્હ પર ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, નારી શક્તિની તાકાત બતાવવા માટે તેમણે આ પ્રતિકની માગ કરી હતી. ચંદ્રિકા સોલંકી વડોદરા શહેર બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. ચંદ્રિકા સોલંકી રિક્ષામાં બેસીને ચૂંટણી ફોર્મ ભરવાં ગયાં ત્યારે પણ તેઓ ચર્ચામાં આવ્યાં હતાં.