ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 26 એપ્રિલ 2017 (15:15 IST)

ગુજરાત કૉંગ્રેસના નવા પ્રભારી તરીકે અશોક ગહલોતની નિમણૂક

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહલોતની ગુજરાત કૉંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂક કરાઇ છે. અત્યારસુધી મુંબઇના સાંસદ ગુરૂદાસ કામત ગુજરાત કૉંગ્રેસના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યાં હતા અને હાલ તેઓ મુંબઇમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેના લીધે ગહલોતને ગુજરાતના પ્રભારીની નવી જવાબદારી સોંપાઈ છે. આ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કહેવાય છે કે આ વર્ષે કૉંગ્રેસને પંજાબ વિધાનસભામાં બહુમતી મળી હતી તેની ક્રેડિટ ગહલોતને પણ જાય છે. ત્યારે હવે ચર્ચા છે કે ગુજરાતમાં ગહલોત કેટલો જાદુ ચલાવી શકે છે.

ગહલોતને ગુજરાતની સાથે દાદરા અને નગર હવેલી, દમણ, દીવનો કાર્યભાર સોંપ્યો છે. કામત મુંબઇ નોર્થ ઇસ્ટમાંથી ચૂંટણી મેદાનમાં છે. કૉંગ્રેસના વાઇસ-પ્રેસિડન્ટ પહેલી મે એટલે કે ગુજરાત દિવસે આદિવાસી વિસ્તાર દેડિયાપાડામાં સંબોધન કરવાના છે. તે પહેલાં આ ફેરફારો કરાયા છે. છેલ્લાં 22 વર્ષથી ગુજરાતમાં મોદી અને શાહનો ‘જાદુ’ પથરાયેલો છે. જ્યારે કૉંગ્રેસ સતત પ્રયાસો કરી રહી છે. ગુજરાતમાં કૉંગ્રેસના છેલ્લાં સીએમ છબીલદાસ મહેતા 1994-1995માં હતા. ત્યારબાદ 1998થી લઇને અત્યાર સુધી એટલે કે છેલ્લાં 19 વર્ષથી ભાજપાની સરકાર ગુજરાતમાં છે, તેમાંય બે વાર તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી રહી ચૂકયા છે.