શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (14:40 IST)

હારેલી કોંગ્રેસ હારનું ઠીકરૂ ઈવીએમ પર ફોડે છે - જીતુ વાઘાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને તેના જાતિવાદી ઝેર ફેલાવવાની અને વોટબેંકની રાજનીતિ કરવા બદલ જનતાએ વધુ એક વખત નકારી હારનો સ્વાદ ચખાડ્યો છે તેને સ્વીકારવાને બદલે કોંગ્રેસ હારનું ઠીકરું વહીવટી તંત્ર અને ઇવીએમ ઉપર ફોડવા માગે છે, જે ખૂબ જ શરમજનક છે, તેમ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું છે. પત્રકારો સાથેની વાતચીતમાં વાઘાણીએ ભાજપને સતત છઠ્ઠી વખત વિજયી બનાવવા બદલ ગુજરાતની જનતાનો આભાર માનતા જણાવ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ વર્ષોથી જીતી શકતી નથી અને જ્યાં સત્તામાં હતી ત્યાં પણ પુન: સત્તા પ્રાપ્ત કરી શકી નથી. ચૂંટણી દરમિયાન જ હાર ભાળી ગયેલી કોંગ્રેસે ગુજરાતમાં જાતિવાદી અને જ્ઞાતિવાદનું ઝેર ફેલાવ્યું તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે નિમ્નકક્ષાના નિવેદનો કરી તેની ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની હલકી માનસિકતા ફરી એકવાર છતી કરી હતી. ગુજરાતમાં આ વખતે સત્તા મળશે જ એવા બણગાં ફૂંકતી કોંગ્રેસ હાર સ્વીકારવાને બદલે ઇવીએમ પર ઠીકરું ફોડવા માગે છે. ગુજરાતની જનતાએ કોંગ્રેસને સત્તા માટે ગેરલાયક ઠેરવી છે, તેમ કહી વાઘાણીએ ઉમેર્યું કે, હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસે સત્તા ગુમાવી છે ત્યારે કોંગ્રેસ લાજવાને બદલે ગાજે છે. ગુજરાતમાં કોંગ્રેસે પોતાની પાર્ટીનું તમામ કામ આઉટસોર્સિંગથી કર્યું. રેલીઓ કોઇ બીજાના સહારે કાઢે, ઉમેદવારો પણ કોઇ બીજાના સહારે નક્કી થાય તેમજ જાતિ-જ્ઞાતિ વચ્ચે વેરઝેર ફેલાવી કોંગ્રેસે નિમ્ન કક્ષાના તમામ પ્રયત્નો કર્યા છતાં હારી છે એટલે કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત પોતાની અને રાહુલ ગાંધીની નિષ્ફળતા છુપાવવા માટે હારનું ઠીકરું ઇવીએમ પર ફોડી રહ્યા છે.