રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 13 નવેમ્બર 2017 (11:50 IST)

ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી જાહેરમાં માફી માગે, માફી નથી માગી તેવા ભાજપે કરેલા નિવેદનથી ફરી વિવાદ

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી જાહેરમાં માફી માગે એ સિવાય ઓછું કંઈ ન ખપે તેવો નિર્ણય આજે બુધેલ ખાતે યોજાયેલ રાજપૂત આગેવાનોની બેઠકમાં લેવાયો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીએ સત્તાનો દુરૃપયોગ કરી ભાવનગર નજીકના બુધેલ ખાતે કરોડો રૃપિયાની કિંમતની ગૌચરની જમીન પચાવી પાડવાનો કારસો કરી તે માટે બુધેલ ગામના સરપંચ દાનસંગભાઈ મોરી પર દબાણ કર્યાનો આક્ષેપ દાનસંગભાઈએ કર્યો હતો. પરંતુ દાનસંગભાઈ તે દબાણને તાબે નહીં થતા જીતુ વાઘાણીએ કિન્નાખોરી રાખી તેમને સરપંચપદેથી સસ્પેન્ડ કરાવ્યા અને પોલીસ કેસ કરાવ્યાનો આક્ષેપ પણ તેમણે કરતા કારડિયા રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને ઠેરઠેર આવેદનપત્રો અપાયા હતા તથા ભાવનગર તથા બાવળા ખાતે મહાસંમેલન પણ યોજાયા હતા. એટલું જ નહીં, જીતુ વાઘાણીનો વિરોધ કરતા બેનર પણ બુધેલ ગામમાં લાગ્યા હતા. જે હટાવવા જતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

દાનસંગભાઈ મોરીએ આજે જણાવ્યું હતું કે, ગઈ કાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને આગેવાનો તથા દાનસંગભાઈ મોરી અને રાજપૂત સમાજના આગેવાનો વચ્ચે સમાધાન માટે બેઠક યોજાઈ હતી. જેમાં જીતુ વાઘાણીએ માફી માગતા ઘીના ઠામમાં ઘી પડી ગયાના અહેવાલો બહાર આવ્યા હતા. પરંતુ કોઈ માફી નહીં માગવામાં આવ્યા હોવાનું નિવેદન આજે પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડયાએ પત્રકાર પરિષદમાં કર્યું હોવાનું બહાર આવતા ફરી વિવાદ ગરમાયો છે. બીજી તરફ આજે બુધેલમાં ગુજરાત રાજ્ય રાજપૂત સમાજના નવનિયુક્ત પ્રમુખ કાનભા ગોહિલ (રજોડા) સહિતના આગેવાનો અને દાનસંગભાઈ મોરી વગેરે આગેવાનો તથા બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં એવો નિર્ણય કરાયો હતો કે, હવે જીતુ વાઘાણી જાહેરમાં માફી માગે એ સિવાય કશું ખપતું નથી. તેમ દાનસંગભાઈએ વધુમાં જણાવ્યું હતું.