શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. પર્યટન
  4. »
  5. ગુજરાત દર્શન
Written By કલ્યાણી દેશમુખ|

ગુજરાતની નવરાત્રિ

આમ તો ભારતભરમાં ભિન્ન ભિન્ન જાતિના લોકો હળી-મળીને રહેતા હોવાથી વર્ષભર તહેવારો ઊજવાતા રહે છે, પરંતુ ગુજરાતમાં તહેવારોની જે મજા અને લોકોમાં તહેવારો પ્રતિ જે ઉત્સાહ જોવા મળે છે એ અનેરો છે. ગુજરાતમાં આમ તો ધણાં બધા તહેવારો ઊજવાય છે - દિવાળી, નવરાત્રિ, જન્માષ્ટમિ, હોળી વગેરે. તેમાં પણ નવરાત્રિ એટલે નાના મોટા સૌનો માનીતો તહેવાર. નવ-નવ દિવસ સુધી માતાજીની આરાધના સાથે યૌવન હિલોળે ચઢેલું જોવા મળે છે.

નવરાત્રિ ના નવદિવસ સુધી લોકો માતાજીની મુર્તિ બેસાડીને કે માતાજીના નામનો ગરબો, જેમાં નવદિવસ સુધી અખંડ દિવો બળતો રહે છે, તેનું ઘરમાં સ્‍થાપન કરીને શ્રધ્ધાથી પૂજા અને ઉપવાસ કરે છે. શેરી, ગલીઓમાં અને મહોલ્લામા અને સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં - માં પાવા તે ગઢથી ઊતર્યા માં.... પંખીડા તુ ઉડી જાજે પાવાગઢ રે..... મારી મહાકાળી ને જઈને કહેજે ગરબે રમે રે... જેવા ભકિતરસમાં ડૂબેલા પ્રાચિન તથા અર્વાચિન ગરબા સાંભળવા મળે છે. દરેક વિસ્તારોમા લોકો પાસેથી ફાળો એકત્ર કરીને જુદાં-જુદાં મંડળો પોત-પોતાના વિસ્તારમા નાના મોટા મંચ તૈયાર કરે છે. સાંજ થતા જ છોકરાઓ -છોકરીઓ આજે શું પહેરવું? આજે કેવી રીતે તૈયાર થવું? વગેરે ની તૈયારીમાં લાગી જાય છે. રાત થતાં સુરીલી સુર અને તાલની ધમાધમ સાથે ગરબાની રમઝટ ચાલુ થઈ જાય છે જે મોડી રાત્રી સુધી ચાલ્યા કરે છે.

નવરાત્રિમાં માતાજીના દરેક મંદિરોમાં શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળે છે. પાવાગઢ, અંબાજી, માતાના મઢ કે મહુડી જેવા સ્થળોએ તો વહેલી સવારથી મોડી રાત સુધી લાંબી-લાંબી કતારો લાગે છે. ઘણી જગ્યાએ આ દિવસો દરમ્યાન માતાજીના ભંડારાનુ આયોજન રાખી ને પ્રસાદી વહેંચાય છે. કેટલાંક લોકોના શરીરમાં આ દિવસોમાં માતાજી આવે છે, તેમાં સત્ય શું છે? અને તેની પાછળ વિજ્ઞાન છે કે અંધશ્રદ્ધા? તેના સવાલો કરતા વધુ મહત્વની છે તમારી શ્રધ્ધા. શ્રધ્ધા જેટલી મજબૂત હશે, એટલો જ અતૂટ વિશ્વાસ આવશે.

નવરાત્રિ ભાવ, ભક્તિ અને આરાધનાનો તહેવાર છે, પણ આજના દોરમાં યુવક-યુવતીઓએ આ પવિત્ર તહેવારનો ખોટો ફાયદો ઉઠાવીને તેની ગરિમાને ઠેંસ પહોંચાંડી છે. આ તહેવારનો ફાયદો ઉઠાવીને યુવક-યુવતીઓ પોતાની મરજી મુજબ નુ આચરણ કરે છે. યુવાન ‍છોકરીઓ મા-બાપ ના વિશ્વાસને ઠેંસ પહોંચાડતાં ગરબાના નામે પોતાના યુવક-મિત્ર સાથે ફરતી રહે છે. અમદાવાદ વડોદરા જેવા મોટા શહેરોમાં આ દિવસો પછી ઘણી કુંવારી છોકરીઓને સૌથી વધુ ગાયનોલોજીસ્ટની જરૂર પડે છે, અને ગર્ભપાતના કેસ પણ વધુ જોવા મળે છે, જે આપણા માટે ઘણી શરમની વાત છે. માતાજીની આરાધના કરવાના આ પવિત્ર તહેવાર પાછળ આ બધું ન થાય તો નવરાત્રિ ખરેખર ખૂબ જ મજાનો તહેવાર છે.