રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By

દ્વારકા - મોક્ષની નગરી

ભારતના ચાર પવિત્ર ધામોમાંનું એક છે દ્વારકા. સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલ આ નગરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા નિર્માણ પામેલ છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ બનાવેલ આ નગરી ડૂબી જતાં તેમના પ્રપૌત્ર વજ્રનાભે નજીકમાં એક ઉંચી જગ્યાએ પોતાના પૂર્વજોને નામે સાત મંદિરો સ્થાપ્યા. જેમાંના એકની અંદર ઈસુની પહેલી સદી દરમિયાન શ્રીકૃષ્ણની ચતુર્ભુજ મૂર્તિની સ્થાપના થઈ. તેની પર સમુદ્રના પાણી ફરી વળતાં તે મંદિર પર ચોથી સદીમાં અને ત્યાર બાદ આઠમી સદીમાં શ્રીકૃષ્ણનું મંદિર સ્થપાયું હતું. જે વારંવાર જીર્ણૉધ્ધાર પામ્યુ હતું.

હાલમાં ગોમતી તટે ચાલીસ મીટર ઉંચા, સાત ઝરૂખા અને 72 સ્તંભોવાળા જગત મંદિરની અંદર લગભગ એક મીટર ઉંચી શ્યામ આરસની શ્રી કૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર વિરાજમાન છે. અહીંયા મંદિરની ધજાને દિવસમાં ત્રણ વખત બદલવામાં આવે છે. એક હજાર કરતાં વધારે વર્ષ પહેલાં સ્થપાયેલ આ પવિત્ર મંદિરનાં દર્શનાર્થે દેશના ચારે ખુણેથી યાત્રાળુઓ આવે છે. મુખ્ય મંદિરની આસપાસએવી જ શૈલીના અન્ય મંદિરોમાં (1) અનિરુધ્ધજી, (2) પુરૂષોત્તમજી, (3) દેવકીજી, (4) વેણીમાધવ, (5) બલરામજી વગેરે દેવસ્થાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છેલ્લાં 500 વર્ષની અંદર બંધાયેલ સુદામા મંદિર, ગાયત્રી મંદિર, શારદાપીઠ તેમજ અંબાજી, સરસ્વતી વગેરેના મંદિરો અહીં છે.

અહીંના મંદિરોની કોતરણે ખુબ જ સુંદર છે. આ પ્રાચીન મંદિરને લગભગ તેની શરૂઆતના સમયથી જ રાજા અને સામાન્ય પ્રજા દ્વારા મદદ આપવામાં આવેલ છે. આ મહત્વના મોક્ષ ધામોમાંનું એક છે. ગોમતી નદી તેની પાસે થઈને વહે છે.

સ્વર્ગદ્વાર અને મોક્ષદ્વાર તરીકે ઓળખાતાં મુખ્ય મંદિરનાં બે દ્વારો પૈકીના પ્રથમ દ્વારથી ગોમતી તરફ ઉતરતાં 56 પગથિયાની સીડીની બંને બાજુએ તેમજ ગોમતીકાંઠે અનેક બીજાં મંદિરો આવેલા છે. જન્માષ્ટમી, દિવાળી, હોળી-ધુળેટીના તહેવારોમાં અહીંયા મેળા ભરાય છે. બેટ શંખોદ્વારનું તીર્થ અહીંથી 30 કિ.મી.દુર સમુદ્રની વચ્ચે આવેલ છે.

દ્વારકા પહોચવા માટે

અહીંનું સૌથી નજીકનું હવાઈમથક જામનગર છે. આ સિવાય તમે રેલ દ્વારા પણ જઈ શકો છો દ્વારકા જામનગરથી 132 કિ.મી.ના અંતરે આવેલ છે. બસ માર્ગ દ્વાર પણ અહીં પહોચી શકાય છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી અહીં જવા માટે રાજ્ય પરિવહનની બસો અને લકઝરી પણ મળી રહે છે.

દ્વારકાધીશ મંદિરમાં દર્શનનો સમય ધ્યાન રાખો 
 
શ્રી દ્વારકાધીશ મંદિરનો સવારનો સમય 
 
સવારે 7.00 મંગળા આરતી
 
7.00 થી 8.00 મંગલા દર્શન 
 
8.00 થી 9.00 અભિષેક પૂજા (સ્નાન વિધિ) : દર્શન બંધ
 
9.00 થી 9.30 શ્રૃંગાર દર્શન 
 
9.30 થી 9.45 સ્નેહભોગ : દર્શન બંધ
 
9.45 થી 10.15 શ્રૃંગાર દર્શન 
 
10.15 થી 10.30 શ્રૃંગારભોગ : દર્શન બંધ
 
10.30 થી 10.45 શ્રૃંગાર આરતી 
 
11.05 થી 11.20 ગ્વાલ ભોગ દર્શન બંધ 
 
11.20 થી 12.00 દર્શન
 
12.00 થી 12.20 રાજભોગ : દર્શન બંધ
 
12.20 to 12.30 દર્શન
 
12.30 અનોસર : દર્શન બંધ
 
શ્રી દ્વારકાધીશ મંદિરનો સાંજનો સમય 
 
5.00 ઉથપ્પન પ્રથમ દર્શન
 
5.30 થી 5.45 ઉથપ્પન ભોગ દર્શન બંધ
 
5.45 થી 7.15 દર્શન
 
7.15 to 7.30 સાંધ્ય ભોગ દર્શન બંધ
 
7.30 થી 7.45 સાંધ્ય આરતી 
 
8.00 થી 8.10 શયનભોગ દર્શન બંધ
 
8.10 થી 8.30 દર્શન
 
8.30 થી 8.35 શયન આરતી
 
8.35 to 9.00 દર્શન
 
9.00 થી 9.20 બંતાભોગ અને શયન : દર્શન બંધ
 
9.20 થી 9.30 દર્શન