1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By
Last Updated : મંગળવાર, 25 એપ્રિલ 2023 (11:54 IST)

Somnath History- સોમનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ

Somnath history- ઈ. સ. 1951 ની 11 મી મે, વિક્રમ સંવત 2007 ના વૈશાખ સુદ પાંચમના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્ઠાવિધિ કરી હતી.
 
"સૌરાષ્ટ્રે સોમનાથં ચ..."સાક્ષાત શિવ સ્વરુપ ભગવાન સોમેશ્ર્વરનું ભવ્યાતીભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢનાં દરિયા કિનારે આવેલું છે.પુરાણકથા અનુસાર સોમ-ચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્‍ણ ભગવાને લાકડાનું અને રાજા ભીમદેવે પથ્થરનું બંધાવ્યું હતું. વર્તમાન સમયનું જે મંદિર છે, તેનું બાંધકામ વર્ષ 1950માં શરુ થયું હતું.
 
જ્યોતિર્લીંગ એટલે કે જ્યોતિનું બિંદુ. ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયાં છે. આ બાર સ્થળોને જ્યોતિર્લીંગની સંજ્ઞા આપવામાં આવી છે.
આ બાર જ્યોતિર્લીંગના નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, બૈદ્યનાથ.
 
સૌરાષ્ટ્ર (ગુજરાત) માં આવેલું આ સૌથી જૂનું અને મહત્વપૂર્ણ જ્યોતિર્લીંગ છે. આ જ્યોતિર્લીંગનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું ત્યાર બાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રીકૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યાર બાદ ભીમદેવે પત્થરથી આનું નિર્માણ કરાવ્યું હતું.
somnath
સોમનાથ મંદિર પર છ વખત આક્રમણકારીઓએ હુમલો કર્યો હતો. દરેક વખતે આ મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના વર્તમાન ભવન અને પરિસરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટે કરાવ્યું છે. આને સન 1995માં રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું. સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પુરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધું હોય છે.
 
સોમનાથ મંદિર
સોમનાથ મંદિરનું બાંધકામ ધ્યાનાર્ષક છે. શિખર પરનાં કુંભનું વજન જ 10ટન જેટલું થાય છે. ઐતિહાસિક દ્રષ્ટિ્એ સોમનાથમંદિર ખૂબ મહત્વનું રહ્યું છે. સમયાંતરે આ મંદિર પર મોહમ્મદ ગઝની સહિત અનેક મુસલમાન શાશકોના આક્રમણ થયા હતાં. અનેક વખત ખંડિત થવા છતાં તેનું પુન:નિર્માણ થતું રહ્યું છે.
 
ગુજરાત જ્યારે મરાઠાઓના તાબામાં આવ્યું ત્યાર પછી ઇન્દોરની રાણી અહલ્યાબાઇએ જૂના મંદિરની નજીકમાં એક નૂતન મંદિરનું નિર્માણ કરાવ્યું હતું ત્યારથી ત્યાં પૂજા કરાય છે. નિયમીત વેદોક્ત રુદ્રાભિષેક અને વિવિધ પૂજન અર્ચન કરીને પૂજારીગણ ભગવાન સદાશિવની આરાધના કરે છે.
 
આ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણએ જ્યાં પોતાનો દેહ છોડ્યાનું મનાય છે તે ભાલકા તીર્થ પણ નજીકમાં જ આવેલું છે. ઉપરાંત શ્રી વલ્લભાચાર્યની બેઠક પણ પ્રભાસ પાટણમાં આવેલું છે.
 
સોમનાથ મંદિર કેવી રીતે પહોંચવુ 
સોમનાથ મંદિર પહોંચવા માટે રાજ્ચ પરીવહન નિગમની બસો તથા ખાનગી બસો ઉપલબ્ધ છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ 5 કિ.મી. દૂર છે. નજીકનું હવાઇ મથક કેશોદ માં છે,જે મુંબઇ સાથે જોડાયેલું છે.