શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. પર્યટન
  3. ગુજરાત દર્શન
Written By વેબ દુનિયા|
Last Updated : મંગળવાર, 2 ડિસેમ્બર 2014 (15:39 IST)

કચ્છ અને આસપાસના વિસ્તારોમાં શ્રદ્ધાધામ બનેલી હાજી પીરની દરગાહ

P.R


દેશની સૌથી જૂની ઈસ્લામિક ઈમારત તરીકે જાણીતી થયેલી ભદ્રેશ્ર્વરની ઈબ્રાહિમ મસ્જિદ

‘બુન, હાજીપીર તમારી માનતાઓ પૂરી કરશે.’

સાચા દિલથી જે માગશો એ બધું જ મળશે...

‘અહીંથી કોઈ ખાલી હાથે ક્યારેય પાછું ફર્યું નથી. તમે દિલથી આપજો, પીરબાબા તમને દિલથી આપશે.’ આવી કેટકેટલીય વાતો એક સાથે મારા કાને અથડાઈ રહી હતી. હું એક જગ્યાએ શાંતિથી ઊભી રહી. ખુલ્લા મસ્તકે પીરબાબાના દર્શન કરાય નહીં એટલે દુપટ્ટો માથે ઓઢીને મસ્તક નમાવ્યું. એક નાની અમસ્તી જગ્યા લાખો લોકોના દિલો સાથે જોડાઈ ગઈ હતી. કેવી રીતે? એવા તે કેવા પરચા હશે બાબાના? આખરે હાજી પીર હતા કોણ? જાણવા મન આતુર બન્યું. આસપાસ તો કોઈ એવું દેખાયું નહીં. દરગાહની બહાર આવી. બાજુમાં જ દરિયાના મોજાં સંતાકૂકડી રમી રહ્યા હતા. દરિયા પરથી વાતા પવને મોજ કરાવી દીધી. દરગાહથી બહાર નીકળો એટલે ખજૂર, અત્તર, ફૂલોની રંગબેરંગી ચાદર, ગુલાબના પુષ્પો વગેરેની હારબંધ હાટડીઓ દેખાય. ‘માગનારાઓએ અહીં જે માગ્યું તે હાજી પીરે ખુલ્લા હાથે આપ્યું છે.’ ફરી કાને એ જ સૂર. એક સ્થાનિક ભાઈ સાથે વાતચીતનો દોર શરૂ કર્યો.

એક વખત પીરબાબાના દર્શને આવેલા એક વ્યંઢળે બાબાની મશ્કરી કરી કે ‘સ્ત્રીઓ તો સંતાનને જન્મ આપે એમાં નવાઈ શી? જો પીરબાબાનું સત ખરેખર હોય તો મુજ વ્યંઢળને ઘરે પારણું બંધાવે તો ખરા માનું.’ પીરબાબાના સતને પડકાર આપનારો એ વ્યંઢળ ખરેખર ગર્ભવતી બન્યો અને પૂરા દિવસે તેણે દીકરાને જન્મ આપ્યો. કહેવાય છે કે ત્યારથી વ્યંઢળો હાજી પીરના ભગત બની ગયા. જો શ્રદ્ધાથી માનતા માનવામાં આવે તો અહીં દરેક માનતા પૂરી થાય છે, એમાંય ખાસ કરીને સંતાનપ્રાપ્તિની. કચ્છના બન્ની વિસ્તારના સાવ પશ્ર્ચિમ છેડે હાજીપીરની દરગાહ આવેલી છે. તમે ભુજથી જો ગાડી લઈને નીકળ્યા હો અને જ્યારે આજુબાજુ તમને એક ચકલું પણ ન દેખાય, રૂક્ષ જમીન અને દૂરદૂર દેખાતા છૂટાછવાયા વૃક્ષોને કારણે બારી બહાર પણ એકસરખા જ દૃશ્યો નજરે ચડતા હોય, ક્યારે પહોંચીશું? એવો પ્રશ્ર્ન વારંવાર અકળાવી દેતો હોય ત્યારે સમજજો કે તમે હાજીપીર નજીક પહોંચી ગયા છો. ભુજથી લગભગ ૧૦૦ કિ.મી. દૂર આવેલી છે આ દરગાહ. અહીં જેટલા મુસ્લિમ શ્રદ્ધાળુઓ આવતા હોય છે એટલા જ કદાચ હિંદુ પણ. કોમી ભેદભાવના વાડા હાજીપીર પ્રત્યેની આસ્થાને અભડાવી શક્યા નથી. હાજીપીરનું મૂળ નામ ગરીબનવાઝ વલી અલ્લાહ હજરત સૈયદ અલી અકબરશાહ ઝકરીયા. મોટાભાગના લોકો હાજીપીરના નામે ઓળખે છે, કેટલાક વલીપીર તો કેટલાક ઝિંદાપીરના નામે પણ ઓળખે છે આ દરગાહને. હાજીપીરના પૂર્વજો મૂળે તો અરબસ્તાનના મક્કા શરીફના રહેવાસી. હાજીપીરનો ખુદનો જન્મ ૧૨મી સદીમાં થયો હોવાનું કહેવાય છે. તેઓ સૈયદ પરિવારના હોવાથી ઈસ્લામિક સંસ્કાર અને શિક્ષણનો પાયો બાળપણથી જ મજબૂત હતો. યુવાન વયે તેઓ ગઝનીના સુલતાન શાહબુદ્દીન ઘોરીના લશ્કરમાં જોડાયા.

દસ્તાવેજો કહે છે કે ઈ.સ. ૧૧૯૧માં જ્યારે શાહબુદ્દીન ઘોરીએ દિલ્હીના પૃથ્વીરાજ ચૌહાણ પર ચડાઈ કરી ત્યારે યુદ્ધમાં તે ખૂબ ગંભીર રીતે જખમી થયા હતા. પરિણામે આ યુદ્ધમાં વિજયનો તાજ પૃથ્વીરાજ ચૌહાણને ફાળે ગયો હતો. એ સમયે શાહબુદ્દીન ઘોરીની સારવાર હાજીપીરે કરી હતી. તેમની દરકારભરી સારવારથી શાહબુદ્દીન જલદી સાજા થઈ શક્યા હતા. જેમ ઘવાયેલો વાઘ બમણાં જોરથી ત્રાટકે એમ શાહબુદ્દીને પણ બીજે જ વર્ષે એટલે કે વર્ષ ૧૧૯૨માં ફરી દિલ્હીના તખ્ત પર આક્રમણ કર્યું. બમણા જોરથી ત્રાટકેલા શાહબુદ્દીન ઘોરી સામે પૃથ્વીરાજ ચૌહાણ પરાજિત થયા. આમ તો આ વિજયથી હાજીપીર રાજી થવા જોઈતા હતા, પરંતુ તેમના સૈનિકોએ જે રીતે દિલ્હીમાં હાહાકાર મચાવ્યો હતો અને નિર્દોષોને રંજાડ્યા હતા એ જોઈને હાજીપીરનું મન દુ:ખી થઈ ગયું. જીવનનું સત્ય જાણે તેમને સમજાઈ ગયું ને સૈનિકનો વેષ ત્યજીને તેમણે ફકીરી સ્વીકારી લીધી.

ફકીર બની જવું આટલું આસાન થોડું હોય છે. કેટકેટલીય પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. હાજીપીરને પણ અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હતું, પરંતુ હંમેશાં અલ્લાહ તેમની પડખે ઊભા રહ્યા હતા. સૈનિકમાંથી ફકીર બન્યા બાદ તેઓ પંજાબ અને સિંધ પ્રાંતમાં વર્ષો સુધી રહ્યા. છેક વર્ષ ૧૨૦૦માં તેઓ સિંધમાંથી કચ્છ આવ્યા. કચ્છના રજપૂતોએે તેમને અટકાવ્યા, પરંતુ નેકદિલ હાજીપીરે સૌના દિલ જીતી લીધા. કચ્છ પ્રદેશમાં બન્ની વિસ્તારમાં નરા ગામથી થોડે દૂર આવેલી જગ્યાને તેમણે પોતાની કર્મભૂમિ ને ધર્મભૂમિ તરીકે પસંદ કરી. કચ્છમાં પાણીની સમસ્યા તો સનાતન છે. રણવિસ્તાર છે એટલે પાણીની સમસ્યા તો હંમેશાં રહેવાની જ. હાજીપીરે ગામવાસીઓને પાણીની સમસ્યાના ઉકેલ માટે એક તળાવ ખોદવાનું કહ્યું. તળાવ ખોદાઈ ગયા બાદ તેમણે પોતે એ ખાલી તળાવમાં નમાજ પઢી અને અલ્લાહને લોકોની મુશ્કેલી દૂર કરવા માટે બંદગી કરી. કહેવાય છે કે એ જ ઘડીએ તળાવની જમીનમાં તિરાડો પડી અને મીઠા પાણીથી તળાવ છલકાઈ ગયું. આ તળાવ સો રાજપૂત સૈનિકોએ સાથે મળીને ખોદ્યું હતું અને તેથી તે ‘સોંધરણા’ના નામે ઓળખાયું.

દર વર્ષે ચૈત્ર મહિનામાં યોજાતા હાજીપીરના મેળામાં દેશ-દેશાવરથી લગભગ પાંચ લાખ લોકો આવે છે. તે સિવાય પણ વર્ષ દરમિયાન હાજીપીરના દર્શને વર્ષે લાખો લોકો આવેે છે. એક નોંધનીય વાત એ પણ છે કે હાજીપીરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ એ જ દિવસે માતાના મઢ પર મસ્તક ટેકવતા હોય છે. હિંદુ અને ઈસ્લામિક એક્તાનો આટલો સુંદર સુમેળ બહુ રૅર કેસમાં જોવા મળે છે.

જીવનભર હાજીપીરે સ્થાનિકો અને કચ્છની ખૂબ સેવા કરી. નેકદિલ હાજીપીર હંમેશાં જીવદયાના કાર્યોમાં અગ્રેસર રહેતા. રણવિસ્તારના વટેમાર્ગુઓ, પ્રવાસીઓ માટે તેઓ હંમેશાં મીઠી વીરડી બનીને રહ્યા. એક વિધવા બ્રાહ્મણની ગાયોને ધાડપાડુઓ પાસેથી બચાવવાની રકઝકમાં તેમણે શહીદી વહોરી લીધી હતી. જોકે એમની શહાદત એળે ગઈ નથી. ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા એ પહેલા તો સિંધ પ્રાંતથી ઊંટગાડીઓ અને બળદગાડા જોડીને લોકો અહીં દર્શન-મન્નત માટે આવતા હતા. આજે પણ કચ્છની મુલાકાત લેનારી પ્રત્યેક વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી હાજીપીરની દરગાહે મસ્તક નમાવે છે. તેમના પરચાની તો અનેક કહાનીઓ પ્રચલિત છે. હવે હાજીપીર જાઓ ત્યારે માત્ર દર્શન કરીને પાછા ન ફરતા, પણ તેમના જીવનસ્પંદનને એ પાક જગ્યાએ ઊભા રહીને અનુભવજો. બત્રીસે કોઠે દીવા થઈ જશે.

કચ્છના પીરની વાત છેડી દીધી છે ત્યારે કબૂલવું રહ્યું કે લગભગ દરેક ગામે એક પીર જોવા મળશે. દરેકની અનેરી કહાની છે, માનવતાની કોઈ નવી મિસાલ કાયમ થતી દેખાય છે દરેક દરગાહે. આજે જ્યારે પીર અને દરગાહની વાત છેડી જ દીધી છે ત્યારે ભદ્રેશ્ર્વરની ઈબ્રાહિમ મસ્જિદનો બિલકુલ ઉલ્લેખ કરવો રહ્યો. તાજેતરમાં જ જાપાનીઝ ઈતિહાસવિદ પ્રોફેસર ફુકામી નાઓકોએ કરેલા દાવા મુજબ ભદ્રેશ્ર્વરની ઈબ્રાહિમ મસ્જિદ ભારતનું સૌથી જૂની ઈસ્લામિક ઈમારત છે. એટલેે કે ભારતમાં બંધાયેલી સૌથી પહેલી મસ્જિદ તે હોવાનું કહેવાય છે. ઈંટોની ગોળાકાર દીવાલ અને ગુંબજ ધરાવતી આ મસ્જિદ વર્ષ ૧૧૫૯માં બંધાઈ હોવાનું કહેવાય છે. આ દરગાહની દીવાલ પર અરેબિક શૈલીમાં લખાણ પણ જોવા મળે છે. દિલ્હીની મસ્જિદોની સરખામણીમાં પણ આ મસ્જિદ લગભગ પાંચ દાયકા વધારે જૂની હોવાનો દાવો તેમણે કર્યો હતો. દિલ્હીના દક્ષિણ વિસ્તારની મસ્જિદોનું બાંધકામ સાતમી સદીમાં થયું હોવાનો દાવો કરાય છે, પરંતુ આજ સુધી તે પુરવાર કરી શકાયું નથી એવું પ્રોફેસર ફુકામી માને છે. ભદ્રેશ્ર્વર જૈનોનું તો શ્રદ્ધાધામ છે જ, પરંતુ પ્રોફેસર ફુકામીના ખુલાસા બાદ તે ઈસ્લામિક આસ્થાનું પણ કેન્દ્ર બની જશે એમાં નવાઈ નથી.