શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (17:34 IST)

ગુજરાતનું સૌથી વધુ NRI ડિપોઝિટ્સ ઘરાવતુ ગામ, ધર્મજ

સમગ્ર કેરળની બૅન્કોમાં અંદાજે ૯૦,૦૦૦ કરોડથી વધુ રૂપિયાની નૉન-રેસિડન્ટ ઇન્ડિયન્સ (NRI)ની ડિપોઝિટ્સ છે, પણ ગુજરાતના એક ગામડા સાથે એની સરખામણી કરીએ તો આ આંકડો બહુ નાનો લાગે. આણંદ જિલ્લાના ધર્મજ ગામની વિવિધ બૅન્કોની શાખામાં ૧૦૦૦ કરોડથી વધુ રૂપિયા NRI ડિપોઝિટ્સ સ્વરૂપે જમા પડ્યા છે.

દાયકાઓથી ડિપોઝિટ

વડોદરાથી ૭૦ કિલોમીટર દૂર આવેલા આણંદ જિલ્લાના નાનકડા ધર્મજ ગામની કુલ વસ્તી ૧૧,૩૩૩ લોકોની જ છે, પણ અહીં ૧૩ બૅન્કોએ પોતાની શાખા ખોલી છે. આ ગામના લોકો છેલ્લા ઘણા દાયકાઓથી બૅન્કોમાં અને પોસ્ટ ઑફિસોમાં નાણાં જમા કરાવતા રહ્યા છે. હવે એ ડિપોઝિટનો આંકડો ૧૦૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.

સૌથી વધુ ડિપોઝિટ કઈ બૅન્કમાં?

આશરે ૧૨૫ કરોડ રૂપિયાની NRI ડિપોઝિટ્સ સાથે આ ગામની બૅન્ક ઑફ બરોડાની શાખા નંબર વન છે. એ પછીના ક્રમે ૧૦૦ કરોડની NRI ડિપોઝિટ્સ સાથે દેના બૅન્કનો નંબર આવે છે. અહીં જે બૅન્કોની બ્રાન્ચિસ કાર્યરત છે એમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા, અલાહાબાદ બૅન્ક, કૅનેરા બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક અને ધર્મજ પીપલ્સ કો-ઑપરેટિવ બૅન્કો સહિતની ૧૩ બૅન્કોનો સમાવેશ છે. આ ગામમાં દેના બૅન્કની શાખા છેક ૧૯૫૯માં શરૂ કરવામાં આવી હતી.

નંબર વન સાક્ષર ગામ

આ વિશેની માહિતી આપતાં સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાના વડોદરા ડિવિઝનના ડૅપ્યુટી જનરલ મૅનેજર આર. એન. હિરવેએ જણાવ્યું હતું કે વિદેશોના નાગરિક બનેલા મૂળ આ ગામના લોકો એમની બચત અહીંની બૅન્કોની શાખામાં જમા કરાવવાનું પસંદ કરે છે. આ રીતે મોટા પ્રમાણમાં નાણાં આવતાં હોવાને કારણે ધર્મજ દેશના સૌથી વધુ  ડિપોઝિટ ધરાવતાં ગામડાંઓ પૈકીનું એક અને સમગ્ર દેશમાં નંબર વન સાક્ષર ગામ પણ બન્યું છે.

કિંગસાઇઝ લાઇફ

અહીં વસતા ૩૦૦૦થી વધુ પાટીદાર પરિવારો અત્યાધુનિક કારમાં ફરે છે તથા કિંગસાઇઝ જીવન જીવે છે અને લગભગ દરેક પરિવારને એના વિદેશમાં વસેલા પરિવારજન તરફથી લાખ્ખો રૂપિયા દાયકાઓથી મળતા રહ્યા છે. અહીંના ૧૭૦૦ પરિવારો તો માત્ર બ્રિટનમાં જ સેટલ થયા છે. બીજી ૩૦૦ ફૅમિલી અમેરિકામાં, ૧૬૦ ન્યુ ઝીલૅન્ડમાં, ૨૦૦ કૅનેડામાં અને ૬૦ ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થઈ છે.

કેરળને મળે છે સૌથી વધુ લાભ

કેરળના લાખો લોકો વિદેશોમાં વસે છે અને NRI ડિપોઝિટ્સનો સૌથી મોટો પ્રવાહ કેરળમાં આવે છે. ગયા નાણાકીય વર્ષમાં આ પ્રમાણ ૮૪,૦૦૦ કરોડ રૂપિયાને આંબી ગયું હતું અને આ વર્ષે એ આંકડો ૯૦,૦૦૦ કરોડ રૂપિયાને વટાવી જાય એવી સંભાવના છે.

વિદેશમાં વસતા ભારતીયો દેશમાં કેટલાં નાણાં મોકલે છે?

વિદેશમાં વસતા ભારતીયોએ ગયા નાણાકીય વર્ષમાં ૬૯ અબજ ડૉલર વતનમાં મોકલ્યા હતા. આ પ્રમાણ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે છે. વર્લ્ડ બૅન્કના અંદાજ અનુસાર આ વર્ષે ભારતનું NRI રેમિટન્સ ૭૦ અબજ ડૉલરનો આંક આસાનીથી પાર કરી જશે. બૅન્કિંગ ઉદ્યોગના અંદાજ અનુસાર વિવિધ બૅન્કોમાં ૧૧૦ અબજ ડૉલરનું NRI ફન્ડ જમા પડ્યું છે. ભારત પછીના બીજા ક્રમે ૬૪ અબજ ડૉલર સાથે ચીન આવે છે.