શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 17 માર્ચ 2018 (12:29 IST)

નિરવ મોદીના કારણે ડાયમંડ ઉદ્યોગની ચમક ઊડી ગઈ, ૬૫ મોટી કંપનીઓ ડાયમંડ છોડી, સોના-ચાંદીના વેપાર ભણી

હીરા ઉદ્યોગનું મોટું માથું ગણાતા નિરવ મોદીએ પંજાબ નેશનલ બૅન્ક સાથે કરેલી છેતરપિંડીને પરિણામે ડાયમંડ જ્વેલરી ખરીદનારાઓનો વિશ્વાસ તૂટી ગયો હોવાનું જણાઈ રહ્યું છે. તેમાંય ખાસ કરીને કિંમતી દાગીનાઓની શુદ્ધતા અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દાગીનાઓની શુદ્ધતા સામે સવાલ ઊભો થવા માંડતા બિન આયોજિત ક્ષેત્રના વેપારીઓ કે બિઝનેસમૅન પાસેથી ખરીદી ઘટવા માંડી છે. બ્રાન્ડેડ કંપનીઓ દાગીનાને પ્રમાણિત કરતા કે તેની શુદ્ધતાને પ્રમાણિત કરતાં પ્રમાણપત્રો પણ આપે છે.

તેમ છતાંય હીરાનો મોટો વેપાર તો આજની તારીખે પણ બિનઆયોજિત ક્ષેત્રના વેપારીઓના હાથમાં જ છે. તેમના પર વિશ્વાસ મૂકીને સહુ ખરીદી કરી રહ્યા છે. પરંતુ આ વિશ્વાસ અત્યારે ડગમગી રહ્યો છે. બીજું બ્રાન્ડેડ કંપનીઓ જે પ્રમાણપત્રો આપે છે તે પ્રમાણપત્રો દેશના મોટા શહેરો પૂરતા જ સીમિત છે. નાના શહેરોમાં વસનારાઓ પાસે પણ મજબૂત ખરીદ શક્તિ છે. તેમ છતાંય મોટા શહેરો સિવાયના શહેરોમાં હીરાના વેપાર પર ખાસ્સી નકારાત્મક અસર પડી રહી છે. આ ક્ષેત્ર અંગે નકારાત્મક પ્રચાર પણ બહુ જ થઈ રહ્યો હોવાથી તેના કારોબાર પર ખાસ્સી અસર પડી છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદ, બૅન્ગલોર, ચંદીગઢ ને દહેરાદૂનમાં એસોચેમ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છ કે બ્રાન્ડનેમ ધરાવતી ૬૫ કંપનીઓએ હવે ડાયમંડને બદલે સોના અને ચાંદીના વેપાર ભણી વળવા માંડયું છે, કારણ કે કિંમતી પથ્થરોની શુદ્ધતા અંગે હવે ખરીદારોને સતત શંકા જ રહેતી જોવા મળે છે. અગાઉ જેમણે ડાયમંડના દાગીના ખરીદ્યા હોય તે કસ્ટમર્સ તેમના વેપારીઓને ફોન કરીને સતત તેની શુદ્ધતા અંગે સવાલો કરી રહ્યા છે. તેમ જ તેઓ તેની શુદ્ધતાની નવેસરથી ચકાસણી કરાવવા માટે આવી રહ્યા છે. હીરાની માંગ ઘટતા સોના-ચાંદીના દાગીનાઓની ડિમાન્ડ વધી રહી હોવાનું જ્વેલર્સ જણાવી રહ્યા છે. ડાયમંડના દાગીનાઓની ડિમાન્ડમાં ૧૦થી ૧૫ ટકાનો તો ઘટાડો થઈ જ ચૂક્યો છે. આગામી દિવસોમાં તેમાં વધુ ગાબડું પડવાની સંભાવના જોવામાં આવી રહી છે. પરિસ્થિતિને પામી ગયેલા સોનાના દાગીનાના વેપારીઓને નવી ભવ્યાતિભવ્ય ડિઝાઈનમાં સોનાના દાગીનાઓ તૈયાર કરાવવાનું શરૃ કરી દીધું છે. નવી ડિઝાઇન માટે તેમણે વધુ ખર્ચ કરવાનું પણ શરૃ કરી દીધું છે. તેમણે ફરી એકવાર એન્ટિક જ્વેલરીની ડિઝાઈન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંડયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્વેલર્સને પણ લાગી રહ્યું છે કે કસ્ટમર્સને ટેસ્ટ બદલાઈ રહ્યો છે. જોકે તેની સાથે જ ગ્રાહકો સોનાની ગુણવત્તાની બાબતમાં પણ વધુ જાગૃત બન્યા છે. તેથી તેઓ સોનાની ખરીદી કરવામાં પણ ઉતાવળા બન્યા નથી.