શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 2 જુલાઈ 2015 (16:51 IST)

એસ.ટી. બસ સ્ટેશન ટુક સમયમાં ખુલ્લુ મુકાશે

સીંગાપોર કે દુબાઇના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવો જ માહોલ અને સુવિધાઓથી સજ્જ એવા બસ સ્ટેશનની પરિકલ્પના સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત વડોદરાના બસ મથક ખાતે સાકાર થઇ હતી. એવી જ રીતે રૂ.93 કરોડના ખર્ચે અમદાવાદના મધ્યસ્થ એસ.ટી. બસ સ્ટેશનને સજ્જ કરવાની કામગીરીનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાના આરે આવ્યો છે અને એકાદ માસમાં તેનું લોકાર્પણ થશે, તેમ પરિવહન પ્રધાન વિજય રૂપાણીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

રૂપાણીએ કહ્યું કે, અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનનું કામ બે તબક્કામાં ચાલી રહ્યું છે પહેલો તબક્કો પૂર્ણ થતાં બીજા તબક્કાનું કામ હાથ પર લેવાશે. આ જ રીતે આગામી ત્રણચાર માસમાં રાણીપ નજીક 132 ફૂટ રિંગ રોડ ઉપર બની રહેલા ઉત્તર ગુજરાત માટેના બસ સ્ટેશનની કામગીરી પણ પીપીપી ધોરણે પૂર્ણ થતાં તેને પણ ખુલ્લુ મુકાશે. આ બસ સ્ટેશનો વાતાનુકૂલિત ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ધરાવતુ હશે. તેના એક ભાગમાં બસ સ્ટેશનની તો બીજી તરફ ફૂડ કોર્ટ, મોલ, મલ્ટીપ્લેક્સ પણ હશે. મહેસાણા તથા સુરતની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત પંદર અન્ય બસ સ્ટેન્ડ માટે પણ ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે જેમાં ભૂજ, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, નડીયાદ, આણંદ સહિતના મોટા અને મહત્વના બસ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

એક પ્રશ્નના ઉત્તરમાં રૂપાણીએ કહ્યુ કે, સોમનાથ અને વડતાલ જેવા ધાર્મિક સ્થળોના બસ સ્ટેશન માટે મંદિર ટ્રસ્ટ અને એસ.ટી. કોર્પોરેશન વચ્ચે કરાર થયા છે. તાજેતરમાં સોમનાથ મંદિર ટ્રસ્ટના સત્તાધિશોએ સોમનાથનું બસ સ્ટેશન પોતાના ખર્ચે વિકસાવવાની તૈયારી બતાવી છે એ જ રીતે વડતાલ ખાતે સ્વામીનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા તેનો વિકાસ કરવામાં આવનાર છે. આથી હવે એસ.ટી. કોર્પોરેશન નજીકના ભવિષ્યમાં અંબાજી મંદિર ટ્રસ્ટ સાથે પણ વાટાઘાટો કરનાર છે.

રૂપાણીએ વિગતો આપી કે હવે એસ.ટી. બસો તેના રૂટ ઉપર નિર્ધારિત સમય પ્રમાણે દોડે છે કે કેમ તેના પર નજર રાખવા માટે બે હજાર એસટી બસમાં જીપીઆર સિસ્ટમ ગોઠવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવનાર છે. એટલું જ નહીં કેટલાય સમયથી પ્રવાસીઓની ફરિયાદો રહેતી હતી કે એસ.ટી. બસના ડ્રાઇવર અને કન્ડક્ટર મન ફાવે તેવી ખાણી પીણીની જગાઓ પર ઊભી રાખે છે. આ ફરિયાદના નિવારણ માટે હવે એસ.ટી. નિગમ લાંબા અંતરના રૂટમાં આવતી આવી ખાણી પીણીની જગાઓને પસંદ કરવા માટે ટેન્ડર બહાર પાડે છે આ ડેન્ડરમાં ભાગ લેનાર રેસ્ટોરન્ટ ઊંચી બોલી લગાવે ત્યાં એસ.ટી. બસ થોભશે અને મુસાફરો આ નિયત સ્થળે ભોજન, નાસ્તો વગેરે કરી શકશે. એના બદલામાં આ રેસ્ટોરન્ટ દ્વારા પ્રતિ માસ એસ.ટી. નિગમને રોયલ્ટી ચૂકવવાની રહેશે. હાલ અમદાવાદ સુરત અને અમદાવાદ- રાજકોટ વચ્ચે આ વ્યવસ્થામાં છ રેસ્ટોરન્ટ્સ સામેલ થઇ છે તેનાથી નિગમને પ્રતિ માસ રૂ.10 લાખ રૂપિયાની આવક થઇ રહી છે. જે અગાઉ બસના ડ્રાઇવર કન્ડક્ટર તેમજ અધિકારીઓના ખિસ્સામાં જતી હતી.