શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 30 નવેમ્બર 2015 (17:08 IST)

કુછ તો ગડબડ હૈ...નેસ્લે કંપની સામે કોર્ટમાં ૬૪૦ કરોડ રૂપિયાની નુકસાનીનો દાવાનો કેસ હજી ચાલુ છે ને મેગીનું વેચાણ ચાલુ થઇ ગયું?

બે મિનિટમાં તૈયાર થતાં મેગી નૂડલ્સ પાંચ મહિનાના ગાળા પછી ફરી બજારમાં આવી ગયા છે. જૂન મહિનામાં વાત આવી હતી કે મેગી નૂડલ્સમાં લેડ નામની ઝેરી ધાતુ અને મોનોસોડિયમ ગ્લુટામેટ નામનો ઝેરી પદાર્થ ભારે માત્રામાં છે. તેને પગલે ભારતનાં લગભગ તમામ રાજ્યો દ્વારા પોતાની લેબોરેટરીઓમાં મેગીના નમૂનાઓની ચકાસણી કરાવી હતી. તમામ હેવાલોમાં એક જ વાત આવી હતી કે મેગી આરોગ્ય માટે હાનિકારક છે. આ હેવાલોને પગલે કેન્દ્ર સરકાર હસ્તકની ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મેગી નૂડલ્સના વેચાણ તેમ જ ઉત્પાદન પર ભારતવ્યાપી બંધ ફરમાવી દીધો હતો. મેગીનું ઉત્પાદન કરતી નેસ્લે કંપનીને હાનિકારક ૩૦,૦૦૦ ટન નૂડલ્સ બાળી નાખવાની ફરજ પડી હતી, જેને કારણે તેને ૪૫૦ કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું.

સ્વિટ્ઝર્લેન્ડની મલ્ટિનેશનલ નેસ્લે કંપનીની સરકાર પાસે દાળ ગળી નહીં એટલે તેણે મુંબઇ હાઇ કોર્ટમાં દાવો કર્યો હતો. મુંબઇ હાઇ કોર્ટે મેગી પરના પ્રતિબંધને કુદરતી ન્યાયના સિદ્ધાંતથી વિરુદ્ધ ગણાવીને પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. નેસ્લે કંપનીને મેગીના નવા નમૂનાઓ સુપરત કરવાનું કહેવામાં આવ્યું હતું, જેનું પરીક્ષણ હાઇ કોર્ટની સૂચના મુજબની ત્રણ લેબોરેટરીઓમાં જ કરાવવાનું કહેવામાં આવ્યું હતું. નેસ્લે કંપનીએ સુપરત કરેલા નમૂનાઓ સલામત જણાતા તેને મેગીનું ફરી વેચાણ કરવાની છૂટ આપવામાં આવી હતી. આ છૂટનો લાભ લઇને નેસ્લેએ મેગીનું વેચાણ ફરી શરૂ કરી દીધું છે, પણ કેન્દ્ર સરકારે હાઇ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

જે મેગીના નમૂનાઓનું ભારતનાં અનેક રાજ્યોમાં પરીક્ષણ કરવામાં આવતાં તેમાં હાનિકારક પદાર્થો મળી આવ્યા હતા તે અચાનક સલામત કેવી રીતે જાહેર થઇ ગઇ? શા માટે તેનું વેચાણ કરવાની છૂટ અપાઇ ગઇ? આ બાબતમાં મોટી રમત રમાઇ ગઇ હોવાની શંકા રહે છે.

કેન્દ્ર સરકાર હસ્તકની ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં નેસ્લે સામે જે અપીલ કરવામાં આવી છે, તેમાં પણ મહત્ત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. તેમાંનો એક મુદ્દો એવો છે કે હાઇ કોર્ટ દ્વારા કોઇ તટસ્થ સંસ્થાને મેગીના નમૂનાઓ એકઠા કરવાનું કામ સોંપવાને બદલે નેસ્લે કંપનીને જ ચકાસણી માટેના નમૂનાઓ સુપરત કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે કઇ કંપની ચકાસણી માટે જે નમૂના આપે તે આરોગ્ય માટે હાનિકારક હોય? નેસ્લે કંપનીએ જે નમૂનાઓ સરકારની ત્રણ લેબોરેટરીને સુપરત કર્યા હોય તે તપાસમાં પાર ઊતરે તેવા જ હોય ને? આ તો કોઇ આરોપીને તેના વિરુદ્ધના પુરાવા પૂરા પાડવાનું કહેવા જેવો ઘાટ થયો હતો.

નેસ્લે કંપની હવે જોરશોરથી જાહેરાત કરી રહી છે કે તેમના મેગી નૂડલ્સ પહેલા સલામત હતા; હવે પણ સલામત છે. આ જાહેરાતમાં ભારત સરકારની મશ્કરી છે. જો મેગી નૂડલ્સ પહેલા સલામત હતા તો શું ભારતની એક ડઝનથી પણ વધુ લેબોરેટરીઓ જૂઠી હતી? મુંબઇ હાઇ કોર્ટના ચુકાદામાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓની નિયત પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલમાં આ સવાલો રદ્દ કરવાની માગણી પણ કરવામાં આવી છે.

નેસ્લે કંપની દ્વારા ૨૫ વર્ષથી ભારતની પ્રજાને મેગી નૂડલ્સ ખવડાવવામાં આવતા હતા. તેના લેબલ પર લખવામાં આવતું હતું કે તેમાં મોનોસોડિયમ ગ્લુટામેટ નામનો હાનિકારક પદાર્થ બહારથી ઉમેરવામાં આવતો નથી. એપ્રિલ મહિનામાં લેબોરેટરીની તપાસમાં મેગીમાંથી મોનોસોડિયમ ગ્લુટામેટ મળી આવ્યું ત્યારે નેસ્લે કંપનીનો બચાવ એવો હતો કે આ પદાર્થ બહારથી ઉમેરવામાં આવતો નથી, પણ કુદરતી રીતે મેગીના લોટમાં આવી જતો હશે. હવે નેસ્લે કંપનીએ લેબલ પર આ લખાણ લખવાનું જ બંધ કરી દીધું છે. તેનાથી સાબિત થાય છે કે મેગીમાં પહેલા પણ આ ઝેરી પદાર્થ ઉમેરવામાં આવતો હતો; આજે પણ

ઉમેરવામાં આવે છે. હવે નેસ્લે કંપનીએ જૂઠા દાવા કરવાનું બંધ કર્યું છે કે મેગીમાં ઝેરી પદાર્થ ઉમેરવામાં આવતો નથી. હવે બાળકોને ઝેરી મોનોસોડિયમ ગ્લુટામેટ ધરાવતી મેગી ખવડાવવી કે નહીં તેનો નિર્ણય તેમનાં માબાપે કરવાનો છે.

જૂન મહિનામાં કેન્દ્ર સરકારે માત્ર મેગી પર પ્રતિબંધ જ નહોતો મૂક્યો, પણ ભારતની પ્રજાના આરોગ્યને નુકસાન પહોંચાડવા બદલ નેસ્લે કંપની સામે ક્ધઝ્યુમર કોર્ટમાં ૬૪૦ કરોડ રૂપિયાની નુકસાનીનો દાવો પણ માંડ્યો હતો. આ કેસનો હજી ચુકાદો પણ આવ્યો નથી ત્યાં ઉતાવળે મેગીનું વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ ન્યાયના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધની વાત છે.

મેગીમાં હાનિકારક પદાર્થો મળી આવતાં ભારતનાં લગભગ તમામ રાજ્યોમાં મેગીના ઉત્પાદન તેમ જ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમાંનાં ગુજરાત સહિતનાં ૧૦ રાજ્યોમાં મેગી પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. આ ૧૦ રાજ્યોમાં દિવાળીથી મેગીનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવાં રાજ્યોમાં આજની તારીખમાં પણ મેગીના વેચાણ પરનો પ્રતિબંધ ચાલુ છે, જેને કારણે તે રાજ્યોમાં નેસ્લે કંપની હજી સુધી મેગીનું ઉત્પાદન કે વેચાણ શરૂ કરી શકી નથી. આપણે ગુજરાતની સરકારને પણ સવાલ કરવો જોઇએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોયા વિના મેગીને પરવાનગી કેમ આપી? શું ગુજરાત સરકારને નેસ્લે પર એટલો બધો પ્રેમ ઊભરાઇ આવ્યો કે પ્રજાના આરોગ્યની પણ પરવા નથી?

મેગીના વિવાદનો પ્રારંભ માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશમાં થયો હતો. ઉત્તર પ્રદેશના બારાબાંકી જિલ્લાના ફૂડ ઇન્સ્પેક્ટરને મેગીમાં લેડ અને મોનોસોડિયમ ગ્લુટામેટનું ભારે પ્રમાણ જણાતા તેમણે લખનઊની સરકારી લેબોરેટરીમાં તેનું પરીક્ષણ કરાવ્યું હતું. લખનઊની લેબોરેટરીનાં પરિણામનું સમર્થન કરવા સેમ્પલોને કોલકાતા મોકલવામાં આવ્યાં હતાં. કોલકાતાની સરકારી લેબોરેટરીમાં પણ મેગીમાં આરોગ્યને હાનિકારક પદાર્થોની હાજરી સાબિત

થઇ હતી. આ હેવાલને પગલે ભારતનાં અનેક રાજ્યો દ્વારા બજારમાંથી મેગીનાં સેમ્પલો લેવામાં આવ્યાં હતાં અને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બધાં જ સેમ્પલો આરોગ્ય માટે હાનિકારક જણાયાં હતાં.

સરકારી લેબોરેટરીઓમાં મેગીના નમૂનાઓ ઝેરી

હોવાનું જણાયું તેનું રહસ્ય એ હતું કે આ નમૂનાઓ બજારમાંથી કંપનીની જાણ બહાર લેવામાં આવ્યા હતા. મુંબઇ હાઇ કોર્ટે નેસ્લે કંપનીને પોતાને નમૂના પૂરા પાડવાનું જણાવ્યું હતું. નેસ્લેને ખબર હતી કે આ નમૂનાઓ પર તેના ધંધાનો આધાર છે, માટે તમામ નમૂનાઓ સલામત પૂરા પડાયા હોય તે સ્વાભાવિક છે. કેન્દ્ર સરકારે નમૂના ભેગા કરવાની આ ભૂલ ભરેલી પદ્ધતિ સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી છે.

નેસ્લે કંપની સામે ભારતની કેન્દ્ર સરકાર પણ હળવા હાથે કામ લઇ રહી હોવાનું સમજાય છે. મેગી પર પ્રતિબંધ ઉઠાવી લેવા બાબતનો મુંબઇ હાઇ કોર્ટનો ચુકાદો આવ્યો તે પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં તેણે એક મહિના જેટલો સમય વેડફી કાઢ્યો હતો. આ દરમિયાન નેસ્લે કંપનીને બજારમાં પોતાનો માલ વેચાણમાં મૂકવાની તક મળી ગઇ હતી. હવે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં પ્રજાને ન્યાય મળશે તેવી આશા રાખવી જોઇએ.