શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 10 એપ્રિલ 2015 (17:18 IST)

ખરેખર મંદી છે...ગુજરાતના આવકવેરા ખાતાને ૩૦૦૦ કરોડની ઓછી આવક થઈ

ગુજરાતના આવકવેરા ખાતાને ૨૦૧૪-૧૫ના નાણાંકીય વર્ષમાં રૃા. ૩૪,૦૦૦ કરોડની આવક કરવાના સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સે આપેલા ટાર્ગેટની તુલનાએ ગુજરાતમાં આવકવેરાની કુલ આવકની અપેક્ષા કરતાં રૃા. ૩૦૦૦ કરોડની ઓછી આવક થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો સીબીડીટીએ આપેલા ટાર્ગેટ કરતાં રૃા. ૩૦૦૦ કરોડ ઓછા આવ્યા છે.
ગુજરાતમાં ટીડીએસ-કરકપાતની આવકમાં પણ ૧૯૫૨ કરોડનું ગાબડું પડયું છે. મોટી કંપનીઓએ તેમની હેડ ઑફિસ ગુજરાત બહાર ખસેડી હોવાથી ગુજરાતમાં ટીડીએસની આવકમાં ગાબડું પડયું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે.

આજે ગુજરાતના કમિશનરોની પ્રિન્સિપાલ ચીફ કમિશનરે બોલાવેલી બેઠકમાં નવા નાણાંકીય વર્ષમાં એટલે કે ૨૦૧૫-૧૬ના વર્ષમાં આવકવેરાની આવકના ટાર્ગેટને પહોંચી વળવામાં તકલીફ ન પડે તે માટે સ્ક્રેપ ડીલરો, ફાર્મા કંપનીઓ, પાવર કંપનીઓ, એન્ટરટેઈનમેન્ટ કંપનીઓ તથા એડવર્ટાઇઝિંગ કંપનીઓના વહેવારો અને કામકાજ પર નજર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.ગુજરાતમાં આવકવેરાના ટાર્ગેટને આંબી શકાય તે માટે કરકપાત-ટીડીએસ વિભાગના અધિકારીઓએ ૨૬મી માર્ચથી છેલ્લા દિવસ સુધી કરેલા જોરદાર પ્રયાસોને પરિણામે રાજ્યમાંથી સાત દિવસમાં રૃા. ૭૦૦ કરોડની આવક કરવામાં સફળતા મેળવી હતી. ૨૦૧૩-૧૪ના વર્ષમાં નાણાંકીય વર્ષના છેલ્લા સાત દિવસમાં ટીડીએસ વિભાગે રૃા. ૪૦૦ કરોડની આવક કરી હતી.

આ આવક કઈ રીતે કરી તે અંગે ફોડ પાડતા ટીડીએસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ કહે છે કે તેમણે લૉઅર ટીડીએસને નામે કરચોરી કરીને ફરાર થઈ જતાં ડીલરોની પ્રવૃત્તિ પર લગામ તાણીને તેમને લૉઅર ટીડીએસના પ્રમાણપત્ર આપવા પર બ્રેક લગાવી હતી.

લૉઅર ટીડીએસના પ્રમાણપત્રની સિસ્ટમનો ઉપયોગ તેઓ કરચોરી કરવા માટે જ કરતાં હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે લૉઅર ટીડીએસના પ્રમાણપત્ર લેનારાઓ રિટર્નમાં ટેક્સ જમા કરાવતા નહોતા. તેથી તેમનો કેસ સ્ક્રૂટિનીમાં સિલેક્ટ ન થાય તો તેઓ કરચોરી કરીને આસાનીથી છટકી જતાં હતા. તેમની આ મોડસ ઓપરેન્ડીને ના કામિયાબ બનાવીને તેમની પાસેથી કરકપાતની આવક વધુ મેળવવાની કોશિશ કરીને આ સફળતા મેળવી હતી. તેમાંથી તેઓ કાયદેસર મેળવવા પાત્ર રિફંડ મેળવી શકશે. જ્યારે લૉઅર ટીડીએસના પ્રમાણપત્રની સિસ્ટમમાં સ્ક્રૂટિનીમા તેમનો કેસ ન આવે તો તેઓ બારોબાર જ છટકી જતાં હતા.