શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 જુલાઈ 2014 (15:54 IST)

ગુજરાતમાં ઊંચા વેટ દરને કારણે બિઝનેસ પડોશી રાજ્યોમાં પગ કરી ગયો

ગુજરાત સરકાર દ્વારા પેઈન્ટ્સ, ખજૂર, લાકડું, પ્લાયવુડ, લેમિનેટ્સ, માર્બલ, ગ્રેનાઈટ સહિતની ઘણી આઈટેમ્સ પર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની તુલનાએ ઊંચો વેટ લેવામાં આવી રહ્યો હોવાથી ગુજરાતના વેપારીઓ તેમનો બિઝનેસ ગુમાવી રહ્યા છે. દેશના અન્ય રાજ્યમાં તેમની સ્પર્ધાત્મકતા ગુમાવી રહ્યા હોવાથી આ તફાવત નાબૂદ કરીને તેમને હરીફાઈ કરવા માટે લેવલ પ્લેયિંગ ફિલ્ડ આપવાની માગણી ગુજરાતની વેપારીઆલમે કરી છે.

ડિઝલની જ વાત કરવામાં આવે તો ગુજરાતની તુલનાએ રાજસ્થાનમાં ડીઝલ લિટરદીઠ ભાવમાં રૃા. ૩.૬૦ સસ્તું છે. પરિણામે ગુજરાતના ટ્રક ઓપરેટરો પણ ગુજરાતને બદલે રાજસ્થાનમાંથી જ ડીઝલ ભરાવવાનું પસંદ કરે છે. તેની સીધી અસર ગુજરાતના ડીઝલના વેપારીઓ પર પડે છે. ડીઝલ પર રાજસ્થાનમાં ૧૭.૮૯ ટકાના વેટની સામે ગુજરાતમાં ૨૪ ટકા વેટ લેવામાં આવે છે. પરિણામે ડિઝલના ડીલરો પણ ખાસ્સો ધંધો ગુમાવી રહ્યા છે. ગુજરાતના વેપારીઓનું હિત સરકાર ધ્યાનમાં જ ન લેવા માગતી હોય તેમ તેમની વારંવારની રજૂઆત છતાંય આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

આ જ રીતે માર્બલ પર ગુજરાતમાં ૧૫ ટકા વેટ લાગે છે, તેની સામે રાજસ્થાનમાં તેના પર ૫ ટકા વેટ લાગતો હોવાથી ગુજરાત કે અમદાવાદના માર્બલના વેપારી પાસેથી માલ ખરીદવાને બદલે આર્કિટેક્ટનો પ્લાન બતાવીને કોઈપણ એન્ડ યુઝર્સ તે માર્બલ કે ગ્રેનાઈટ માત્ર બે ટકા કેન્દ્રિય વેચાણવેરો ભરીને પોતાના અંગત વપરાશ માટે રાજસ્થાનમાંથી સીધો જ મંગાવી શકે છે. આ સ્થિતિમાં સ્થાનિક વેપારીઓને માર્બલ ગ્રેનાઈટ કે કોટાનો વેપાર ગુમાવવો પડી રહ્યો છે. છતાંય ગુજરાત સરકારના પેટનું પાણીય હાલતું નથી.
ગુજરાત સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કર્યાને ખાસ્સો સમય થઈ ગયો હોવા છતાંય વેપારીઆલમની આ વાત ધ્યાને લેવામાં આવી નથી. તેથી ગુજરાતની વેપારી આલમમાં નારાજગી પ્રવર્તી રહી છે,એમ ગુજરાત ચેમ્બરના પ્રમુખ રાકેશ શાહનું કહેવું છે. તેમનું કહેવું છે કે આ જ સ્થિતિને કારણે ગુજરાતના ઘણાં નાના મોટા ઔદ્યોગિક એકમો મળીન અબજો રૃપિયાનો ધંધો ગુમાવી રહ્યા છે અને તેમને મોટી આર્થિક નુકસાની ભોગવવી પડી રહી છે. પરિણામે પરિસ્થિતિમાં બદલાવ લાવવો જરૃરી છે અને વેટના દર એક સપાટીએ લાવી દેવા જરૃરી બન્યા છે.
તેને પરિણામે થઈ રહેલા બીજા નુકસાની વિગતો આપતા વેટના નિષ્ણાતોનું કહેવું છે કે રાજ્ય સરકારની વેટની આવકમાં પણ તેને કારણે ગાબડાં પડી રહ્યા છે. લોકો બહારના રાજ્યથી બે ટકા સીએસટી ચૂકવી અંગત વપરાશ માટે માર્બલ મંગાવી લેતા હોવાથી રાજ્ય સરકારને વેટ મળતો જ નથી.