1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (17:21 IST)

જો..જો..ધ્યાન રાખજો..વીમા, લોન, ક્રેડિટ કાર્ડ વગેરે માટે ફોન આવે તો ફસાતા નહીં

સાવ સસ્તાદરની લોન અને ક્રેડિટ કાર્ડ આપવાની લલચામણી ઓફર દ્વારા ઠગાઇ થઇ રહી છે. દિલ્હીની આ ઠગ ટોળકી ફોન કરીને ગુજરાતી લોકોને ફસાવી રહી છે. વર્ષે માત્ર પાંચ ટકાના દરની લોન મેળવવા માટે ઘણા લોકોએ ૧૦ થી ૨૦ હજાર રૃપિયા ગુમાવ્યા છે. અમુક નાગરિકોએ તો દિલ્હીના પોલીસ કમિશનર તેમજ સીબીઆઇના સાઇબર સેલ સુધી પણ ફ્રોડની ફરિયાદ કરેલી હોઇ, અમદાવાદનાં લોકોએ લલચામણા ફોન કોલ્સથી ચેતવું પડશે.

તાજેતરનાં સમયમાં શહેરનાં ઘણા નાગરીકોનાં મોબાઈલ ફોન પર લોન અને કાર્ડ આપવાની ઓફર કરતા ઢગલાબંધ ફોન આવી રહ્યા છે. ફોન કરનારી વ્યકિત ફાંકડુ અંગ્રેજી અને હિન્દી બોલે છે. તેઓ કહે છે કે, તમારો ટ્રેક રેકર્ડ સારો છે. અમારી કંપનીએ તમારી રૃ. ૨૫ લાખની લોન પાસ કરી છે, જેનો વ્યાજ દર વાર્ષિક પાંચ ટકાનો રહેશે. એટલે કે દર મહિને ૨૫ લાખના વ્યાજ પેટે માત્ર રૃ. ૧૨૫૦૦ જ ચૂકવવા પડશે.

લોન જોઇતી હોય તો તેની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે વોટર આઇડી, પેન કાર્ડ, બે ફોટા, બેંકનું સ્ટેટમેન્ટ અને ડ્રાઇવીંગ લાઇસન્સ જેવા દસ્તાવેજો મોકલવાનાં રહેશે. આટલી વાતચીત કર્યા પછી ફોન કરનારને જો એવું લાગે કે ગ્રાહક લોન લેવા માટે રસ લઇ રહ્યો છે તો તુરંત જ કહી દે છે કે તમારા ડોકયુમેન્ટસની સાથે ૧૧૨૦૦ની રકમનો અમારી કંપનીના નામનો ચેક પણ મોકલી આપજો. જેથી તમામ વિધિ પૂરી થાય અને અમે તમને લોનનો ચેક મોકલી શકીએ.

અમદાવાદમાંથી ઘણા લોકોએ પોતાના ડોકયુમેન્ટસ અને ૧૦ થી ૨૦ હજાર રૃપિયાના ચેક મોકલાવ્યા છે. પરંતુ કોઇની લોન પાસ થઇ નથી કે ગોલ્ડ કાર્ડ મળ્યું નથી. આ નવી મોડેસ ઓપરેન્ડીથી ગુજરાતનાં નાગરીકો સાથે ફ્રોડ થઇ રહ્યો છે. આ ઠગ ટોળકીનું દિલ્હીનું પાકુ એડ્રેસ, તેના મોબાઈલ ફોન નંબર હોવા છતાં પોલીસ તંત્ર કશું કરી શકતું નથી. લોનની જેમ ૧ લાખની લિમિટનું કાર્ડ આપવાની પણ ઓફર થાય છે. ક્રેડિટ કાર્ડ માટે માત્ર રહેણાંકનો પુરાવો, પેન કાર્ડ અને વન ટાઇમ ફી ચૂકવવાની હોય છે. આ રીતે પણ અનેક લોકોએ ૨ થી ૧૦ હજાર ગુમાવ્યા છે. પણ કોઇને ગોલ્ડ કાર્ડ મળ્યા નથી. સસ્તી લોન અને કાર્ડ આપવનાં બહાને ઠગ ટોળકી નાણા તો પડાવી જ રહી છે સાથો સાથ લોકોના અગત્યનાં દસ્તાવેજો પણ પોતાની પાસે રાખી લે છે. જેનો દુરુપયોગ થવાની પૂરી શકયતાઓ છે. આ ટોળકી લોકોની ખાનગી વિગતો કયાંથી મેળવી રહી છે તે પ્રશ્ન પણ મોટો છે. અમુક લોકોએ દિલ્હીના પોલીસ કમિશનર, CBI તથા ગુજરાત સાઇબર ક્રાઇમને ફરિયાદ કરી હોઈ લોકોએ આવી ટોળકીથી ચેતવું જોઈએ.