શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 4 માર્ચ 2015 (14:52 IST)

મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પાછળ બે વર્ષમાં ૪૭ર.ર૯ કરોડ ખર્ચાઈ ગયા તો ય કોઈ જ ઠેકાણું નથી

ગુજરાત સરકારના મેટ્રો રેલના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં છેલ્લા બે વર્ષમાં ૪૭ર.ર૯ કરોડ ખર્ચાઈ ગયા છે. છતાં હજુ સુધી મેટ્રો ટ્રેન ફાઈલોમાં અને કાગળિયા પર દોડી રહી છે. સરકારે આ મુજબતો ઉત્તર આપી વધુમાં જણાવ્યું હતું કે હાલમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબીનેટની મંજુરી મળી છે અને ડીપીઆરની બોલીઓ અને શરતો મુજબ હાલમાં સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવાની પ્રક્રિયા ચાલુ છે.

કોંગ્રેસી ધારાસભ્ય વિધાનસભામાં પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે તા.૩૧/૧ર/૧૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં મેટ્રો માટે કુલ રૃા.૪૭ર.ર૯ કરોડ ખર્ચાયા છે. જેમાં ર૦૧૩માં ૩૭ર.પપ કરોડ અને ર૦૧૪માં ૯૯.૭૪ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટને કેન્દ્રીય કેબીનેટની મંજુરી મળી ગઈ છે. ડીપીઆરની બોલીઓ અને શરતો મુબજ હાલમાં સ્પેશિયલ પર્પઝ વ્હિકલ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ઈસ્ટ-વેસ્ટ કોરીડોર અને નોર્થ-સાઉથ કોરીડોરમાં વાયડફટ માટેના ડિટેઈલ્ડ ડિઝાઈન કન્સલ્ટન્ટ્સ (ડીડીસી)ની નિમણૂંક કરી દેવામાં આવી છે. નોર્થ-સાઉથ કોરીડોરમાં દસ સ્ટેશન્સ માટેની પણ ડીડીસીની પસંદગી કરવામાં આવી છે. બાકીના સ્ટેશનો અને ઈસ્ટ-વેસ્ટ કોરીડોર માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

ઈસ્ટ-વેસ્ટ કોરીડોરમાં વસ્ત્રાલથી એપેરેલ પાર્ક સુધીના છ કિ.મી.ના રૃટ માટે સિવિલ કામનું ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે.
સરકારે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ૦ઃપ૦ ટકાના ધોરણે સરખે હિસ્સે રૃા.૧૯૯૦-૧૯૯૦ કરોડનું મૂડી રોકાણ ઈક્વિટી સ્વરૃપે કરશે. કોઈ વિદેશી કંપની કે વિદેશી સરકાર પ્રોજેક્ટમાં મૂડી રોકાણ કરનાર ન હોવાની જાણકારી આપી હતી.

છેલ્લા ઘણા વર્ષથી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની સરકાર ચર્ચા કરી રહી છે. પરંતુ ખરેખર ક્યારે કાર્યરત થશે તે કંઈ નક્કી નથી. કારણ કે પોણા પાંચસો કરોડ ખર્ચીને પણ સરકાર હજુ જમીન પર કોઈ કામગીરી લાવી જ શકી નથી. આટલા જંગી નાણા ખર્ચવા છતાં મેટ્રો ટ્રેન હજુ ફાઈલો અને કાગળ પર જ દોડી રહી છે. વાસ્તવમાં મેટ્રોની કામગીરી ક્યારે ફાઈલમાંથી બહાર પર નીકળીને જમીન પર દેખાય તેવી પ્રગતિમાં પહોંચશે તે પણ હજુ અનિર્ણિત છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર વિકાસમાં નંબર ૧ હોવાના ગાણાં છેલ્લા ઘણા સમયથી ગાઈ રહી છે. પરંતુ ગુજરાત કરતાં વિકાસમાં પાછળ ગણાતાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હવે તો મુંબઈમાં પણ મેટ્રો દોડતી થઈ ગઈ છે. ત્યાંની સરકારોએ તેમના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને ખરા અર્થમાં તાકીદે કાર્યરત કરીને મેટ્રોને લોકોની સેવામાં દોડતી કરી દીધી છે. જ્યારે ગુજરાત સરકાર મેટ્રોના નામનો જશ લઈ રહી છે પરંતુ ખરેખર મેટ્રો ક્યારે શરૃ થશે તેનું કોઈ જ ઠેકાણું નથી.