1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 ઑક્ટોબર 2014 (18:19 IST)

યે ક્યા હો રહા હૈ...લીંબુ-ટામેટાના ભાવો એકાએક આસમાને

અમદાવાદના શાકમાર્કેટમાં અત્યારે શેરબજાર જેવી તેજી ફરીથી શરૃ થઈ છે. ભૂતકાળમાં ૧૦ રૃપિયો કિલો મળતા કાંદામાં ભાવ ૧૦૦ રૃપિયે પહોંચી જતા સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો પરંતુ ત્યારબાદથી સમયાંતરે એક-એક વસ્તુના ભાવ રોકેટ ગતિથી વધી જાય છે. અત્યારે હવે રોજ દાળ-શાક માટે વપરાતા લીંબુ-ટામેટા-આદુ અને કોથમીરના ભાવોમાં એકાએક ઉછાળો આવતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે.

ડુંગળીના ભાવોએ દેશભરના લોકોને અનેકવાર રડાવ્યા છે. કિલોના ભાવ રૃ. ૧૦૦ પહોંચ્યા બાદ ફરીથી ભાવ ૨૦ રૃપિયા પણ થઈ ગયા હતા. ડુંગળી બાદ ટામેટાનો વારો આવ્યો હતો. ૧૦ થી ૨૦ રૃપિયે કિલોના ટામેટા ૮૦ થી ૧૦૦ રૃપિયે મળતા થયા હતા. ટામેટાની સાથે લીંબુ, આદુ અને કોથમીરનાં ભાવો પણ રોકેટ ગતિથી વધી ગયા હતા. જોકે દેશમાં ચોમાસું સારુ જતાં ભાવો ફરીથી ઘટી ગયા હતા. આ ઘટેલા ભાવો થોડો સમય સુધી જ ટકેલ રહ્યા હતા. નવરાત્રીનાં તહેવારોની સીઝન સાથે જ ફરીથી ભાવો વધી ગયા છે.
અત્યારે રસોડામાં રોજબરોજ વપરાતા લીંબુ, ટામેટા, કોથમીર અને આદુના ભાવો ડબલ થઈ ગયા છે. ૧૦૦ થી ૧૨૦ રૃપિયે કિલોના ભાવથી તેનું વેચાણ થઈ રહ્યું છે. આદુ, ટામેટાની સરખામણીમાં સફરજન કે દાડમનાં ભાવો જરાય વધ્યા નથી. બન્ને ફળ ૮૦ થી ૧૦૦ રૃપિયે કિલો મળી રહે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન પણ ફ્રૂટનાં ભાવોમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી.
ક્યારેક કાંદા-બટાકા તો ક્યારેક લીંબુ-ટામેટાના ભાવો શા માટે એકાએક આસમાને પહોંચી જાય છે તેની ખબર લોકોને પડતી નથી. વધેલા ભાવને કારણે અનેક ઘરોમાં ટામેટા-આદુનો વપરાશ બંધ કે ઓછો કરી દેવાયો છે.

ભાવમાં કેટલો વધારો થયો ?

નામ                      જૂના ભાવ   નવા ભાવ
    
લીંબુ                     ૫૦થી ૬૦    ૧૦૦થી ૧૨૦

ટામેટા                    ૬૦થી ૮૦     ૮૦થી ૧૦૦
    
આદુ                      ૭૦થી ૮૦    ૧૦૦થી ૧૨૦
    

કોથમીર                ૮૦થી ૧૦૦    ૧૦૦થી ૧૨૦
    
પાલક-તાંદળજો      ૬૦થી ૮૦     ૧૦૦થી ૧૨૦