શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 19 જુલાઈ 2014 (12:59 IST)

શાક અને ફળોનાં ભાવોએ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને ખોટા પાડી દિધા

દેશમાં ફુગાવો વધવાની સાથે ભાવ પણ વધે તેવા અર્થતંત્રના મેજિકની બોલબોલા વચ્ચે ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં શાકભાજી અને ફળ-ફળાદિ અને દૂધના ઉત્પાદનમાં જંગી વધારા વચ્ચે પણ પુરવઠો વધે તે ભાવ ઘટે એવા સાદા સીધા અર્થશાસ્ત્રના સિદ્ધાંતને જાણે ખોટો પાડ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં શાકભાજી, ફળો અને દૂધના ભાવમાં ત્રણથી ચાર ગણો ભાવવધારો થયો છે.

રાજ્યના કૃષિ વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર બાગાયતી પાકોમાં હેકટર દીઠ ઉત્પાદનમાં થયેલા વધારાને પગલે ખેડૂતોનો બાગાયતી પાકો તરફનો ઝોક વધ્યો છે. દેશમાં છ ટકા જેટલા વિસ્તારમાં બાગાયતી પાકોનું વાવેતર થયા છે જ્યારે ગુજરાતમાં બાગાયતી ઉત્પાદનોમાં ૭ ટકાના હિસ્સા સાથે પાંચમું સ્થાન ધરાવે છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ચીકુ, પપૈયા, કેરી, જામફળ વગેરે ફળો તેમ જ ફૂલોનું વાવેતર ૧૨.૬૮ લાખ હેક્ટકરથી વધીને ૧૫.૦૩ લાખ હેક્ટરે પહોંચ્યું છે. આ ઉપરાંત વાવેતર વધવાની સાથે ઉત્પાદન પણ ૧૫૨.૭૪ લાખ મેટ્રિક ટનથી વધીને ૨૦૪.૫૫ લાખ ટન સુધી પહોંચ્યું છે. જેમાં હાલ ફળના પાકોનું ઉત્પાદન ૮૫ લાખ ટન અને શાકભાજીનું ઉત્પાદન ૧૦૫ ટન અને મસાલા અને ફૂલ પાકોનું ઉત્પાદન ૧૫ લાખ ટન સુધી પહોંચ્યું છે. આ ઉપરાંત દૂધના ઉત્પાદનમાં પણ વિક્રમી વધારો જોવા મળ્યો છે. સન. ૨૦૦૨માં રાજ્યનું દૂધનું ઉત્પાદન ૬૦.૮૯ લાખ મે.ટન હતું જે સન ૨૦૧૨ સુધીમાં ૬.૯૪ ટકાના વૃદ્ધિદર સાથે ૧૦૩.૧૫ લાખ ટન સુધી પહોંચી ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કેરી, ચીકુ, જામફળ, બોર, સીતાફળ, દાડમ સહિતના ફળો અને ફૂલો તેમ જ શાકભાજી અને દૂધના ઉત્પાદનમાં વિક્રમી ઉત્પાદનનો લાભ વપરાશકારોને મળી શકતો નથી કારણ કે ઉત્પાદન વધારા સાથે ભાવવધારો થતો રહ્યો છે.