શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 4 નવેમ્બર 2014 (14:44 IST)

સ્‍વાસ્‍થ્‍ય વિમાના ક્ષેત્રે ગુજરાત પ્રથમ પાંચ રાજયોમાં

જુદાજુદા રોગોની સારવાર સતત મોંઘી બની રહી છે, ત્‍યારે આવી સારવાર સરળતાંથી મળી રહે એ માટે લોકોમાં સ્‍વાસ્‍થ્‍ય વિમો લેવાનો ટ્રેન્‍ડ પણ સમગ્ર દેશમાં વધી રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લાં ચાર વર્ષમાં સ્‍વાસ્‍થ્‍ય વિમાના ક્ષેત્રે ૬૯ ટકાનો વધારો થયો છે અને ગુજરાતીઓએ ૨૦૧૨-૧૩ના વર્ષમાં સ્‍વાસ્‍થ્‍ય વિમાના પ્રિમિયમ પેટે રૂ. ૮૮૬ કરોડ ભર્યા છે. જેની સરખામણીએ ૨૦૦૯-૧૦માં ગુજરાતીઓએ રૂ. ૫૨૪.૨ કરોડ સ્‍વાસ્‍થ્‍ય વિમાના પ્રિમિયમ તરીકે ભર્યા હતાં.

   દેશના વિવિધ રાજયોમાં એસોચેમ દ્વારા કરવામાં આવેલા સર્વે પ્રમાણે મહારાષ્ટ્ર, તામિલનાડૂ, કર્ણાટક, વેસ્‍ટ બંગાલ અને ગુજરાત ટોપ ફાઇવ રાજયો છે, જેમણે મહત્તમ સ્‍વાસ્‍થ્‍ય વિમાના પ્રિમીયમ ચુકવ્‍યાં હોય. સમગ્ર દેશમાં સ્‍વાસ્‍થ્‍ય વિમા માટે લોકોએ ૧૫ હજાર કરોડ ભર્યા છે, જેમાં ચાર વર્ષમાં ૮૮ ટકાનો વધારો થયો હોવાનું સર્વેમાં જણાવાયું છે. જો કે, કેન્‍દ્ર સરકારે દરેક વ્‍યક્‍તિને લઘુત્તમ સ્‍વાસ્‍થ્‍ય વિમા હેઠળ આવરી લેવાની ભલામણ પણ સર્વેમાં કરાઇ છે અને એવું પણ જણાવાયું છે કે, સ્‍વાસ્‍થ્‍ય વિમા પરત્‍વે હજુ ઉદાસીનતા હોવાથી સરકારે લોકો સ્‍વાસ્‍થ્‌ વિમા લઇ રોગ-માંદગીમાં સારવાર લઇ શકે તેવી અસરકારક વ્‍યવસ્‍થા ગોઠવવી જોઇએ.

   અલબત્ત, સ્‍વાસ્‍થ્‍ય વિમાનું માર્કેટ દિવસેને દિવસે વધી રહ્યું છે અને ૨૦૧૬-૧૭ સુધીમાં એ રૂ. ૩૨ હજાર કરોડ સુધી પહોંચવાનો અંદાજ પણ સર્વેમાં લગાવાયો છે. સર્વેના તારણમાં દર્શાવવામાં આવ્‍યું છે કે, ‘મોંઘી બનતી સ્‍વાસ્‍થ્‍ય સેવાઓ, નવા-નવા રોગોનું ભારણ, સ્‍વાસ્‍થ્‍ય સંબંધી જોખમો અને ખર્ચાળ સારવારના લીધે વધુમાં વધુ લોકો સ્‍વાસ્‍થ્‍ય વિમો ઉતરાવતાં થયાં છે. જેના લીધે આ ક્ષેત્રે વાર્ષિક ૨૦ ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે.' જો કે, દેશની બહોળી પ્રજા કે જે નિમ્‍ન વર્ગમાંથી આવે છે, તેને પણ સ્‍વાસ્‍થ્‍ય વિમા મળી રહે તેવી વ્‍યવસ્‍થા ખાનગી કંપનીઓ કરે એ માટે ઇન્‍સ્‍યોરન્‍સ રેગ્‍યુલેટરી ડેવલપમેન્‍ટ ઓથોરિટી પ્રયત્‍નો કરે, એવી ભલામણ સર્વે અંતર્ગત કરવામાં આવી છે.

   ખાનગી કંપનીઓએ માત્ર શહેરના ઉચ્‍ચ કે મધ્‍યમ વર્ગની સાથે સાથે ગ્રામ્‍ય પ્રજાને પણ સ્‍વાસ્‍થ્‍ય વિમા અંતર્ગત આવરી લેવા પ્રયત્‍નશીલ બનવું પડશે, તેમ પણ સર્વેમાં જણાવાયું છે.