શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 24 જુલાઈ 2016 (10:03 IST)

પાર્ટી કે હોટલમાં જમવાની શિખવા-જાણવા જેવી બાબતો

નવા વર્ષે દુનિયાના દરેક દેશમાં લોકો પોતપોતાની રીતે ઍન્જોય કરતા હોય છે. હવે ઘરે પાર્ટી રાખવાને બદલે હૉટેલોમાં પાર્ટી રાખવાનું ચલણ વધતું જાય છે. આ પાછળનું કારણ કદાચ એવું હોઈ શકે કે ઘરે પાર્ટી એરેન્જ કરી હોય તો યજમાન થાકી જાય. મહેમાનોની આગતાસ્વાગતા સારી રીતે ન કરી શકે. એટલે હૉટલમાં પાર્ટી રાખવામાં આવે છે. દેશ કોઈપણ હોય લોકોની પોતીકી વાનગી હોય છે. એ આરોગવાની રીત હોય છે. આપણાં દેશમાં ઘણાં હૉટલમાં જાય ત્યારે ય શિસ્ત જાળવતા નથી હોતા. વેઈટરને મોટેથી બોલાવવો, ટૅબલ સ્વચ્છ ન હોય તો કચકચ કરવી, હૉટલનો ડાઈનિંગ રૂમ ફૂલ હોય તો બહાર રાહ ન જોવી વગેરે વગેરે વર્તણૂક હવે ચલાવી લેવામાં નથી આવતી.

યુકેમાં આમંત્રિત મહેમાનો આવી જાય, તેઓ યોગ્ય સ્થાને ગોઠવાય નહીં ત્યાં સુધી યજમાન પોતાના સ્થાને બેસતા નથી. મહેમાન આવીને પોતાના સ્થાને ગોઠવાઈ ગયા પછી ટેબલ પર ગોઠવવામાં આવેલી પ્લેટ અને બાજુમાં ફોર્ક અને ચમચો હોય છે. ખુરશી પર નેપ્કિન પણ હોય છે. ફેમિલી સાથે પાર્ટીમાં ગયા હો તો પહેલાં પત્ની અને બાળકોને કમ્ફર્ટેબલ જગ્યાએ બેસાડો ત્યારપછી તમે પોતે બેસો. ગડી વાળેલો નેપ્કિન ખોલીને ખોળામાં પાથરો.

બધાને વાનગી પીરસાઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. ડાબા હાથે ફોર્ક અને જમણા હાથમાં નાઈફ રાખો. નાઈફ વડે વાનગીના કટકા કરી ફોર્કથી ખાવ. નાઈફનો ઉપયોગ કરવાનો ન હોય એવી વાનગી ફોર્ક અથવા ચમચી વડે હળવેથી લઈને ખાવી જોઈએ. સૂપ પીવાની એક સ્ટાઈલ છે. ચમચી જમણા હાથમાં રાખીને સૂપ બાઉલ જરા ખસેડીને ધીરે ધીરે પીઓ. ખાતી વખતે નાઈફ મોંમાં જવું ન જોઈએ. કોળિયો લીધા પછી મોં બંધ રાખીને ચાવો. ખાતી વખતે વાત કરવાનું અસંસ્કારી ગણાય છે. ખાતી વખતે આંગળા પર ખોરાક પડે તો ઘણાંને આંગળા ચાટવાની ટેવ હોય છે. આમ કરવાનું પણ ખોટું છે. આંગળા પર કંઈ પડે તો ટિશ્યુથી લૂંછી નાખો. તમારી સાથે જમવા બેઠેલી વ્યક્તિઓ કરતાં વધુ ઝડપે કે ધીરે ધીરે ખાવાને બદલે યોગ્ય ટાઈમ એડજસ્ટ કરો.

વાઈન પાર્ટીમાં રેડ, વાઈટ અને સ્પાર્કલિંગ દાંડીવાળા ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે. પાર્ટીમાં અન્યો સાથે હોવ ત્યારે તમારું પોતાનું ડ્રિન્ક ગ્લાસમાં રેડતાં પહેલાં બીજાને ડ્રિન્ક સર્વ કર્યા પછી પોતાના ગ્લાસમાં ડ્રિન્ક રેડો. સમૂહમાં હો ત્યારે સર્વિંગ પ્લેટમાં રાખેલી વાનગી બીજાને જોઈતી હોય તો ડાબા હાથે પાસ કરો. ઘણાંને ભાવતી વાનગી સબડકા લઈને આરોગવાની ટેવ હોય છે. આવું કરવાનું અશોભનીય છે. જમી લીધા પછી ખાલી પ્લેટમાં ડાબી બાજુ ફોર્ક રાખો જમણી બાજુ નાઈફ કે ચમચો રાખી દો. નેપ્કિન જરા ખુલ્લો કરી ટેબલ પર રાખો. ઘણીવાર નાનાં બાળકો સાથે હોય તો મિલ કે ડિનર પૂરું થયા પછી યજમાનને મળીને તેમની રજા લઈ હૉટેલ છોડો. ભોજન કરતા હો ત્યારે અચાનક મોબાઈલ રણકે કે ટેક્સ મેસેજ આવે તો જોવાને બદલે દુર્લક્ષ કરો. એનાં કરતાં જમતી વખતે ફોન સ્વિચ ઑફ રાખવાનું સારું પડે. એવું પણ બને કે કોઈ ફોન અર્જન્ટ હોય વાત કર્યા સિવાય ચાલે તેમ ન હોય તો યજમાનની પરવાનગી લઈને ડિનરરૂમની બહાર જઈને ધીરેથી જરૂરી વાત કરી અથવા મેસેજ જોઈને પાછા આવી શકો.

અમેરિકામાં ડિનર વખતની મોડર્ન એટિકેટ બાળકોને શિખવાડવામાં આવે છે. ભાજન વખતે જરૂરી પ્લેટ બાઉલ વગેરે મળીને કુલ ત્રણ જ વસ્તુ પ્લેટની બંને બાજુએ રાખવામાં આવે છે. શરૂઆતમાં સૂપ વગેરે પીવાઈ ગયા પછી બાઉલ ઉઠાવીને તેની જગ્યાએ પ્લેટ ગોઠવવામાં આવે છે. ફોર્મલ ડિનર માટે દસ બાય દસના નેપ્કિનનો ઉપયોગ કરવામાં આવે છે. સવારે બ્રેકફાસ્ટ હોય કે બપોરનું લંચ હોય કે પછી ડિનર કે રાતે સપર હોય એ દરેક વખતે ખાસ મેનર્સ બાળકોને શિખવાડવામાં આવે છે. પુરુષો જમતી વખતે હૅટ નથી પહેરતા. કોઈ વાનગી ન ભાવે કે તીખી લાગે તો મોં આગળ ટિશ્યુ રાખીને તેમાં કાઢી નાખીને ટિશ્યુ વાળીને ડસ્ટબિનમાં નાખવું જોઈએ. યુરોપિયન કોન્ટિનેન્ટલ સ્ટાઈલમાં ફોર્ક હંમેશાં ડાબા હાથમાં રાખવો અને વાનગી લેતી વખતે જમણા હાથે ફોર્કથી લેવાની એટિકેટ પ્રચલિત છે.

ભારતીય પદ્ધતિ :

આપણા દેશમાં પહેલાં નાતના સમૂહ ભોજન વખતે બે પાટલા સામસામે રાખવામાં આવતા હતા. એક પર મહેમાન બિરાજે. બીજા પાટલા પર થાળી વાટકા રાખવામાં આવતાં. પીરસણિયા વાનગી ભરેલાં વાસણો લઈને એક પછી એક વાનગી થાળીમાં પીરસતા જતા. બધી વાનગી પીરસાઈ ગયા પછી યજમાન કે નાતના આગેવાન બધાંને ભોજન શરૂ કરવાનું જણાવતા. ત્યારે પણ યજમાન અથવા વયોવૃદ્ધ વ્યક્તિ ખાઈ ન લે ત્યાં સુધી કોઈ પોતાની જગ્યા છોડતું નહોતું. એટલી શિસ્ત તે વખતે હતી. પોતે ભોજન પૂરું કરી લીધા પછી પાટલા પરથી ઊઠી જનાર બીજાની નજરમાં અસભ્ય ગણાતો હતો.

આપણા દેશમાં ભોજન પીરસવાની પારંપરિક પદ્ધતિ એવી છે કે પહેલાં થાળી કે પ્લેટમાં ઓછા પ્રમાણમાં વાનગી પીરસવામાં આવે છે. બધાને પીરસાઈ ગયા પછી યજમાન મંત્રોચ્ચાર કરીને મહેમાનોને જમવાનું શરૂ કરવાનું કહે. મહેમાનો થાળી કે પ્લેટની જરા નજીક ‘ચિત્રાહુતિ’ આપે. અને હથેળીમાં રાખેલા જળનું આચમન કરે. સામાન્ય રીતે મહિલાઓ ભોજનની વાનગી પીરસે છે. યજમાન મહેમાનોને મીઠાઈ આરોગવાનો અને અન્ય વાનગી આરોગવાનો આગ્રહ કરે. તે એવું ન કરે તો અવિવેક ગણાય. બધાં જમી લે પછી પોતપોતાની જગ્યાએથી ઊઠીને હાથ મોં ધુએ. ત્યારપછી પાન સોપારી કે મુખવાસ આપવામાં આવે. આજકાલ જાતજાતના ફ્લેવર્ડ વાળા મુખવાસ તૈયાર મળે છે.

ભોજન કરતાં પહેલાં હાથને સ્વચ્છ પાણીથી ધોવાનો નિયમ અચૂક પાળવો પડે છે. આપણા દેશમાં અનાજને દેવતારૂપ લેખવાની પરંપરા ચાલી આવતી હોવાથી દરેક જમતી વખતે એ વાતનું ધ્યાન રાખે કે થાળી કે પ્લેટમાં એઠી વાનગી પડી ન રહે. જો એમ થાય તો અન્નનું અપમાન થયું ગણાય. પારંપરિક પદ્ધતિ એવી છે કે વાનગી સાથે થાળી કે પ્લેટમાં બાજુએ થોડું મીઠું (નમક) રાખવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના રસરુચિ પ્રમાણે વાનગીમાં મીઠું મિક્સ કરી શકે. ખાતી વખતે મધ્યમ ઝડપે ખાવાનો નિયમ છે. ધારો કે હેડકી આવે તો તરત પાણીનો ઘૂંટ પીવો જોઈએ. ઝડપથી ખાવાની રીત ખરાબ ગણાય છે. જમતી વખતે પોતાની પ્લેટ પર જ નજર હોવી જોઈએ. બાજુમાં બેસેલી વ્યક્તિની પ્લેટ પર નજર પડે એને અશિસ્ત ગણવામાં આવે છે. વાનગીનો કોળિયો મોંમાં રાખ્યા પછી મોં બંધ રાખીને ધીમે ધીમે ચાવવું જોઈએ. આપણા દેશની કેટલીક વાનગી એવી હોય છે કે ખાતી વખતે અવાજ થવાનો સંભવ રહે છે. દા.ત. પાપડ ખાતી વખતે એક ટુકડો તોડીને ધીમેથી મોમાં મૂકી મોં બંધ કરીને ચાવો. બાળકોને પાપડ બહુ પ્રિય હોય છે એટલે તેમને બચપણથી પાપડના ટુકડા કરતાં શીખવીને પછી તે ધીરે ધીરે કઈ રીતે ખાવો તે શીખવો. આ અને આવી બધી ઝીણી ઝીણી રીતનું ધ્યાન રાખશો તો કોઈની હાંસીના પાત્ર નહીં બનો. ઘરમાં પણ વડીલો સાથે જમતા હો ત્યારે એકબીજા સાથે વાતો અને મજાક કરવાનું બને ત્યાં સુધી ટાળવું રહ્યું. આ પાછળનું કારણ એવું છે કે ખાતા ખાતા બોલવાની ટેવ હોય તો ઘણીવાર અનાજનો કણ શ્વાસનળીમાં જતો રહે તો અંતરસ આવ્યા વિના રહેતો નથી. એનાં કરતાં મૌન રહીને ભોજન કરવાનું સારું છે.