World thalassemia Day 2024 - પતિ કે પત્ની થેલેસેમિયાગ્રસ્ત હોય તો બાળકને થવાનું જોખમ વધારે
World thalassemia Day 2023: ભારતમા દર વર્ષે ૧૦ હજાર બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. સામાન્ય રીતે થેલેસેમિયા મેજરના શરીરમાં લોહીની ઉણપને પગલે દર બે સપ્તાહના અંતરે નિયમિત લોહી ચઢાવવું પડે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વાર્ષિક અંદાજે ૧૫થી ૬૦ બોટલ લોહીની જરૃર પડતી હોય છે. થેલેસેમિયા અંગે લોકજાગૃતિ આવે તે માટે દર વર્ષે ૮ મેની ઉજવણી આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ તરીકે કરવામાં આવે છે.
ડોક્ટરોના મતે થેલેસેમિયા માઈનર એક રોગ નહિ પણ રંગસૂત્રોની વિકૃતિ છે, જ્યારે થેલેસેમિયા મેજર એક જીવલેણ રોગ છે. થેલેસેમિયા મેજરગ્રસ્ત વ્યક્તિ એનીમિયા જેવી અનેક ગંભીર સમસ્યાઓથી પીડિત હોય છે. જો પતિ-પત્ની બંને થેલેસેમિયા માઈનર હોય તો તેમના સંતાન થેલેસેમિયા મેજર હોવાની શક્યતાઓ ૨૫ ટકા જેટલી હોય છે. આ ઉપરાંત પતિ-પત્ની બંનેમાંથી કોઈ એક થેલેસેમિયા મેજર હોય તો પણ બાળક થેલેસેમિયા મેજર જન્મે તેની શક્યતાઓ વધી જાય છે. માતા-પિતામાંથી કોઈ એકના રંગસૂત્રોમાં રહેલી ખામી કે વિકૃતિ બાળકમાં આવે ત્યારે તે થેલેસેમિયા માઈનરનો શિકાર બને છે. જ્યારે માતા-પિતા બંનેના રંગસૂત્રોમાં રહેલી ખામી કે વિકૃતિ બાળકમાં આવે ત્યારે તે થેલેસેમિયા મેજરનો શિકાર બને છે. થેલેસેમિયા માઈનરના રંગસૂત્રોમાં ખામી કે વિકૃતિ હોય છે, પણ તેમાં કોઈ વિકાર ન હોવાથી સામાન્યતઃ તેઓ સ્વસ્થ અને લક્ષણ મુક્ત હોય છે. એટલે કે, બહારથી તંદુરસ્ત દેખાતો કોઇપણ વ્યક્તિ થેલેસેમિયા માઈનર હોઈ શકે છે.
ભારતમાં ૧૦ માંથી ૮ લોકોને તો ખબર પણ નથી હોતી કે તેઓ થેલેસેમિયા કેરિયર છે. એટલા માટે જ થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવો એ કોઇપણ વ્યક્તિના જીવન અને તેના પરિવારના ભવિષ્ય માટે સૌથી અગત્યનો નિર્ણય હોય છે.