શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 4 માર્ચ 2014 (11:45 IST)

કેટલાય હઠીલા અને અસાધ્ય રોગો વ્યક્તિના પોતાના જ એડલ્ટ સ્ટેમ સેલમાંથી મટાડી શકાય

P.R
ડાયાબીટીસ શું ખરેખર અસાધ્ય રોગ છે ? મગજના જ્ઞાનતંતુઓના ગંભીર રોગો મટી નથી શકતા ? સ્પાઇનલ કોડ અને સ્પોર્ટસ ઇન્જયુરી કાયમ માટે પીછો નથી છોડતી ? માથાના વાળ કુદરતી રીતે ફરીથી મોટા જથ્થામાં નથી જ ઉગતા ? કે પછી સાયન્સ ફીકશનમાં આવતી 'એન્ટી એજીંગ' અર્થાત્, ઉંમરને તંદુરસ્ત મોડ પર ટકાવી રાખવાની કલ્પના માત્ર કલ્પના જ છે ? અસ્થમા, ઢીંચણના સાંધા કે ફેફસાના રોગોની સારવાર કોઈ જ દવા કે સર્જરી વગર શક્ય નથી ? હૃદયને ફરીથી, કોઈ જ વાઢકાપ વિના તંદુરસ્ત બનાવી શકાય છે ? ચામડી, આંતરડા અને લીવરના હઠીલા રોગોને દૂર કરી શકાય છે ? કીડની અને આંખોના રોગો દવા વિના મટે ?

અને આ બધું જ, કોઈ દવા વિના અને પરવડે તેવી કિંમતે, વ્યક્તિના પોતાના જ એડલ્ટ સ્ટેમ સેલમાંથી શક્ય બને ? બધી જ નેગેટીવ વાતોનો પોઝીટીવ જવાબ મળે ? જો આપણે અમેરિકાની અગ્રણી જીઓસ્ટાર સ્ટેમસેલ ટ્રીટમેન્ટ ઇન્સ્ટીટયુટના સ્થાપક અગ્રણી સ્ટેમસેલ ટ્રીટમેન્ટ નિષ્ણાત, યુનિવર્સિટી ઓફ સેન ડીએગો અને કેલીફોર્નિયાની રિસર્ચ ઇન્સ્ટીટયુટના અગ્રણી તથા સાલ્ક અને બર્નસ જેવી નામાંકિત સંસ્થાઓ સાથે તો આ બધી વાતો જ નહીં, ઉદાહરણો અને પરિણામો પણ પોઝીટીવ જ મળે.

સ્ટેમસેલ બાયોલોજી, પ્રોટીન બાયોલોજી, મોલીકયુલર બાયોલોજી, ઇમ્યુનોલોજી, ઇન યુટ્રો સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટેશન, ટીસ્યુ ટારગેટીંગ અને ક્લીનીકલ રિસર્ચ, જીન થેરાપી વગેરે ક્ષેત્રે વિશ્વભરમાં અગ્રણી અને અમેરિકા, જાપાન સહિતની અનેક રિસર્ચ ઇન્સ્ટીટયુટસ દ્વારા સન્માનિત ડૉ. હમણાં થોડા દિવસ અમદાવાદમાં છે. જે દરમિયાન એક વિસ્તૃત મુલાકાતમાં વિવિધ પ્રશ્નોના જવાબમાં તેમણે એમ્બ્રીઓનીક સેલ્સથી એડલ્ટ સેલ્સ, વિવિધ રોગોની સારવારમાં હવે એડલ્ટ સેલ્સના ચમત્કારિક પરિણામો અને ભવિષ્યની શકયતાઓ, બદલાઇ જનારી સારવાર પધ્ધતિ વગેરે વિશે વિસ્તારપૂર્વક વાત કરતાં કહ્યું, 'રોગોથી પીડાતા એવા દર્દીઓ કે જેમની પરંપરાગત સારવાર શક્ય નથી ત્યાંથી માંડીને કોઈ જ સાઈડ ઇફેક્ટસ વગર બીજા કેટલાક રોગોની સારવાર પણ ઓટોલોગસ ટ્રીટમેન્ટથી શકય છે. જેમાં વ્યકિતના શરીરમાંથી માત્ર ૩૦ મીલી જેટલું લોહી લઈ, તેમાંથી અત્યંત આધુનિક એવા 'ફલો એનાલીસીસ સેલ્સ સોર્ટીંગ' મશીન દ્વારા તંદુરસ્ત કોષોને અલગ પાડી, લેબોરેટરીમાં તેને વિકસાવી માત્ર બીજા કે ત્રીજા દિવસે તે વ્યકિતના શરીરમાં પુનઃ ઇમ્પ્લાન્ટ કરીને થોડા જ દિવસમાં સારા પરિણામ મેળવી શકાય છે. રોગની ગંભીરતા બહુ ન હોય તો એક જ વખત આ તંદુરસ્ત કોષો ઇમ્પ્લાન્ટ કરવા પડે છે અને ગંભીર હોય તો ત્રણ થી ચાર વખત આ પ્રક્રિયા કરવી પડે છે. જેમાં કોઇ સર્જરી નથી, માત્ર ઇન્જેકશનથી જ તે અપાય છે. જૂજ કેસમાં, વધુ ગંભીર સ્થિતિમાં બ્રેઇન હોય તો સ્પાઇનલ કોડમાં ઇન્જેકશન અપાય છે.

શરીરના દરેક ડીફેકટેડ ભાગમાંથી મદદના ઇલેકટ્રોનિક સીગ્નલ્સ આવતા જ હોય છે અને આ નવા તંદુરસ્ત સેલ્સ આવા ભાગોમાં આપમેળે પહોંચી જઈને તે ભાગોનું રીપેરીંગ અથવા તો ખરાબ સેલ્સનું રીપ્લેસમેન્ટ શરુ કરી દે છે. અત્યારે વિશ્વભરમાં ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા ઘણી મોટી છે જેમાં ટાઇપ-૨માં આ થેરાપી આશિર્વાદરૃપ છે જેમાં પેન્ક્રીઆસને પુનઃ અસરકારક બનાવી શકાય છે. ટાઇપ-વન ડાયાબીટીસમાં પણ આ થેરાપીના પરિણામો મળવા માંડયા છે. અમેરિકામાં એડલ્ટ સ્ટેમસેલ પ્રક્રિયાથી મારી ઇન્સ્ટીટયુટમાં વિવિધ રોગોના ૫ હજાર દર્દીઓ તેમજ માત્ર ૨ વર્ષમાં અઢીસો દર્દીઓની સારવાર થઇ ચૂકી છે. અમેરિકામાં ૫૦ લાખ રૃ. જેટલા ખર્ચની સામે અહીં ૫૦ હજારથી માંડીને સાડા ત્રણ લાખ રૃપિયા સુધીમાં આ સારવાર થઈ શકે છે. આ ઉપરાંત સુરત ખાતે ગુજરાત સરકાર સાથે મળીને આ માટેની બીજી એક મોટી ઇન્સ્ટીટયુટ થઇ રહી છે.'
ડૉ. એમ્બ્રીઓનીક અને એડલ્ટ સ્ટેમસેલ વચ્ચેના મૂળભૂત તફાવતને સ્પષ્ટ કરતાં કહે છે, 'આપણા શરીર પર બહારથી બેકટેરીયા કે વાઇરસનો હુમલો થાય તો ઇમ્યુન સીસ્ટમ તેની સામે લડે છે, પરંતુ અંદરથી જ, અર્થાત્ જીન મ્યુટેશન થાય તો ? તો સારા જીનનો વિકલ્પ આપી ખરાબ જીનને દૂર કરી શકાય. એને માટે સ્ટેમસેલ થેરાપી છે. એમ્બ્રીઓનીક સેલ આઇવીએફમાં ભુ્રણ વિકસાવ્યા પછી વધારાના સેલ્સમાંથી મેળવાય છે જેની સામે ખોટા એથીકલ મુદ્દા ઉભા થયા હતા. કારણ કે, એ ભુ્રણ હત્યા નહોતી જ. ભુ્રણ ફલિત થયા પછી વધારાના એમ્બ્રીઓ સેલ્સમાંથી તે મેળવાતા હતા અને તે પણ પેરન્ટસની મંજૂરીથી જ. આજે અમેરિકન સરકાર જ અમને એમ્બ્રીઓનીક સેલ્સ આપે છે રિસર્ચ માટે અને અમે રેડ બ્લડ સેલ્સ પણ બનાવીને દુનિયાને બતાવ્યા, જે પૂરી દુનિયામાં ક્રીટીકલ કેરમાં બ્લડની શોર્ટે જ પૂરી કરી શકે છે. આ બ્લડનું ગુ્રપ ઓ નેગેટીવ જ હોવાથી બધાને આપી શકાય છે. એક એચઆઇવી પેશન્ટની પૂરી ઇમ્યુન સીસ્ટમ રેડીએશનથી ખતમ કરી અને તરત જ એની જગ્યાએ સારા બ્લડ સેલ્સ ગોઠવતાં તે ક્યોર થઇ ગયો. બ્રેઇન ડેમેજમાં એક કેસમાં ૫૦,૦૦૦ સેલ્સ ફલોરેસન્ટ ઉમેરીને નાખ્યા અને થોડા જ દિવસમાં ક્ષતિગ્રસ્ત કાળા ભાગની જગ્યાએ તંદુરસ્ત સેલ્સ ગોઠવાઈ ગયા, જે ફલોરેસન્ટને લીધે સ્કેનમાં ફરક દેખાયો.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જયોર્જ બુશ જુનિયરના સમયમાં સ્ટેમસેલનો કેટલોક એથીકલ વિરોધ થયેલો, પરંતુ આજે તેઓ પોતે ક્રોન ડીઝીઝથી પીડાય છે જેમાં આંતરડા બધી જ વસ્તુને દુશ્મન બનીને બહાર ફેંકવા માંડે છે. એમની સારવાર હવે સ્ટેમસેલથી શક્ય છે. જો કે, એમ્બ્રીઓનીક સેલ્સની હવે જરુર નથી, કારણ કે વ્યકિતના પોતાના એડલ્ટ સેલ્સ આ ડેમેજ રીપેર કરવા માટે કાફી છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રેગન એલ્ઝાઇમરથી પીડાતા હતા ત્યારે તેમના પત્ની નેન્સી રેગન આ સારવારમાં બહુ રસ લેતા હતા, પરંતુ દુર્ભાગ્યે એ વખતે બહુ વિકાસ થયો ન હોવાથી એમને આપી શકાઇ ન હતી. જયારે અત્યારે કેલીફોર્નિયાના ગવર્નર અને હોલીવૂડ એકટર આર્નોલ્ડ સ્વાર્ઝનેગરે ૩ બીલીયન ડોલર ખર્ચીને કેલીફોર્નિયા ઇન્સ્ટીટયુટ ઓફ રીજનરેટીવ મેડીસીન બનાવી છે. હું ખાતરીથી કહું છું કે હવે દવા વિનાની સફળ સારવાર પધ્ધતિ ઉભી થઇ ગઇ છે, જેમાં મૂળમાંથી જ રોગ દૂર થઇ જશે.'