Nepal Gen-Z Protest નેપાળના વડા પ્રધાન પદ છોડવા તૈયાર, કેપી ઓલીએ હિંસક વિરોધ પ્રદર્શનો પર આપ્યું મોટું નિવેદન
૮ સપ્ટેમ્બરના રોજ, નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકવા સામે લોકોએ હિંસક વિરોધ કર્યો હતો. નૈતિક જવાબદારી લેતા ગૃહમંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. મોડી રાત્રે, પીએમ કેપી શર્મા ઓલીએ પણ રાજીનામું આપવાની ધમકી આપી હતી
નેપાળમાં 'Gen-Z ' ના હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ ઓલીએ દેશમાં સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ રાજીનામું આપશે પણ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવશે નહીં. કેબિનેટની બેઠક પછી પીએમ ઓલીએ આ નિવેદન આપ્યું હતું. ઓલીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ 'જનરલ-ઝેડ ઉગ્રવાદીઓ' સામે ઝૂકશે નહીં. જોકે, પીએમ ઓલીના નિવેદનના થોડા સમય પહેલા, નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે નૈતિક જવાબદારી લેતા રાજીનામું આપી દીધું છે. હિંસક વિરોધ પ્રદર્શનોમાં, લોકો સતત વડા પ્રધાન કેપી શર્મા ઓલીના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
૧૯ લોકોના મોત, ૩૦૦ થી વધુ ઘાયલ
નેપાળ સરકારના આરોગ્ય મંત્રાલયે સત્તાવાર યાદી જાહેર કરી છે જેમાં કાઠમંડુમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામે હિંસક વિરોધ પ્રદર્શન અને અથડામણો પછી ૧૯ લોકોના મોત અને ૩૪૭ ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે.