રવિવાર, 28 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 21 જૂન 2023 (09:07 IST)

PM Modi US Visit : શું ભારત અને અમેરિકા ઘણાં નજીક આવી ગયાં છે?

modi biden
modi biden
શું ભારત અને અમેરિકા ઘણાં નજીક આવી ગયાં છે?
 
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને અમેરિકા પહોંચશે. અમેરિકા અને ભારત વચ્ચે પાછલાં કેટલાંક વર્ષોથી સંબંધોને મજબૂત કરવાની દિશામાં પ્રયાસના ભાગરૂપે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરશે. એમરિકાની કૉંગ્રેસની કમિટીએ કહ્યું છે કે અમેરિકાએ ભારત નેટોનું સભ્ય બને તે વિશે પૂછવું જોઈએ. નેટો એ પશ્ચિમી દેશોનું સંરક્ષણ સમૂહ છે. અને જો ભારત જોડાય તો એને 'નેટો પ્લસ' સમૂહ કહેવામાં આવશે.
 
જોકે, ભારત કદાચ અમેરિકા અને પશ્ચિમની સાથે આ જોડાણ કરવાથી દૂર રહી શકે છે.
 
ભારત અને અમેરિકાના પહેલાંના સંબંધો કેવા હતા?
 
1947માં આઝાદી મળી ત્યારબાદ ભારતે અમેરિકા પાસે હથિયારને લઈને હાથ લંબાવ્યો. દેશના પહેલાં વડા પ્રધાન જવાહરલાલ નહેરૂના નેતૃત્વમાં સોવિયેત સંઘ વિરુદ્ધ શીત યુદ્ધ દરમિયાન અમેરિકાને પીઠબળ આપવાની ભારતે ના પાડી. વર્ષ 1961માં, તેમણે ભારતને અસંગઠિત ચળવળ કે જે વિકાસી રહેલા દેશોનું એક તટસ્થ સમૂહ હતું તેમાં સામેલ કર્યું.
 
લંડનસ્થિત વિદેશી બાબતોના થિંક ટૅન્ક એવા ચેથેમ હાઉસના ડૉ. જેમી શે જણાવે છે કે, "બ્રિટિશ શાસનનો સામનો કર્યા બાદ હવે ભારત નહોતું ઇચ્છતું કે અમેરિકા જેવી અન્ય કોઈ પશ્ચિમી શક્તિ તેમના પર રાજ કરે.”
 
ભારત અમેરિકા પાસેથી હથિયાર ખરીદતું હતું, પરંતુ વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ બાદ, અમેરિકાએ એક પણ હથિયાર મોકલવાની ના પાડી હતી. ભારતે પછી રશિયા તરફ વળ્યું.
 
હાલના દિવસોમાં, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સ્ટ્રેટજિક સ્ટડીઝ (આઈઆઈએસએસ) પ્રમાણે, ભારતનાં 90 ટકા હથિયારબંધ વાહનો, 69 ટકા કૉમ્બેટ ઍરક્રાફ્ટ અને 44 ટકા યુદ્ધજહાજો અને સબમરીન રશિયામાં બનેલાં છે.
 
હાલનાં વર્ષોમાં, જોકે, ભારતે અમેરિકા સાથે અમુક સુરક્ષા સમજૂતીઓ કરી છે, અને અમેરિકામાં બનેલાં હથિયારોની ખરીદી વધારી છે.
 
જોકે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની વર્ષ 2020ના ભારત પ્રવાસ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મૂકવામાં આવેલ ફ્રી ટ્રેડની સમજૂતી સાથે સહમત નહોતા થયા.
 
અને આ દરમિયાન, ભારતે અન્ય મહત્ત્વની સત્તાઓ સાથે મિત્રતા જાળવી રાખી છે.
 
યુક્રેન પર આક્રમણ કરતા રશિયાની ટીકા કરવાની પણ ભારતે ના પાડી દીધી અને સતત રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું ચાલું રાખ્યું, જ્યારે પશ્ચિમી દેશોએ મૉસ્કો ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.
 
ચીન સાથે પણ વેપાર ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે અને ચીન ભારતના ટોચના વેપારી ભાગીદાર તરીકે અમેરિકા સાથે સ્પર્ધા કરે છે.
 
આઈઆઈએસએસમાં દક્ષિણ એશિયાના વિશ્લેષક વિરાજ સોલંકી કહે છે, "ભારત અલગઅલગ સત્તા સાથે અલગઅલગ મુદ્દાઓ માટે જોડાણ કરે છે, પરંતુ કોઈપણ સાથે ગઠબંધન કરવાની ખાતરી નથી આપતું."
 
ભારતે અમેરિકા સાથે કઈ રીતે સંબંધો મજબૂત કર્યા?
વર્ષ 2016માં ભારત અને અમેરિકા વચ્ચે સુરક્ષાને લગતી ચાર સમજૂતી થઈ હતી. વર્ષ 2000થી લઈને 2021 સુધીમાં, ભારતે અમેરિકાના મૅન્યુફૅક્ચરર પાસેથી 21 અબજ ડૉલરના સૈન્યને લગતા હાર્ડવેર ખરીદ્યાં હતાં.
 
ક્વૉડના નામે પ્રખ્યાત એવા અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા સાથેના સમૂહમાં ભારત પણ જોડાયું.
 
વિરાજ સોલંકી કહે છે કે દેખીતી રીતે, ક્વૉડ વેપાર અને હિંદ અને પેસિફિક મહાસાગરોમાં દરિયાઈ માર્ગોની સુરક્ષા સાથે સંબંધિત છે, પરંતુ તેનો આંતરિક ઉદ્દેશ ચીનને રોકવાનો છે.
 
વિરાજ સોલંકી ઉમેરે છે કે, "ભારત એ વાતથી સતત ચિંતિત છે કે દક્ષિણ એશિયા અને હિંદ મહાસાગરમાં ચીનની હાજરી વધી રહી છે, અને અમેરિકા ચીનના વૈશ્વિક વિસ્તારથી થતા પ્રભાવને રોકવા તરફ જોઈ રહ્યું છે."
 
ભારત અમેરિકાના સંબંધો કયા પ્રકારના છે?
 
ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદના લીધે સંબંધો પ્રભાવિત થયા છે.
 
ભારતના પૂર્વમાં અરૂણાચલ પ્રદેશના વિસ્તાર ઉપર ચીન પોતાનો દાવો કરે છે.
 
ચીન સાથેની ઉત્તર-પશ્ચિમ સીમા ઉપર ભારત અક્સાઇ ચીન વિસ્તાર પર પોતાનો દાવો કરે છે.
 
બન્ને દેશે વર્ષ 1962માં આ જ વિસ્તારોમાં યુદ્ધ કર્યું હતું, અને 1967,2013,2017 અને 2020માં અહીં સીમા વિવાદ થયો હતો.
 
ચીન સાથેના ભવિષ્યના તણાવને જોતાં હવે ભારત પોતાની સેનાને આધુનિક બનાવી રહ્યું છે અને સ્થાનિક સંરક્ષણઉદ્યોગને પ્રોત્સાહન આપી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતનો સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગ વર્ષ 2025 સુધીમાં 25 અબજ ડૉલરનો થઈ જશે.
 
ભારત અને ચીન વચ્ચેની દુશ્મનીની અસર હવે અન્ય ક્ષેત્રોમાં પણ જોવા મળે છે.
 
ભારતે બૅલ્ટ અને રોડ ઇનિશિએટિવ સાથે જોડાવાની ના પાડી દીધી હતી. ચીનના આ પ્રોજેક્ટ હેઠળ વિશ્વમાં નવા પોર્ટ અને ટ્રાન્સપોર્ટ લિંક બાંધવાની યોજના છે જેથી વધુ માલસામાની નિકાસ થઈ શકે.
 
ભારતે ચીનની સોશિયલ મીડિયા ઍપ ટિકટૉક ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો.
 
જોકે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એપ્રિલમાં અનૌપચારિક રીતે ચીનમાં મળ્યા હતા, એ દર્શાવે છે કે તેઓ સંબંધો સુધારવા માગે છે.
 
ભારત શું નેટોનું સભ્ય થશે?
 
જૂનની શરૂઆતમાં અમેરિકાની કૉંગ્રેસની કમિટીએ ભલામણ કરી હતી કે ભારતને નેટો પ્લસ માટે આમંત્રણ આપવું જોઈએ. આ સમૂહ અમેરિકાના નેતૃત્વમાં નેટો સંરક્ષણ સંગઠન તરીકે ચાલતું પાંચ દેશનું સમૂહ છે જેમાં ઑસ્ટ્રેલિયા, જાપાન, ઇઝરાયલ, ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ કોરિયા સામેલ છે.
 
અમેરિકા અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચેની વ્યૂહાત્મક સ્પર્ધા પર ગૃહની પસંદ કરેલી કમિટીનું કહેવું છે કે જો ભારત આની સાથે જોડાશે, તો તેનાથી ચીનને રોકવામાં અને સમૂહ વચ્ચે ગુપ્ત માહિતીના આદાન પ્રદાનમાં મદદ મળશે.
 
જોકે આ તો માત્ર વ્હાઇટ હાઉસને કરવામાં આવેલ એક ભલામણ જ છે. અમેરિકાની વિદેશ નીતિ ઉપર આ કૉંગ્રેસની કમિટીનો કોઈ પાવર નથી.
 
ચીને નેટોને પહેલાં જ ચેતવણી આપી છે કે તેઓ ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં વધુ સાથીને સામેલ ન કરે.
 
ચીનના સંરક્ષણમંત્રી લિ શેન્ગફૂનું કહેવું છે કે આમ કરવાથી વિવાદોને બળ મળશે, સાથે જ આ પ્રદેશને "વિવાદો અને સંઘર્ષોના વમળમાં" ડુબાડી દેશે.
 
ડૉ. પલ્લવી રૉય કે જેઓ એસઓએએસ યુનિવર્સિટી ઑફ લંડનમાં કાર્યરત છે, તેમનું કહેવું છે કે, ભારત નેટો પ્લસ સાથે જોડાવા માટે મનાઈ કરી શકે છે.
 
તેમણે કહ્યું કે, "નેટો હવે રશિયા વિરુદ્ધની સંસ્થા તરીકે જોવામાં આવે છે" અને ભારત રશિયા સાથે સંબંધ તોડવા ઇચ્છુક ન હોઈ શકે. એજ રીતે, તેઓ એ મજબૂત સંકેત ચીનને મોકલવા બરાબર હોઈ શકે જેમાં હવે તે ચીન વિરુદ્ધના સંગઠનનો ભાગ હોય.
 
"તે ભારત માટે હાનિકારક સાબિત થઈ શકે છે."