શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મોગાદિશૂ , સોમવાર, 16 ઑક્ટોબર 2017 (08:44 IST)

સોમાલિયા બોમ્બ બ્લાસ્ટમાં મરનારાઓની સંખ્યા 231 સુધી પહોંચી, 275 લોકો ઘાયલ

સોમાલિયાના પાટનગર મોગાદિશુમાં આજે કરવામાં આવેલા પ્રચંડ બ્લાસ્ટમાં મોતનો આંકડો વધીને 231 ઉપર પહોંચી ગયો છે. હજુ પણ અનેક લોકો ઘાયલ છે. સોમાલિયાના પાટનગરમાં સૌથી શક્તિશાળી બ્લાસ્ટ તરીકે આને ગણવામાં આવે છે. વર્ષ 2007માં અહીં ત્રાસવાદી ઘટનાઓની શરૂઆત થયા બાદથી હજુ સુધીના સૌથી મોટા અને વિનાશક હુમલા તરીકે આને ગણવામાં આવે છે. કે-૫ ઇન્ટર સેક્શન પર એક હોટલની બહાર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
 
પહેલો હુમલો મોગાદિશૂના કેફાઇવ જંક્શન વિસ્તારમાં થયો હતો. રાજધાનીના આ વિસ્તારમાં સરકારી કચેરીઓ, હોટેલો અને રેસ્ટોરન્ટો આવેલાં છે. ટ્રકબોંબનો વિસ્ફોટ એટલો ભયાનક હતો કે સોમાલિયાના વિદેશમંત્રાલય નજીક આવેલી સફારી હોટેલ સંપૂર્ણપણે ધરાશાયી થઇ ગઇ હતી. આસપાસની અનેક ઇમારતોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. સંખ્યાબંધ વાહનોમાં આગ ફાટી નીકળી હતી. આ વિસ્ફોટના બે કલાક બાદ મોગાદિશૂના મદિના વિસ્તારમાં બીજો કારબોંબ વિસ્ફોટ થયો હતો જેમાં બે નાગરિકનાં મોત થયાં હતાં.
 
વિસ્ફોટની જાણ થતાં જ સુરક્ષા અને બચાવટુકડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. શનિવારે આખી રાત મૃતકો અને ઇજાગ્રસ્તોને બચાવવાની કામગીરી ચાલી હતી. આખી રાત મોગાદિશૂની સડકો પર એમ્બ્યુલન્સની સાયરનો ગુંજતી રહી હતી. લોકો ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાં પોતાનાં સ્વજનોને શોધતાં રહ્યાં હતાં. એક એમ્બ્યુલન્સ ડ્રાઇવરે જણાવ્યું હતું કે મારા 10 વર્ષના કાર્યકાળમાં આ પ્રકારની કરુણાંતિકા મેં જોઈ નથી.