1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 17 ફેબ્રુઆરી 2015 (16:17 IST)

જો જો ભાંગ ચડી ન જાય...ઓછી લેવાય તો ફાયદાકારક...વધુ લેવાય તો પછી...

આજે મહાશિવરાત્રિ છે ત્‍યારે ભગવાન શિવજીનો પ્રસાદ કે જેનું સાર્વત્રિક વિતરણ વર્ષમાં એક જ વાર થાય છે અને લોકો તેને એક ચમચીથી એક ગ્‍લાસ સુધી યથાશક્‍તિ ગ્રહણ કરતાં હોય છે. એક અંદાજ અનુસાર ગુજરાતમાં ભાંગનો પ્રસાદ ૨.૫ લાખ લિટરથી વધુ ભાંગ ગટગટાવી જશે. જયારે અમદાવાદની વાત કરીએ તો આ આંકડો ૬૫,૦૦૦ લિટરથી પણ વધુ પહોંચી શકે તેમ જાણવા મળ્‍યું છે. બીજી તરફ શિવજીનાં આ વિશિષ્ટ પ્રસાદનું આયુર્વેદિક મહત્‍વ પણ છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અનેક સ્‍થળોએ ગુપ્ત ભાંગ પાર્ટીનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં ભાંગ લસોટવા માટે ખાસ બનારસથી જાણકારોને પણ બોલાવવામાં આવતાં હોવાનું જાણવા મળ્‍યું છે.

   જયોતિષાચાર્યએ જણાવ્‍યું કે મહાશિવરાત્રિનાં દિવસે શિવજીને ભાંગ ચઢાવવાથી મહાદેવજી પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળ આપે છે. જયારે ભાંગનું આયુર્વેદિક મહત્‍વ સમજાવતાં આયુર્વેદશાષા જ્ઞાતા, વૈદ્ય પ્રવિણભાઇ હીરપરાએ જણાવ્‍યું કે ગુજરાતમાં ભાંગ ઉપર પ્રતિબંધ છે અને માત્ર સિલેક્‍ટેડ ફાર્મસી દ્વારા જ તેનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ તહેવાર વસંત ઋતુમાં આવે છે ત્‍યારે કફથી ભૂખનું આવરણ ઘટાડે છે. માટે આ સમયમાં ભાંગ કફનું આવરણ દૂર કરે છે. સૌથી વધારે ભૂખ લગાડે છે. આયુર્વેદના આર્યભિષક્‌ જેવા ગ્રંથોમાં ભાંગનો ઉલ્લેખ જોવા મળે છે. ભાંગ ભૂખ ઉઘાડે છે, પાચનશક્‍તિ મજબૂત બનાવે છે અને મનને ઉત્તેજક છે અને કામોત્તેજક છે.

   અનેક સ્‍થળોએ મહાશિવરાત્રિએ સવારે શિવાલયમાં દર્શન કર્યા બાદ બપોરથી જ ‘ભાંગ પાર્ટી'ઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં તાંબાનો સિક્કો રાખીને પણ ભાંગ લસોટવામાં આવે છે. પ્રાપ્ત વિગતો મુજબ ભાંગનો એક કિલોનો ભાવ રૂ.૧૫૦૦થી ૨૨૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. સાથે જ બનારસ વગેરેથી પણ ભાંગ લસોટવા માટે ખાસ નિષ્‍ણાતોને બોલાવવામાં આવે છે.

   આયુર્વેદશાષા જ્ઞાતા, વૈદ્ય એ જણાવ્‍યું કે વધુ પ્રમાણમાં ભાંગ પીવાથી તે નશાકારક અને સ્‍વાસ્‍થ્‍ય માટે હાનિકારક નીવડી શકતી હોય છે. માટે જો કોઇએ વધુ પ્રમાણમાં ભાંગ પીધી હોય તો તેના ઉપચાર માટે છાશ કે દૂધનું સેવન કરી શકાય તથા લીંબુનું શરબત પણ લઇ શકાય છે.

   જયોતિષાચાર્ય એ જણાવ્‍યું કે રુદ્રાક્ષ ધારણ કરવા માટે મહાશિવરાત્રિએ શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે ‘ૐ નમઃ શિવાય' અથવા મહામૃત્‍યુંજયનો જાપ કરીને શિવલિંગ ઉપર અભિષેક કરવો અને ત્‍યારબાદ રુદ્રાક્ષને શિવલિંગનો સ્‍પર્શ કરાવવો અને ત્‍યારબાદ આ રુદ્રાક્ષને પૂજાસ્‍થાને અથવા તો ગળામાં ધારણ કરી શકાય છે. આરોગ્‍ય પ્રાપ્તિ અને આકસ્‍મિક સંકટોમાંથી પણ રુદ્રાક્ષ રક્ષણ કરે છે.