શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (14:52 IST)

રાજા (સરકાર) માટે પ્રજાની અને પ્રજા માટે રાજાની કસોટીઓ ક્યારેય પૂરી થશે ખરી!

આઝાદીની લડાઈના એક જાણીતા સૂત્રમાં ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એ સૂત્ર ખૂબ પ્રચલિત હતું. આઝાદી પછી ભારતે પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થાનો સ્વીકાર કર્યો ત્યારે પેલું સૂત્ર ખૂબ વ્યાપક બની ગયું. લોકતાંત્રિક શાસન વ્યવસ્થા સ્વીકાર્યા પછી દેશમાં જ્યારે લોકસભાની પ્રથમ ચૂંટણી જાહેર થઈ ત્યારે એ લોકતંત્રની પ્રથમ રાજકીય અને નાગરીકીય કસોટી શરૂ થઈ. જે જન્મસિદ્ધ અધિકાર હતો તે હવે મતાધિકાર પણ બન્યો હતો. લોકસભાની પહેલી ચૂંટણી વેળા જાણે દરેક રાષ્ટ્રપ્રેમી લોકોના મનમાં એક અદ્ભુત ઉત્સાહ હતો કે અમે સ્વતંત્ર દેશના નાગરિક, અમારી સરકાર, અમારા વડા પ્રધાન પસંદ કરીશું. હિન્દુ જ નહીં મુસ્લિમો માટે પણ આ એક પર્વ હતું. કેટલાયનાં મનમાં અવઢવ હતી કે અમારા અહીં રહેવાને સ્વીકારાશે કે નહીં? ‘લોકતાંત્રિક વ્યવસ્થા’ રચી તે બધાને જ આશ્ર્વાસન અપાયું હતું કે અહીં સહુ સમાન છે, પરંતુ એ પ્રથમ ચૂંટણી આવી ત્યારે ગાંધીવાદ ઝાંખો પડી રહ્યો હતો. વિનોબા જેવા સર્વોદય માટે મથી રહ્યા હતા. દેશમાં લાખો ‘ખેડૂતો’ માટે ખેતર નહોતા અને એ ભૂમિહીનો માટે ભૂદાનની ચળવળ બહુ મોટી હતી. પણ આદર્શને રૂપે જે કલ્પના ખૂબ સારી લાગે તેના વાસ્તવિક રૂપ કલ્પના કરવા જેવા નથી હોતા. પ્રજાતંત્રના વ્યાપક પડકારો ઉઠાવવા આપણો દેશ સક્ષમ હતો ખરો? ભારતનાં લોકોએ અંગ્રેજોના શાસન પહેલાં અને શાસન દરમિયાન પણ રાજાશાહી જોઈ હતી. ‘રામાયણ’, ‘મહાભારત’ જેવા મહાકાવ્ય પણ રાજાઓ અને તેના શાસનની વાત કરતા હતા એટલે સ્વતંત્રતા પછી પણ અનેક લોકોને મન ‘વડા પ્રધાન’ તે ‘રાજા’ હતા. જવાહરલાલ નહેરુની અંગત જીવનશૈલીમાં પણ રાજવીઓની શૈલીનાં ઘણા અંશો હતા. તેઓ પૂરા સત્તર વર્ષ વડાં પ્રધાન રહ્યાં. લાલબહાદુર શાસ્ત્રી પોણા બે વર્ષ અને પછી ઇન્દિરાજી પણ કુલ સત્તર વર્ષ વડાં પ્રધાન રહ્યાં. જાણ્યે-અજાણ્યે પ્રજાસત્તાકને નામે વંશ-વારસ શાસનની વ્યવસ્થા જાણે સ્થપાઈ ગઈ જે રાજીવ ગાંધીએ આગળ ચલાવી. પ્રજાસત્તાક રાષ્ટ્રની કલ્પનાની સમાંતર આ બન્યું હતું. જે પછીથી અનેક નેતાઓએ પણ અપનાવ્યું. પ્રજાસત્તાક રાષ્ટ્રની કલ્પના કેટલી સાકાર થઈ તે એક વ્યાપક પૃથ્થક્કરણનો પ્રશ્ર્ન છે પણ લોકોના મનમાં ગાંધીજીની એ વાત જરૂર યાદ આવી કે કૉંગ્રેસે સત્તાકાંક્ષી અને સત્તાભોગી પક્ષ ન બને તે માટે તેને લોકસેવક સંઘમાં પરિવર્તિત કરી દેવો જોઈએ. આચાર્ય કૃપલાણીએ તેમની આત્મકથાના એક પ્રકરણનો આરંભ આ રીતે કર્યો છે: ‘સ્વાતંત્ર્ય પછી રાષ્ટ્રના નવઘડતર માટેની કૉંગ્રેસની અને તેની સરકારોની પ્રવૃત્તિઓથી, ખાસ કરીને ગાંધીજીના આદર્શો અને કાર્યક્રમોની દૃષ્ટિએ, અસંતોષ થતાં ૧૯૫૦ના અંતે મેં કૉંગ્રેસ છોડી દીધી. કૃપાલાણીએ અન્ય મિત્રો સાથે મળી કિસાન મજદૂર પ્રજા પક્ષ સ્થાપેલો. ત્યાર બાદ જયપ્રકાશ, અશોક મહેતા, લોહિયાએ ભેગા થઈ પ્રજા સમાજવાદી પક્ષ રચ્યો. કૃપલાણી જ અન્ય એક પ્રકરણના આરંભે લખે છે કે, ‘૧૯૫૦ને અંતે જુદા જુદા પ્રાંતોના કેટલાક કૉંગ્રેસીઓને લાગ્યું કે આપણી સરકારો, સ્વાતંત્ર્ય પહેલાં રાષ્ટ્રે એમની પાસે અપેક્ષા રાખી હતી તેટલી સારી અને કાર્યસાધક રીતે કામ કરતી નથી. વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર અને સગાંવાદ ચાલતો હતો અને પરિણામે કાર્યક્ષમતા ઘટી હતી. વળી, વેપાર અને ઉદ્યોગમાં પુષ્કળ કાળાં બજાર અને કરચોરી વ્યાપ્યાં હતાં. સરકાર તરફથી અપાતાં માલની આયાત-નિકાસ માટે લાઈસન્સ, પરમિટ અને ક્વૉટાની પદ્ધિતનો પુષ્કળ દુરુપયોગ થતો હતો.’ ૧૯૫૦ના જ એક પત્રમાં તેઓ નોંધે છે કે, ‘કૉંગ્રેસના સામાન્ય સભ્યોમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો હોઈ કોઈ પ્રામાણિક માણસ માટે કૉંગ્રેસમાં રહેવું મુશ્કેલ થતું જાય છે.’ આ બધા નિરીક્ષણો સૂચવે છે કે પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકેની કસોટીમાં ઘણા સવાલો અધૂરા મુકાયા છે. એ સમયે જ નહેરુજીને કૉંગ્રેસના જ એક જૂથે કહેલું કે, ‘લોકશાહી મોરચાને કામ કરવા દેવામાં નહીં આવે તો એના ઘણા સભ્યો એ સંસ્થા છોડીને એક વિરોધ પક્ષ રચવો પડશે. ૧૯૫૨માં ફેબ્રુઆરીમાં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે નહેરુએ આખા દેશમાં ઝંઝાવાતી પ્રવાસ કરેલો. રાજકારણ અને લોકશાહી રાજકારણ વચ્ચે ભેદ પડવો ત્યારથી શરૂ થયો, પરંતુ સાથે જ કહેવું જોઈએ કે પ્રજાસત્તાક રાષ્ટ્રની કલ્પના સાકાર કરવા માટે શરૂના વર્ષોમાં નહેરુ સમન્વયવાદી પણ હતા. અન્ય પક્ષોના નેતા તેમને મળતા. નહેરુજીએ પોતાના પ્રધાનમંડળમાં જ્હોન મથાઈ, ભાભા, શ્યામાપ્રસાદ મુખરજી, ષણ્યુખમ યેદ્દી, ચિંતામણ દેશમુખ જેવાનેય લીધેલાં જે કૉંગ્રેસીઓ નહોતા, પરંતુ ચૂંટણીઓ તો ત્યારે પણ એ જ રીતે લડાયેલી છે. ૧૯૬૨માં યુપીના અમરોહામાં કૉંગ્રેસે એક પેટા ચૂંટણીમાં હાફીઝ મહંમદ ઈબ્રાહીમને ઊભા રાખેલા તો હિન્દુસ્તાનનાં બધા ભાગોમાંથી મૌલાનાઓ, મૌલવીઓ અને ઈમામોને મુસ્લિમોમાં પ્રચાર કરવા તેડાવાયેલા. એ વર્ષોમાં નહેરુ એમ પણ ઈચ્છતા કે રાષ્ટ્રપતિ પણ તેમની સલાહ માને. પ્રજાસત્તાક રાષ્ટ્રમાં આ રીતની ‘સરકાર’ હોવી જોઈએ?

નહેરુ લોકતાંત્રિક શાસન વ્યવસ્થાનાં પ્રથમ શાસક-સૂત્રધાર હતા છતાં ઘણી મર્યાદાઓ આ દરમિયાન જ પ્રવેશી ગઈ હતી. ભારતનાં બંધારણમાં નૈતિક દૃષ્ટિકોણ, રાજનૈતિક કૌશલ્ય અને ન્યાયિક તીક્ષ્ણ બુદ્ધિનો ઉપયોગ થયો છે જે તે પ્રમાણે બને તો રાજકીય રીતે પણ સામાજિક ક્રાન્તિ થઈ શકે. તેમાં રાષ્ટ્રીય એકતા અને પ્રગતિશીલ સામાજિક પરિવર્તન લાવવાનું સ્વપ્ન હતું. તે વખતે જે રાષ્ટ્રીય યોજનાઓ બની તેમણે જે તે રાજ્યોનાં પ્રાકૃતિક સ્ત્રોતોને પણ વહેંચવાની વાત હતી. બંધારણમાં કેન્દ્ર સરકારને રાજ્યોની તુલનામાં વધારે અધિકારો અપાવા સ્વાભાવિક હતા પણ પછી તેનો દુરુપયોગ પણ થયો. બંધારણમાં લઘુમતીઓના અધિકારો બાબતે વિશેષ કાળજી રખાયેલી. આંબેડકરે ભારતીયોને એક ચેતવણી આપી હતી કે તમે રાજનૈતિક લોકતંત્રથી સંતુષ્ટ ન થશો. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦માં ભલે આપણને લોકતંત્ર પ્રાપ્ત થયું પણ આંબેડકરની ચેતવણી હજુ પણ સાંભળવા જેવી છે, નહેરુ વડે જે મર્યાદા પ્રવેશી તેનું એક કારણ એ પણ ખરું કે કૉંગ્રેસમાં તેમને ખરા અર્થમાં પડકાર આપી શકે તેવા કુશળ રાજનીતિજ્ઞ સરદાર પટેલ હતા અને તેમના બહુ વહેલા મૃત્યુએ નહેરુને સર્વેસર્વા બનાવી દીધા હતા.

પહેલી લોકસભા ચૂંટણીમાં ૫૦૦ સાંસદો ચૂંટવાના હતા. ૨૨૪,૦૦૦ મતદાન કેન્દ્ર બનાવાયેલા. મતદાન પત્રો છાપવા માટે લગભગ ૩૮૦,૦૦૦ કાગળના રિમ વપરાયેલા. એ ચૂંટણીમાં ૨૨૪,૦૦૦ પોલીસ જવાનો તહેનાત કરાયેલા. સુકુમાર સેન ત્યારે પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા. ઈલેકશન કમિશને લગભગ એક વર્ષ સુધી રેડિયો અને ફિલ્મ વડે લોકતંત્ર શું છે તેની જાગૃતિ ફેલાવવા પ્રયત્ન કરેલો. ત્રણ હજાર સિનેમાઘરોમાં મતદાન પ્રક્રિયા અને મતદાતાની જવાબદારી વિશે દસ્તાવેજી ફિલ્મ દેખાડાયેલી. અહીં એક અન્ય નાટકીય બાબત એ પણ છે કે ભારતથી અલગ થયેલા પાકિસ્તાનનાં પ્રથમ વડા પ્રધાન લિયાકત અલી ખાનની ૧૬ ઓક્ટોબર ૧૯૫૨માં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી તેના નવ દિવસ બાદ ભારતમાં મતદાતાએ પોતાનો મત નાખ્યો હતો. પ્રજાતંત્ર રચાય રહ્યું હતું અને એ ચૂંટણીમાં કૃપલાણી, જયપ્રકાશ નારાયણ વગેરે કૉંગ્રેસની ટીકામાં કહેતા હતા કે, ‘ગરીબો માટેના વાયદા તેમણે પૂરા નથી કર્યાં. કૉંગ્રેસ તો જમીનદારો અને મૂડીવાદીઓની તરફેણમાં છે.’ જનસંઘે ૨૧મી સપ્ટેમ્બર ૧૯૫૧માં પાર્ટીનાં ઉદ્ઘાટન સમારંભમાં વૈદિક મંત્રો અને ‘વંદેમાતરમ્’ ગાયનથી આરંભ કરેલો. વિશાળ મંડપમાં ‘મહાભારત’ની ઉક્તિ વંચાતી હતી. ‘સંઘ શક્તિ ક્લૌ યુગે.’ જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા.

લોકતાંત્રિક સરકાર રચવામાં શાસકોને સમસ્યા નડતી રહી છે કારણ કે આ દેશમાં સામાજિક, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક, ભાષાકીય વૈવિધ્ય ઘણું છે. ૧૯૫૫માં રાજ્ય પુનર્ગઠન આયોગ રચાયા પછી પણ એ સમસ્યા રહી છે. ચૂંટણી વેળા ‘યહ આપકા મત હૈ’ નામની ફિલ્મ બનાવેલી તે ૧૩ ભાષામાં ડબ્ડ કરવી પડેલી. પહેલી ચૂંટણી વેળા જ ડાબેરીઓ, સમાજવાદીઓ અને જનસંઘ ઉપરાંત દક્ષિણના રાજ્યોએ પડકાર ઊભા કરેલા. ત્યાં દ્રવિડ મુનેત્ર કળગમ રૂપે ઈ.વી. રામાસ્વામી નાયકરે પ્રાદેશિકતાને મજબૂત બનાવી હતી. ઓરિસ્સામાં ગણતંત્ર પરિષદે ડાબેરીઓ સાથે રહી ચૂંટણી લડેલી. શેખ અબ્દુલ્લા, નામ્બુદ્રીપાદ, માસ્ટર તારાસિંહ, એ. એડ. ફિઝા તે વેળા પ્રાદેશિક નેતાઓ ગણાતા હતા. ૧૯૫૯માં તો રાજાજીએ એંસીની ઉંમરે ‘સ્વતંત્ર પાર્ટી’ સ્થાપી હતી. લોકતંત્રના પડકારો કોઈ એક પક્ષ વડે ઝીલાય ન જ શકે અને રાજકારણ તેમાં ખૂબ જ મહત્ત્વનું છે. નવ મહિના પહેલાં ૧૬મી લોકસભા રચાઈ તેનું પરિણામ કહેશે કે દેશ કેવા પરિવર્તનો સુધી પહોંચી ગયો છે. ૫૪૩ સાંસદોમાંથી માત્ર વીસ સાંસદો જ મુસ્લિમ છે. બસપા, સીપીઆઈ, ડીએમકે, નેશનલ કોન્ફરન્સ સહિતનાં ૧૬૫૦ જેટલાં પક્ષો એક પણ બેઠક જીતી નથી શક્યા. ૧૬૮૭ જેટલા પક્ષોએ ૮૨૦૦ ઉમેદવારો ઊભા રાખેલા. આઝાદી પછી પ્રજાસત્તાક દેશનું નેતૃત્વ કરનાર કૉંગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી છે. પ્રજાતંત્રની કસોટીમાં હવે તેમને નિષ્ફળતાનો વારો છે? થોભો, આ તો દીર્ઘ સમયની અખંડ પ્રક્રિયાનો ભાગ છે. પ્રજાની કસોટી રાજકીય પક્ષો અને નેતા છે તો નેતા અને પક્ષોની કસોટી પ્રજા છે.