શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (14:27 IST)

અમદાવાદીઓએ કરણ જોહરની મુશ્કેલીને આસાન કરી દીધી, એડવાન્સ બુકિંગ શરૂ થયું

ઉરીમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સામે દેશભરમાં વિરોધ થયો હતો, જેના બોલિવૂડમાં પણ પડઘા પડતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકારો જે ફિલ્મમાં હોય તે ફિલ્મને રિલીઝ ન થવા દેવા ધમકી આપી હતી. ફિલ્મ દિગ્દર્શક કરણ જોહરની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન અભિનેતા હોઇ મનસેએ ફિલ્મ ન રિલીઝ થવા દેવા ધમકી આપી હતી, જોકે આ અંગે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ફડણવીસ દ્વારા સમાધાન બાદ ફિલ્મ આગામી શુક્રવારે રિલીઝ થવા થઇ રહી છે ત્યારે અમદાવાદીઓએ પાકિસ્તાની કલાકારોના ફિલ્મમાં કામ કરવાના વિવાદને ભૂલીને ફિલ્મ જોવા અત્યારથી જ એડ્વાન્સ બુકિંગ કરાવી દીધું છે. હાલમાં મોટા ભાગનાં થિયેટરમાં મોર્નિંગ શો હાઉસફુલ થઇ ગયાં છે જ્યારે સાંજના અને રાત્રીના શો ૬૦ ટકા જેટલા બુક થઇ ગયા છે. આગામી શુક્રવારે વિવાદાસ્પદ ફિલ્મ ‘અય દિલ હૈ મુશ્કિલ’ આખરે રિલીઝ થવા જઇ રહી છે ત્યારે અમદાવાદીઓએ કરણ જોહરને માફ કરીને ફિલ્મ જોવાનું નક્કી કરીને અત્યારથી જ એડ્વાન્સ બુકિંગ શરૂ કરાવી દીધું છે. અગાઉ મનસે દ્વારા ધમકી અપાતાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક વગેરેના થિયેટરના માલિકોએ ફિલ્મ રજૂ નહીં કરીએ તેમ જણાવ્યું હતું, પરંતુ મહારાષ્ટ્ર સી.એમ. ફડણવીસના મનસે અધ્યક્ષ રાજ ઠાકરે અને કરણ જોહર વચ્ચે સમાધાન બાદ મનસેએ ફિલ્મનો વિરોધ ન કરવાનું જણાવતાં ફિલ્મ રિલીઝ થવા જઇ રહી છે. અમદાવાદમાં આ ફિલ્મનું ગઇ કાલથી જ એડ્વાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે. સિનેપોલિસ, શિવ સિનેમેક્સ, દેવાર્ક મોલ સિનેમેક્સ, પીવીઆર-મોટેરા, પીવીઆર એક્રોપોલિસ વગેરે જગ્યાએ બુકિંગમાં ભારે ધસારો છે. મોર્નિંગના મોટા ભાગના શો હાઉસફુલ જોવા મળે છે. મોર્નિંગ શોની ટિકીટ રૂ.૧પ૦થી લઇ ૩પ૦ સુધી જ્યારે સાંજના શોમાં ૩૦૦ થી પપ૦ રૂપિયા સુધી ટિકીટનો દર રાખવામાં આવ્યો છે. દિવાળીની રજાઓમાં અમદાવાદીઓએ ફિલ્મના વિવાદને ભૂલી ફિલ્મ માણવાનું નક્કી કર્યું છે. ઉપરાંત અજય દેવગણની ફિલ્મ ‘શિવાય’નાં પણ એડ્વાન્સ બુ‌િકંગ શરૂ થઇ ગયાં છે. અય દિલ હૈ મુશ્કિલ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન, રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન અને અનુષ્કા શર્મા જેવા ફિલ્મ કલાકારો સાથે અભિનય કરી રહ્યા છે. આ ફિલ્મમાં રોમે‌િન્ટક લવ સ્ટોરી છે.