શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2016 (13:43 IST)

જગદીશ ઠાકોરના સમર્થનમાં પાટણના 300 કોંગી કાર્યકરોનાં રાજીનામાં

પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે રાજીનામું આપી દેતાં તેના ઘેરા પ્રત્યાઘાતો સમર્થકોમાં પડ્યા છે. બુધવારે પાટણ જિલ્લા અને તાલુકાઓના સંગઠનમાંથી 300થી વધારે હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા. શહેરના જૂના સર્કીટ હાઉસ ખાતે પૂર્વ સાંસદની પ્રદેશ કક્ષાએ અવગણના થઇ રહ્યાની નારાજગી સાથે કાર્યકરો પ્રદેશ પ્રમુખને રાજીનામા આપવા અમદાવાદ રવાના થયા હતા. હોદ્દેદારોના એકસામટા રાજીનામાથી પક્ષમાં ખળભળાટ મચી ગયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી વિધાનસભાની ચૂ઼ંટણીમાં ઝોનવાર અગ્રણીઓને જવાબદારી સોંપાઇ છે. જેમાં પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરની અવગણના કરાતાં તેમણે રાજીનામું આપી દીધું છે. જેને પગલે બુધવારે સવારે પાટણના જૂના સર્કીટ હાઉસ ખાતે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લવિંગજી સોલંકી, સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ વદનજી ઠાકોર, જિલ્લા મહામંત્રી શંકરજી ઠાકોર, ઉપપ્રમુખ પોપટજી ઠાકોર, ચંદનજી ઠાકોર, પ્રવકતા ભૂપેન્દ્રસિહ વાધેલા સહિત જિલ્લા- તાલુકાના હોદ્દેદારો ભેગા થયા હતા અને સંગઠનના હોદ્દા પરથી રાજીનામા પત્ર પ્રદેશ પ્રમુખને સંબોધીને લખી આપ્યા હતા.જે એકત્ર કરી આગેવાનો અમદાવાદ રવાના થયા હતા.