શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (14:52 IST)

2002ના ઓડ રાયોટિંગનો ફરાર આરોપી લંડનથી ઝડપાયો

વર્ષ 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોના અનુસંધાનમાં ભારતીય પોલીસે બહાર પાડેલી રેડ કોર્નર નોટીસ અંતર્ગત સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે પશ્ચિમ લંડનમાંથી 40 વર્ષના સમીર વિનુભાઇ પટેલની ધરપકડ કરી હતી. જેને ભારતીય પોલીસને સોંપવામાં આવ્યા બાદ બુધવારે તેને આણંદ પોલીસ દ્વારા જીટોડિયા ખાતેની આણંદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે તેને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. આણંદના ઓડ ગામમાં 1 એપ્રિલ, 2002 ના રોજ પીરવાલી ભાગોળ વિસ્તારમાં એક ઘરમાં 1500 ના ટોળાંએ આગ ચાંપી દીધી હતી. જેમાં નવ મહિલા, પાંચ પુરૂષો અને બાળકો સહિત 23 જણાં જીવતા ભુંજાઈ ગયા હતા. બીજે દિવસે ગામના જ અન્ય વિસ્તારમાં વધુ પાંચની હત્યા થઈ હતી. આ કેસનો 9 એપ્રિલ, 2012ના રોજ આણંદ જિલ્લા કોર્ટે ચૂકાદો જાહેર કર્યો હતો જેમાં કોર્ટે 23 જણાને સજા ફટકારી હતી. જોકે, અગાઉ આ કેસમાં જામીન પર છૂટેલો સમીર પટેલ બ્રિટન ફરાર થઈ જતા તેની સુનાવણી પુરી થઈ ન હતી. સમીર પટેલ લંડનમાં હોવાની જાણ ભારતીય પોલીસને થતાં તેના વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરાઈ હતી. જે અંતર્ગત સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે પશ્ચિમ લંડનમાંથી થોડાં સમય અગાઉ તેની અટકાયત કરી હતી અને આ અંગેની જાણ ભારતીય પોલીસને કરાઈ હતી. બીજી તરફ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે (SIT) ગત અઠવાડિયે લંડન પહોંચીને તેનો કબ્જો મેળવ્યો હતો. દરમિયાન મંગળવારે મોડી રાત્રે તેને ભારત લાવી બુધવારે આણંદ જિલ્લા કોર્ટમાં જજ આર.ટી. પંચાલ સમક્ષ રજૂ કરાયો હતો. જ્યાં તેને જ્યુડિશ્યલ કોર્ટમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો. નોંધનીય છે કે, ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ કરાર કરાયાં પછી 24 વર્ષમાં પહેલી વખત કોઇ વ્યકિતનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે.