શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (12:47 IST)

ગુજરાતમાં દરરોજ લગભગ ૧૬ જેટલી મહિલાઓ આપઘાત કરે છે

દેશમાં સતત વિકાસ કરતા ગુજરાતમાં મહિલાઓ સાથેના ગુનાઓમાં વધારો થયો છે. મહિલાઓ સાથેના ગુનાઓને અટકાવવા માટે સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેમજ આપઘાત કરવા જતી મહિલાઓની જિંદગી બચાવવા માટે હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે. તેમ છતા જે રાજ્યના મુખ્ય પ્રધાન મહિલા છે તેવા વાઇબ્રન્ટ ગુજરાતમાં દરરોજ લગભગ ૧૬ જેટલી મહિલાઓ આપઘાત કરે છે. આ ઉપરાંત મહિલા અને યુવતીની સાથે રાજયમાં બાળકો સાથે પણ જાતીય અત્યાચારના બનાવો સામે આવ્યા છે. લગભગ ૩૭ ટકા બાળકો જાતીય અત્યાચારનો ભોગ બનાતા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જારી કર્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જારી કરેલા અહેવાલ અનુસાર દેશમાં રોજ ૩૭૦ વ્યક્તિ આપઘાત કરે છે. આત્મહત્યાના બનાવ ઘટાડવા માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. તેમ છતા આપઘાતના બનાવો બને છે. રાજયમાં છેલ્લાં એક વર્ષમાં આત્મહત્યાના કેસોમાં ૧૨ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં દરરોજ લગભગ ૧૬ મહિલાઓ આત્મહત્યા કરીને જીવનલીલા સંકેલી લે છે. મહિલાઓ લગ્નમાં ભંગાણ, પ્રેમમાં નિષ્ફળતા, પરીક્ષામાં નિષ્ફળતા, ઓફિસમાં સમસ્યા, દગાબાજી, લાંબી બીમારી, કૌટુંબિક સમસ્યા અને માનસિક બીમારીથી કંટાળીને અંતિમ પગલુ ભરતી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત છોકરાઓ સાથેના જાતીય અત્યાચારના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજયમાં લગભગ ૩૭ ટકા બાળકો જાતીય સતામણીનો ભોગ બનતા હોવાનું નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જણાવ્યું છે.